Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

૧૦-૧૨ દરમિયાન શહેરમાં એન્જિ. એક્સ્પોનું આયોજન

મેક ઇન ઇન્ડિયા સહિતની પહેલમાં યોગદાન અપાશેઃ ભારતથી ૩૦૦થી વધુ પ્રતિનિધિ ભાગ લેશે : પ્લાસ્ટિક, રબર, વેલ્ડીંગ, કટીંગ સહિતના ઉદ્યોગોનું પ્રદર્શન કરાશે

અમદાવાદ,તા. ૩૧, કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ફર્સ્ટ, બ્રાન્ડ ઇન્ડિયા સહિતની પહેલમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાના હેતુથી તા.૧૦થી તા.૧૨ ફેબ્રુઆરી દરમ્યાન શહેરના હેલ્મેટ ચાર રસ્તા પાસે અમદાવાદ એજયુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસનું એન્જિ. એકસ્પો-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. એન્જિ. એકસ્પો-૨૦૧૮ની આ વખતની ત્રીજી આવૃત્તિમાં પ્લાસ્ટિક, રબર, વેલ્ડીંગ, કટીંગ, પ્રિન્ટીંગ, વેઇંગ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ, પેકેજીંગ, પાવર ટુલ, મશીન ટુલ્સ, વુડ વર્કીંગ, કન્સ્ટ્રકશન, સોલર ઇકવીપમેન્ટ્સ, મટીરીયલ હેન્ડલીંગ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી સહિતના અનેક ઉદ્યોગો અને નવા ઇનોવેશનનું અનોખુ પ્રદર્શન યોજાશે. દેશભરમાંથી વિવિધ ઉદ્યોગોના ૩૦૦થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે એમ એન્જિ.એકસ્પો-૨૦૧૮ના સીઇઓ અંબાલાલ ભંડારકરે જણાવ્યું હતું.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની ઇન્ડસ્ટ્રીઝને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ વિશાળ તકો હાંસલ કરવામાં અને તેમની ક્ષમતાઓ વિસ્તારવામાં મદદરૂપ બનવાના ઉદેશ્ય સાથે આ એન્જિ.એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરના મેન્યુફ્રેકચરર્સ, ડીલર્સ અને ટ્રેડર્સ માટે તમામ ઉદ્યોગો અને તેમાં થતા સંશોધનો અને નવી જાણકારી અને માર્ગદર્શન એક મંચ પર જોવાનો આ એક અદ્ભુત લ્હાવો છે, જેનો સૌકોઇએ લાભ લેવો જોઇએ. જે તેમની પ્રોડક્ટસની બ્રાન્ડ વેલ્યુ તૈયાર કરવામાં, પ્રોડકટ માર્કેટસને સપોર્ટ કરવામાં અને નબળા આર્થિક માહોલ વચ્ચે પણ તેમના ઉદ્યોગ સાતત્યતાને વિકાસશીલ બનાવવામાં સહાયભૂત બનશે એમ પણ સીઇઓ અંબાલાલ ભંડારકરે ઉમેર્યું હતું. દરમ્યાન એન્જિ.એક્સ્પોના ઓર્ગેનાઇઝર આનંદ મહેતા અને મહેન્દ્ર પઢિયારે જણાવ્યું હતું કે, આ વખતના એન્જિ.એક્સ્પો-૨૦૧૮ના પ્રદર્શન માટે વિવિધ ઉદ્યોગોના પ્રદર્શન માટેના વિશાળ ૧૦ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. આ વખતે સૌપ્રથમવાર પ્રિન્ટીંગ, પ્લાસ્ટિક અને પેકેજીંગની સાથે સાથે ઇન્ફર્મેશન ટેકનોલોજીને પણ આવરી લેવાયા છે અને તેના વિશેષ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. એન્જિ. એકસ્પો એકઝીબીશન અને ટ્રેડ-ફેર ક્ષેત્રે પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે. તો, એન્જિ. એકસ્પો અસરકારક માર્કેટીંગ અને એડવર્ટાઇઝમેન્ટ માટે એકઝીબીટર્સને જરૂરી રિસર્ચ વર્ક કરવાની ઓફર પણ પૂરી પાડે છે. ઉદ્યોગ જગતમાં ઓટોમેશનના કારણે કામના કલાકોનું ભારણ ઘટાડી શકવાની સાથે નફામાં વૃધ્ધિ સહિતના અનેક લાભકારક પાસાઓને આ પ્રદર્શનમાં પ્રત્યક્ષ નિહાળી શકાશે.

(9:54 pm IST)