Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

‘વંદે ભારત' ટ્રેનને લીલીઝંડી : અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસઃ ગાંધીનગરથી મુંબઇ ‘સેમી હાઇસ્‍પીડ' ટ્રેનને લીલીઝંડી આપીઃ ૬ કલાકમાં મુંબઇ : ભાડુ ૯૫૦ રૂા. : અમદાવાદીઓનું સપનું આખરે સાકાર થયુઃ આજથી મેટ્રો ટ્રેન દોડતી થઇ : પીએમ દ્વારા થયુ લોકાર્પણ : ટ્રેનમાં કરી મુસાફરી

અમદાવાદ, તા.૩૦: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે આજે સવારે તેમણે ગાંધીનગર - મુંબઇ વચ્‍ચે દોડતી સેમી હાઇસ્‍પીડ ટ્રેન ‘વંદે ભારત ટ્રેન'ને લીલી ઝંડી આપી છે. આ સ્‍વદેશી ટ્રેન બંને શહેરો વચ્‍ચેનું અંતર ૬ કલાકમાં કાપશે એટલુ જ નહિ વડાપ્રધાને આજે અમદાવાદીઓનું મેટ્રો ટ્રેનનું સપનું સાકાર કર્યુ છે તેમણે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યુ છે. તેમણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.

વડાપ્રધાન મોદી વંદે ભારત ટ્રેનમાં બેસી ગાંધીનગરથી અમદાવાદ આવ્‍યા હતા અને મેટ્રો ટ્રેન ફેઝ-૧નું લોકાર્પણ કર્યુ હતું.

ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ) (ટ્રેન કોલાઇઝન અવોઇડન્‍સ સિસ્‍ટમ) ટેકનીકથી લોન્‍ચ કરવામાં આવી રહી છે. આ ટેકનીકની મદદથી બે ટ્રેનની સામ સામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેકનીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના ૬ દિવસ દોડાવવામાં આવશે. આજે ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે. ત્‍યારે ઉદઘાટનના દિવસે વંદે ભારત ટ્રેન સવારે ૧૦.૩૦ કલાકે ગાંધીનગરથી ઉપડશે. જે ૧૧.૧૦ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને અમદાવાદ બપોરે ૨ વાગ્‍યા સુધી થોભાવાશે. ત્‍યારબાદ ટ્રેનને અમદાવાદથી રવાના થશે, જે સાંજે ૪.૨૫ કલાકે સુરત અને સાંજે ૭.૩૫ કલાકે મુંબઈ સેન્‍ટ્રલ પહોંચશે.

શતાબ્‍દીનું ૭૦૦, વંદે ભારતનું ૯૫૦ રૂપિયા ભાડું: જ્‍યારે રાબેતા મુજબ આ ટ્રેન સવારે ૬.૧૦ કલાકે મુંબઈ સેન્‍ટ્રલથી ઉપાડાશે, જે સવારે ૮.૫૭ કલાકે સુરત પહોંચશે. ત્‍યારબાદ ૧૦.૨૩ કલાકે વડોદરા, ૧૧.૪૦ કલાકે અમદાવાદ અને બપોરે ૧૨.૩૦ કલાકે ગાંધીનગર પહોંચશે. આ ટ્રેન ગાંધીનગરથી પરત બપોરે ૨.૦૫ કલાકે ઉપાડાશે. ગાંધીનગરથી ઉપડી ટ્રેન બપોરે ૨.૪૦ કલાકે અમદાવાદ, સાંજે ૪ વાગ્‍યે વડોદરા, સાંજે ૫.૪૦ કલાકે સુરત અને રાત્રે ૮.૩૫ કલાકે મુંબઈ સેન્‍ટ્ર પહોંચશે. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્‍ટ્રલ વચ્‍ચેનું ૫૧૯ કિલોમીટરનું અંતર ૬.૨૦ કલાકમાં પૂરું કરશે. શુક્રવારે પહેલા દિવસે મુસાફરો અમદાવાદથી ટ્રેનનું બુકિંગ કરાવી શકશે.

