Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

કારની હડફેટે સોજીત્રાના પીપળાવ નજીક બાઈક ચાલક ઈસમનું ઘટનાસ્થળેજ ઢીમ ઢળ્યું

આણંદ: જિલ્લામાં બે જુદાજુદા સ્થળોએ વાહન અકસ્માતના બે બનાવો સર્જાયા હતા.જેમાં સોજીત્રાના પિપળાવ રોડ પર એક બાઈકને સામેથી પુરઝડપે આવતી કારે ટક્કર મારી હતી. આ ટક્કર બાઈક ચાલક માટે જીવલેણ સાબિત થઈ હતી.જ્યારે આણંદ નજીક આવેલ નાપાડ રોડ ની દહેમી ટી પોઈન્ટ નજીક એક વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં ખાંધલીમાં રહેતા પરીવારજનો વિદેશથી આવતા પરીવારજને લેવા માટે જતા હતા.ત્યાં માતેલા સાંઢની જેમ હંકારતા ડમ્ફર ચાલકે કારને ટક્કર મારી હતી. આ કારમાં જતા વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવોની જાણ હદ ધરાવતા પોલીસ મથકોએ ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સોજીત્રા તાબે પિપળાવ રોડ પર ગઈ સાંજના સુમારે એક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં એક કાર નં જીજે એફકે ૨૪૮૪ના ચાકલે પોતાની કાર બેફીકરાઈ તથા ગફલતભરી રીતે પુરઝડપે હંકારી હતી. આ કારના ચાલકે રસ્તે જતા બાઈક નં જીજે સી કે ૬૪૭ને સામેથી ટક્કર મારી  હતી. આ ટક્કર વાગતા જ બાઈક પર બેઠેલ હસમુખભાઈ ઉર્ફે ગોપો તળપદા રહે સોજીત્રા રોડ પર પટકાયા હતા. જેથી તેમને શરીરે ગંભીર ઈજાઓ થતા  સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલ ચાર વ્યક્તિઓને ઓછા વત્તા પ્રમાણમાં ઈજાઓ થઈ હોવાની માહિતી પોલીસે જણાવી હતી. ઘટના સંદર્ભે સોજીત્રા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:38 pm IST)