Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વડોદરામાં રેલવે સ્ટેશન વિસ્તાર નજીક મોબાઈલ પર વાત કરતા શખ્સના હાથમાંથી ફોન આંચકી ગઠિયો ફરાર

વડોદરા:રેલવે સ્ટેશને મોબાઇલ પર વાત કરતા પ્રવાસીના હાથમાંથી મોબાઇલફોન તફડાવી એક ગઠિયો ફરાર થઇ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે બ્રજેશ છોટેલાલ મહરા વડોદરા રેલવે સ્ટેશનથી ભોપાલ જવા માટે રેલવે સ્ટેશનના મુખ્ય દરવાજા સામે મોબાઇલ પર તેના મોટાભાઇ સાથે વાત કરતો હતો ત્યારે ૨૦થી ૨૧ વર્ષની વયનો દૂબળો પાતળો અને ટી શર્ટ પહેરેલો યુવાન નજીક આવ્યો હતો તેમજ બ્રજેશના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ભાગી ગયો હતો. આ મોબાઇલના કવરમાં રોકડ રકમ પણ મૂકી હતી.

અન્ય બનાવમાં પુનામાં સુનીતાપાર્ક ખાતે રહેતો પ્રવિણ ભોમારામ નારીયા ઉદેપુરથી બાન્દ્રા જવા માટે ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતો હતો. રાત્રી મુસાફરીના કારણે ઊંઘી ગયા બાદ વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા ઊંઘ ઉડી ત્યારે ગ્રીન અને પીળા રંગની સોલ્ડરબેગ ગાયબ હતી. આ બેગમાં રોકડ રકમ તેમજ અન્ય દસ્તાવેજો હતાં.

(5:18 pm IST)