Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કાલથી મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે કાર્યરત થશે

1200 બેડની હોસ્પિટલમાં 20 હજાર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા

અમદાવાદ : દિવાળીના તહેવારો બાદ હાલ અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. અહીં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સિવિલ મેડિસિટીની કોરોના ડેડિકેટેડ તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની પુરતી ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદ સિવિલ મેડિસીટી સંકુલમાં આવેલી સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં 20 હજાર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ છે. જ્યારે નોન કોવિડ હોસ્પિટલમાં પણ 20 હજાર લીટર લિક્વિડ ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા મળેલ સુચના અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં 20 હજાર લીટરની ક્ષમતા ઘરાવતી વધુ એક ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરવમાં આવી છે. જે ટૂંક સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સુખાકારી માટે ઉપયોગમાં લેવાશે.

સિવિલ સંકુલમાં આવેલી કોરોના ડેડિકેટેડ કેન્સર હોસ્પિટલમાં હાલ 2800 લીટર કેપિસિટીની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. તેમજ ઓક્સિજન ટેલર દ્વારા પણ ઓક્સિજનની જરૂરિયાત સંતોષવામાં આવે છે. ટૂંક સમયમાં કોરોના ડેડિકેટેડ કેન્સર હોસ્પિટલમાં અન્ય 11 હજાર લિટર લિક્વીડ ઓક્સિજનની ક્ષમતા ધરાવતી વધુ એક ઓક્સિજન ટેન્ક કાર્યરત કરવામાં આવનાર છે.

સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં 13 હજાર લિટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સેવામાં ઉપલબ્ધ છે. આવતીકાલથી મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કે જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત થશે તેમાં પણ 20 હજાર લીટરની લીક્વીડ ઓક્સિજનની ટેંક કાર્યરત છે. તેમજ અન્ય 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

મંજુશ્રી કમ્પાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં ઓક્સિજન ટેન્કની જરૂરિયાત સંતોષવામાં આવી છે

(7:27 pm IST)