શતાબ્‍દીને હવે ૬.૨૦કલાકે મુંબઈથી દોડાવાશેઃ અત્‍યાર સુધી દરરોજ સવારે મુંબઈ સેન્‍ટ્રલથી ૬.૧૦ કલાકે શતાબ્‍દી ટ્રેન દોડાવાતી હતી. પરંતુ વંદે ભારતને સવારે ૬.૧૦ કલાકે ઉપાડવાનું નક્કી કરાતાં શતાબ્‍દીના સમયમાં ૧૦ મિનિટનો ફેરફાર કરાયો છે. પહેલી ઓક્‍ટોબરથી શતાબ્‍દી ટ્રેન સવારે ૬.૨૦ કલાક મુંબઈ સેન્‍ટ્રલથી ઉપડશે. જે ૬.૪૩ કલાકે બોરીવલ્લી અને ૧૨.૪૫ કલાકે અમદાવાદ પહોંચશે. પહેલા આ ટ્રેન ૧૨.૨૫ કલાકે અમદાવાદ પહોચતી હતી. એટલે કે શતાબ્‍દી હવે ૨૦ મિનિટ અમદાવાદ મોડી પહોંચશે.જ્‍યારે પરત અમદાવાદથી બપોરે ૨.૦૫ કલાકે ઉપડાશે. જે અમદાવાદ બપોરે ૩.૧૦ કલાકે અને મુંબઈ સેન્‍ટ્રલ રાત્રે ૯.૪૫ કલાકે પહોંચશે.

મુંબઈથી ઉપડતી શતાબ્‍દી ટ્રેનનું સુરત સુધીનું ભાડું ૭૦૦ રૂપિયા છે. જ્‍યારે વંદે ભારત ટ્રેનનું અંદાજિત ૯૫૦ રૂપિયા રાખવામાં આવ્‍યું છે. પરંતુ મુસાફરોને સવારે મુંબઈથી સુરત આવવા માટે બીજો વિકલ્‍પ મળી રહેશે.

અમદાવાદ મેટ્રોના ફેઝ-૧ની કુલ લંબાઈ ૪૦.૦૩ કિમી છે. જેમાં અત્‍યારે કાર્યરત લંબાઈ ૬.૫૦ કિમી છે. પીએમ મોદી ઉદઘાટન કરશે તેની લંબાઈ ૩૨.૧૪ કિમી છે. એટલે કે હવે, માત્ર ૧.૩૯ કિમી લંબાઈના જ મેટ્રોનું કામકાજ બાકી રહ્યું છે. ફેઝ-૧માં અમદાવાદ મેટ્રોના કુલ ૩૨ સ્‍ટેશનો છે. જેમાંથી હાલમાં કુલ ૬ સ્‍ટેશનો કાર્યરત છે અને ૨૩ સ્‍ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે, તો માત્ર ૩ સ્‍ટેશનોનું જ કામ બાકી રહેશે. બાકી રહેલાં સ્‍ટેશનો માટે જમીન મળવામાં વિલંબથવાથી તેનું કામકાજ ફેબ્રુઆરી અથવા માર્ચ ૨૦૨૩માં પૂરું થશે તેવી સંભાવના છે.

ઉદઘાટન થનાર મેટ્રોના સ્‍ટેશનોની યાદીઃ પૂર્વ- પશ્‍ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્‍ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્‍ટેડિયમ, કોમર્સ સિક્‍સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્‍દ્ર તેમજ થલતેજ સ્‍ટેશનોનો સમાવેશ થાય છે. જ્‍યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્‍માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને APMC મેટ્રો સ્‍ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે.

મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન ૩ કોચ વાળી છે. ભવિષ્‍યની જરૂરીયાતને ધ્‍યાને રાખીને સ્‍ટેશનો ૬ કોચવાળી ટ્રેનને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવ્‍યા છે. તમામ ટ્રેન સ્‍ટેનલેસ સ્‍ટીલથી બનેલી છે. ટ્રેનના રોલિંગ સ્‍ટોકની વાત કરીએ તો, ૩૨ ટ્રેન સેટ્‍સ, ૯૬ ટ્રેન કોચ, લંબાઈમાં ૨૨.૬ મી., પહોળાઈ ૨.૯૦ મીટર જ્‍યારે ઊંચાઈ ૩.૯૮ મીટર છે.

બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્‍ટેશન માટે ૫ રૂપિયાથી ૨૫ રૂપિયાની વચ્‍ચે રહેશે. જેમાં પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, ૨.૫ કિમીથી ૭.૫ કિમી સુધી રૂ.૧૦ , ૭.૫ કિમીથી ૧૨.૫ કિમીના રૂ. ૧૫, ૧૨.૫ કિમીથી ૧૭.૫ કિમીના રૂ. ૨૦, ૧૭.૫ કિમીથી ૨૨.૫ કિમી માટે ૨૫ રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

(3:19 pm IST)