Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

બોરસદ તાલુકાના સિસ્વા ગામે રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.08 લાખની મતાની ઉઠાંતરી કરી

આણંદ : બોરસદ તાલુકાના સીસ્વા ગામે એક રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ બારીના સળીયા કાપીને મકાનમાં પ્રવેશી સોનાના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૧.૦૮ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે ભાદરણ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના સીસ્વા-વાલવોડ રોડ પર આવેલ રાજ રેસીડેન્સીમાં અશોકભાઈ પરસોત્તમભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલ રાત્રીના સુમારે તેઓનો પરિવાર વાળુ-પાણી પતાવી બેઠક રૂમમાં સુઈ ગયા હતા. દરમ્યાન રાત્રીના સુમારે અજાણ્યા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બેડરૂમની બારીના સળીયા કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં બેડરૂમમાં મુકેલી તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂા.૫ હજાર મળી કુલ રૂા.૧.૦૮ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

વહેલી સવારના સુમારે ઈન્દુબેન જાગતા બેડરૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા દરવાજો લોક હોવાનું માલૂમ પડયું હતું. જેથી તેમણે પતિ તથા પુત્રને જાણ કરતા તેમણે પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા દરવાજો ખુલી શક્યો નહતો. બાદમાં મકાનમાં પાછળના ભાગેથી જોતા બારીની સ્લાઈડર તુટેલી જણાઈ હતી અને રૂમની અંદર રાખેલો સામાન વિરેવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જેથી ઘરમાં કોઈ તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી થઈ હોવાનું તેઓને માલૂમ પડયું હતું. આ અંગે અશોકભાઈ પટેલે ભાદરણ પોલીસને કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરીયાદના આધાર ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:35 pm IST)