Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

આ વખતે નવરાત્રીમાં ‘મહિલા બાઉન્‍સરો'ની ભારે ડિમાન્‍ડ

બબલી બાઉન્‍સરોની બોલબાલા : ગરબા ગ્રાઉન્‍ડ પર મહિલાઓની સુરક્ષા જ નહિ પણ ‘રાવડી' ઓની સાન પણ ઠેકાણે લાવે છે

અમદાવાદ, તા.૩૦: હાલ ગુજરાતભરમાં ભારે ઉત્‍સાહ અને ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ પાર્ટી પ્‍લોટ અને ગ્રાઉન્‍ડમાં ગરબા થઈ રહ્યા છે, ત્‍યારે ત્‍યાં પણ લોકોની જબરદસ્‍ત ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન કોઈ અનિચ્‍છનીય ઘટના ન બને તેમજ તોફાની તત્‍વો અંદર ઘૂસીને ગેરવર્ણતૂક ન કરે તે માટે બાઉન્‍સર રાખવામાં આવે છે, જે પુરુષો હોય છે. પરંતુ આ નવરાત્રીમાં મહિલા બાઉન્‍સરોની જબરદસ્‍ત ડિમાન્‍ડ જોવા મળી રહી છે. મહિલા બાઉન્‍સરો ન માત્ર ગરબા સ્‍થળ પર લુખ્‍ખા તત્‍વોને નિયંત્રિત કરવા માટે શારીરિક રીતે સજ્જ છે પરંતુ વિષમ પરિસ્‍થિતિઓનો સામનો કરવામાં પણ શ્રેષ્ઠ રીતે કરે છે. આ વખતે અમદાવાદના ઘણા સ્‍થળ પર ગરબે ઘૂમવા આવતી મહિલાઓ તેમજ પર્ફોર્મરની સુરક્ષા માટે મહિલા બાઉન્‍સરોને હાયર કરવામાં આવી છે.

સાઉથ બોપલની રવાણી સ્‍પોર્ટ્‍સ એકેડેમીમાં નવરાત્રીનું આયોજન કરનારાં પ્રથમ યુથ કોમ્‍યુનિટીના (PYC) ફાઉન્‍ડર નીલ પંચાલે કહ્યું હતું કે ‘ભીડના મેનેજમેન્‍ટ માટે અમે આ વખતે પુરુષ બાᅠઉન્‍સરોની સાથે મહિલા બાઉન્‍સરો પણ રાખી છે. ગ્રાઉન્‍ડ પર રહેતા ૭૫ બાઉન્‍સરોમાંથી ૧૦ મહિલાઓ છે. તેઓ માત્ર ભીડનું સંચાલન કરવામાં મદદ જ નથી કરતાં પરંતુ વિષમ પરિસ્‍થિતિઓનો પણ સામનો કરે છે, જયાં મહિલાઓને સંભાળવી પડે છે'. તો મંડળી ગરબાના આયોજક કરણ મકવાણાએ કહ્યું હતું કે ‘સિકયુરિટી ગાર્ડ સિવાય અમે સરખી સંખ્‍યામાં પુરુષ અને મહિલા બાઉન્‍સરો હાયર કર્યા છે. તેઓ ભીડનું મેનેજમેન્‍ટ કરવામાં મદદગાર સાબિત થઈ રહ્યા છે'. રેડ ફોક્‍સ પ્રોટેક્‍શન સર્વિસના ફાઉન્‍ડર રાજ શેખાવતે કહ્યું હતું કે ‘મહિલા બાઉન્‍સરોની ડિમાન્‍ડ પહેલાથી જ વધારે હતી પરંતુ તેમની સંખ્‍યા ખૂબ ઓછી હતી. હવે તેમાં વધારો થયો છે'.

મહિલા બાઉન્‍સરોને પુરુષ બાઉન્‍સરો જેટલી જ ફી આપવામાં આવે છે. મહિલા બાઉન્‍સરોને એક શિફટના ૧ હજારથી ૧૫૦૦ રૂપિયા આપવામાં આવે છે. કાલુપુર વિસ્‍તારમાં રહેતા ૩૦ વર્ષના નરગિસ બાનુએ જણાવ્‍યું હતું કે ‘મારા પરિવારને પૈસાની જરૂર હોવાથી હું છેલ્લા પાંચ વર્ષથી બાઉન્‍સર તરીકેની નોકરી કરું છું. અમને સોફટ સ્‍કિલની સાથે-સાથે શારીરિક ફિટનેસની તાલીમ આપવામાં આવે છે. તે સંતુષ્ટી આપનારું કામ છે', તો ૪૬ વર્ષીય બાઉન્‍સર ફરઝાના શેખ, જેઓ સિંગલ પેરેન્‍ટ છે, તેમણે છ વર્ષ પહેલા પતિનું મૃત્‍યુ થયું હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘છ વર્ષ પહેલા પતિનું મૃત્‍યું થયા બાદ આ કામ કરી રહી છું. હું આર્ટ ગ્રેજયુએટ છું અને ૧૨ વર્ષ પહેલા સિક્‍યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. ત્‍યારબાદ મને બાઉન્‍સર બનવાની પ્રેરણા મળી હતી, જેની નોકરીમાં સિક્‍યુરિટી ગાર્ડ કરતાં વધારે જવાબદારી હોય છે'.

મહિલા બાઉન્‍સરોની જરૂરિયાત વિશે વાત કરતાં, યુનાઈટેડ ઈન્‍ડિયા સિક્‍યુરિટીના બિઝનેસ હેડ સંદીપ સિંહ ધિલ્લોને કહ્યું હતું કે ‘મોટા ભાગની મહિલા બાઉન્‍સરો હરિયાણા, પંજાબ અને મુંબઈથી આવે છે. હવે તો અમદાવાદ, સુરત અને રાજકોટની છોકરીઓ પણ આગળ આવી રહી છે અને આ નોકરી કરી રહી છે'. માત્ર કોમર્શિયલ ઈવેન્‍ટ જ નહીં પરંતુ હાઈ-એન્‍ડ રેસિડેન્‍શિયલ સોસાયટીઓમાં પણ નવરાત્રીમાં મહિલા બાઉન્‍સરોની ડિમાન્‍ડ રહે છે.

(10:46 am IST)