Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સુરતના પારડી ગામ પાસે પોલીસે એમ્‍બ્‍યુલન્‍સમાંથી 2000ની નકલી નોટના 1290 જેટલા બંડલ પકડી પાડયાઃ નોટ તપાસતા રિઝર્વ બેન્‍કને બદલે રિવર્સ બેન્‍ક લખાણ જોવા મળ્‍યુ

ડ્રાઇવર હિતેશ કોટડીયાની પુછપરછ કરતા આ નોટ વેબસિરીઝના શુટિંગ માટે લઇ જવાની હોઇ તેવુ જણાવ્‍યુ

સુરતઃ સુરત પાસેના નવી પારડી ગામ પાસે દીકરી એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટની એમ્‍બ્‍યુલન્‍સમાં પોલીસે તપાસ કરતા 2000ની નકલી નોટોના 1290 બંડલ મળી આવ્‍યા હતા. નોટોની ખરાઇ કરતા નોટ પર રિઝર્વ બેન્‍કને બદલે રિવર્સ બેન્‍ક લખાણ જોવા મળતા પોલીસ પણ આર્યચકિત થઇ ગઇ હતી. ડ્રાઇવરની પૂછપરછ કરતા એવુ જણાવ્‍યું કે, વેબ સિરીઝના શુટીંગ માટે આ નોટનો ઉપયોગ કરવાનો છે.

સુરતના કામરેજ પોલીસે ડુંગર ખોદ્યો અને નીકળ્યો ઉંદર જેવા ઘાટ સર્જાયા છે. ભારતીય ચલણની નકલી નોટ ઘુસાડાઈ રહી હોવાની બાતમીના આધારે નોટો તો ઝડપી પાડી, પરંતુ આ નોટ સિનેમાના ઉપયોગમાં લેવામાં આવતી નોટ નીકળતા પોલીસે અન્ય દિશામાં તપાસ શરૂ કરી છે. ગણતરી કરીયે તો 25 કરોડથી વધુની કિંમત થાય છે.

ગુરુવારે કામરેજ પોલીસને બાતમી મળતા નેશનલ હાઇવે 48 પર નવી પારડી ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાં લોખંડની પેટીમાં અધધ 2000 ના દરની ચલણી નોટો ભરેલી હતી. પોલીસે ગણતરી કરતા કુલ 1290 જેટલા બંડલ થતા હતા. જેની કુલ કિંમત 25.80 કરોડ થાય છે.

આ વિશે વધુ માહિતી આપતા સુરત ગ્રામ્યના પોલીસ વડા હિતેશ જોઇસરે કહ્યું કે, પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવર જામનગરના હિતેશ કોટડીયાની પૂછપરછ કરતા અને ચલણી નોટ ચેક કરતા આ નોટ સિનેમાના ઉપયોગમાં લેવા માટે માત્ર નોટપર લખાણ મળી આવ્યું હતું. ઉપરાંત રિઝર્વ બેંકના સ્થાને રિવર્સ બેંક લખાણ પણ મળી આવ્યું હતું. જોકે પોલીસે ઝડપી પાડેલી શંકાસ્પદ નકલી નોટ અને શંકાસ્પદ ઈસમ હિતેશ કોટડીયાની પૂછપરછ કરી રહી છે.

શંકાસ્પદ ડ્રાઈવર હિતેશ કોટડીયાએ આ નકલી ચલણી નોટો સુરતના એક ઈસમ પાસેથી જ લીધી હતી અને ત્યારબાદ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની રાજકોટ ઓફિસ લઈ ગયો હતો અને ત્યાર બાદ ફરીથી સુરત લઈને આવી રહ્યો હતો. દરમ્યાન પોલીસને બાતમી મળતા શંકાને આધારે હાલ પોલીસે હિતેશની અટકાયત કરી હતી.

પોલીસ હાલ ઘટનાને લઇ અનેક દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસના મનમાં પણ અનેક સવાલ થઈ રહ્યા છે. જેમ કે, નોટો લાવવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો. બીજું કે, આ રીતની ચલણી નોટો છાપી શકાય કે કેમ? કોઈ સાથે છેતરપિંડી કરવા માટે તો નોટનો ઉપયોગ થવાનો હતો કે કેમ? જેવા અનેક મુદ્દાઓ પર પોલીસ હાલ તાપસ કરી રહી છે. ઉપરાંત પોલીસ દ્વારા રિઝર્વ બેંકમાં અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.

ડ્રાઈવર હિતેશ કોટડીયા દીકરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી અને સ્થાપક છે. વર્ષ 2017 માં તેણે આ ટ્રસ્ટ શરૂ કર્યું હતું. હિતેશ કોટડીયાના જણાવ્યા અનુસાર, કોઈ વેબ સીરીઝના શુટિંગ માટે આ નોટ લાવવામાં આવી હતી. પરંતું વેબ સીરિઝના શૂટિંગ માટે કોઈ લોકેશન કે કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર બાબતે તે જવાબ આપી શક્યો નથી. ત્યારે હાલ પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ કરી રહી છે.

(5:39 pm IST)