Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ગાંધીનગરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવી હોવા છતાં પણ કલેક્ટર કચેરીની આસપાસ કચરાના ઢગલા જોવા મળતા ચકચાર

ગાંધીનગર:શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામો તો કરવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ સફાઇ બાબતે પણ પુરતી તકેદારી રાખવામાં આવતી હોવા છતાં કલેક્ટર કચેરીની આસપાસ સફાઇ અંગે યોગ્ય વ્યવસ્થા ઉભી નહીં થતાં કચરાના ઢગ ખડકાઇ રહ્યાં છે. તો સમગ્ર જિલ્લાનો જ્યાંથી વહિવટ ચાલી રહ્યો છે તેની આસપાસ કચરો એકઠો થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે.

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર શહેર ડસ્ટ ફ્રી રહે તે માટે તંત્ર દ્વારા વિવિધ કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ હજુ પણ સેક્ટરોમાં સફાઇ બાબતે યોગ્ય વ્યવસ્થા ઉભી નહીં થતાં ઘણાં વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગ સ્માર્ટ સીટીમાં નજરે પડી રહ્યાં છે ત્યારે સમગ્ર જિલ્લાનો જ્યાંથી વહિવટ ચાલી રહ્યો છે. તે કલેક્ટર કચેરીની સામે આવેલાં વનવાસી વિસ્તારની આસપાસ સફાઇ બાબતે યોગ્ય આયોજન ગોઠવવામાં નહીં આવતાં આડેધડ કચરો ફેકવામાં આવી રહ્યો છે. જેના પગલે પ્લાસ્ટીક અને કાગળ સહિત અન્ય સામગ્રીનો કચરો પણ વિસ્તારમાં એકઠો થઇ રહ્યો છે. એક તરફ તંત્ર દ્વારા સફાઇ બાબતે વિવિધ અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા હોવા છતાં હજુ પણ ગંદકી ઠેકઠેકાણે ઉભી થઇ રહી છે. જેના પગલે શહેરની સુંદરતા પણ બગડી રહી છે. કલેક્ટર કચેરીની સામે ઉભા થઇ રહેલાં કચરાના ઢગના પગલે ગંદકીમાં વધારો થવાથી અવર જવર કરતાં લોકોને દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે તો સમસ્યાનું તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને સફાઇ બાબતે વિસ્તારમાં યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

(6:04 pm IST)