Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ગાંધીનગર નજીક પાન પાર્લરનું પતરું કાપી ગઠિયા તમ્બાકુ સહીત સિગારેટની ચોરી કરી ફરાર

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નાની મોટી ચોરીઓ થઈ રહી છે ત્યારે દહેગામ મોડાસા રોડ ઉપર પાન પાર્લરનું પતરું કાપીને તસ્કરો તેમાંથી સાત હજારની રોકડ સહિત પ૦ હજારની ગુટકા અને સીગારેટની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે દહેગામ પોલીસ મથકમાં પાન પાર્લરના માલિકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે.       

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે. દહેગામમાં તાજેતરમાં જ બારોટવાડાના બંધ મકાનનું તાળું તોડી ૧૩ લાખની ચોરીની ઘટના બનવા પામી હતી. ત્યારે હજુ સુધી આ આરોપીઓ પકડાયા નથી ત્યારે દહેગામમાં વધુ એક ચોરીની ઘટના બનવા પામી છે. દહેગામમાં શિવદાર્શન સોસાયટીમાં રહેતા અને દહેગામ મોડાસા રોડ ઉપર આરાધના સોસાયટી પાસે શિવશક્તિ પાન પાર્લર ચલાવતાં કનુભાઈ ગોરધનભાઈ બારોટ ગઈકાલ સાંજના સમયે તેમનું પાર્લર બંધ કરીને ઘરે ગયા હતા અને આજે સવારના સમયે તેઓ પાર્લર ઉપર આવતાં શટર ખોલીને અંદર જોતાં માલસામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. પાર્લરની છતના ભાગે જોતાં પતરૂ કપાયેલું જોવા મળ્યું હતું. જેથી કોઈ અજાણ્યા તસ્કરોએ પાર્લરમાં પ્રવેશ કરીને સાત હજાર રૂપિયા રોકડા અને પાર્લરમાંથી બીડી, તમાકુ, સીગારેટ અને ગુટકાના પેકેટ મળી પ૦ હજારની મત્તા ચોરી લીધી હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે દહેગામ પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી છે. દહેગામમાં વધેલી ઘરફોડ ચોરીની ઘટનાઓના પગલે પોલીસ પેટ્રોલીંગ વધારવાની પણ તાતી જરૂરીયાત ઉભી થઈ છે. 

(5:20 pm IST)