Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અમદાવાદ મનપાની સામાન્ય સભામાં હોબાળો: કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ ડાયસ પર ચડી કાગળો ફાડી નાખ્યા

જગતપુર રેલવે ક્રોસિંગ ફ્લાયઓવર મુદ્દે સિદ્ધિ ગ્રૃપના બિલ્ડર સામે પગલાં લેવા ઉગ્ર રજુઆત :કોંગી કોર્પોરેટરે ભાજપના શાસકોએ અમદાવાદના નાગરિકોની સોપારી લીધું હોવાનું કહેતા ભાજપના કોર્પોરેટરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો

અમદાવાદ :અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પાલડી ટાગોર હોલ ખાતે મળેલી સામાન્ય સભામાં એસવીપી હોસ્પિટલમાં ફી વધારો અને જગતપુર ફ્લાયઓવરમાં સિધ્ધિ ગ્રુપના બિલ્ડરે કોસ્ટ કોન્ટ્રીબ્યુશન ન આપવાના મુદ્દે ઉગ્ર રજુઆત અને હોબાળો મચ્યો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કમળાબહેન ચાવડા અને રાજશ્રી કેસરીએ ડાયસ ઉપર ચડી કાગળો ફાડયા હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષના નેતા કમળાબહેન ચાવડાએ જગતપુર રેલવે ક્રોસિંગ ફ્લાયઓવર મુદ્દે સિદ્ધિ ગ્રૃપના બિલ્ડર સામે પગલાં લેવા ઉગ્ર રજુઆત કરી રહ્યા હતા તે વખતે કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના શાસકોએ “અમદાવાદના નાગરિકોની સોપારી લીધી” હોવાનું કહેતા ભાજપના કોર્પોરેટરોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા એટલે મેયરે બોર્ડ આટોપી લીધું હતું.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષના નેતા કમળાબહેન ચાવડાએ રજુઆત કરી હતી કે, ” અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારોએ એસવીપી હોસ્પિટલ માત્રને માત્ર પૈસાદાર લોકો માટે બાંધી હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ગરીબ દર્દીઓ તો એસવીપી હોસ્પિટલ સુધી આવી શકે નહીં અને તેઓ સારવાર ન લઇ શકે તે માટેનું કાવતરું ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા SVP હોસ્પિટલના સારવારના ચાર્જ અને ડિપોઝીટની રકમમાં તોતિંગ વધારો કરી દેવાયો છે, જેના કારણે માત્રને માત્ર વીવીઆઈપી લોકો એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે.

થોડા દિવસો પહેલાં SVP હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ માટે ડિપોઝીટની રકમમાં વધારો કરી દેવાયો છે. દર્દીઓ ગમે તે બીમારીના ઈલાજ માટે આવે પણ જ્યાં સુધી 5,000થી 20,000ની ડિપોઝીટ જમા ન કરાવે ત્યાં સુધી સારવાર શરૃ કરવામાં આવતી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે SVP હોસ્પિટલના દરવાજા બંધ કરી દીધા છે, ઉપરાંત SVP હોસ્પિટલમાં દોઢ વર્ષથી રાજ્ય સરકારની માં અમૃતમ અને માં વાત્સલ્ય સહિતની યોજના બંધ છે.

આ હોસ્પિટલમાં ગરીબ કે મધ્યમ વર્ગના દર્દીઓ કાર્ડ લઈ જાય તો લાભ આપતો નથી. 108ને પણ એવી સુચના અપાઇ છે કે, ઇમરજન્સીના દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં લાવવા નહીં, વીએસ હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલમાં ધકેલી દેવાય છે. ” એસવીપી હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દર્દીઓને વીએસ કે સિવિલ ધકેલવા મુદ્દે ભાજપના સભ્યએ વિરોધ નોંધાવ્યો હતો પણ કમળાબહેને કહ્યું હતું કે તમારો વારો આવે એટલે બોલજો. જોકે, આ મુદ્દે પણ સામસામે સૂત્રોચ્ચાર થયા હતા પછી થોડીવાર માટે બોર્ડની કામગીરી અટકી હતી પછી મેયરે પુનઃ બોર્ડની કાર્યવાહી શરૂ કરાવી હતી.

ફરી સામાન્ય સભા શરૂ થઈ હતી જેમાં કમળાબહેન ચાવડાએ રજુઆત કરી હતી કે, “અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નામકરણ નીતિ જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન શહેરના કોઇપણ વિસ્તારમાં રોડ, કોમ્યુનીટી હોલ કે ફ્લાયઓવર સહિતના પ્રોજેક્ટ કરતી હોય તો તેવા સંજોગોમાં કોઇ દાતા આ પ્રોજેક્ટનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લે તો તે પ્રોજેક્ટને તે કહે તે નામ આપવાનું હતુ પણ આ નામકરણ નીતિના નામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરીને બિલ્ડરને ફાયદો કરાવવામાં આવ્યો હોવાની ગંભીર માહિતી સામે આવી છે, છેલ્લા કેટલાય દિવસોથી આ અંગે સમાચારપત્રોમાં જગતપુર રેલવે ક્રોસિંગ ફ્લાયઓવરના સમાચાર આવી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2017ની સાલમાં જગતપુર રેલવે ક્રોસિંગ ઉપર કોઇપણ પ્રકારનો ફ્લાયઓવર કે અંડરપાસ બનાવવાનું આયોજન હતુ નહીં પણ જગતપુર વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સીટી સહિતની અન્ય રહેણાંકની સ્કીમો બની રહી હતી. બોપલ કે ચાંદખેડા જેવા વિસ્તારોની સરખામણીએ આ વિસ્તાર થોડો ઓડ હતો જેથી અહીં બિલ્ડરોની સ્કીમોમાં રહેણાંકના મકાનો અને કોર્મર્શીયલ પ્રોપર્ટીમાં શહેરીજનો રસ લે તેવી સ્થિતિ હતી નહીં પણ અહીં બિલ્ડરોના મકાન વેચાણ થાય તે માટે બિલ્ડરોએ ખુલ્લેઆમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો ઉપયોગ કર્યો હતો. “

જગતપુર ફ્લાયઓવર મુદ્દે કમલાબહેન બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર એવું બોલ્યા હતા કે, ભાજપના શાસકોએ અમદાવાદના લોકોની સોપારી લીધી છે પછી ભાજપના કોર્પોરેટરોએ ભારે હોબાળો કર્યો હતો પછી કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ ડાયસ ઉપર ચડી વિરોધ નોંધાવ્યો હતો. કાગળો ફાડયા હતા. મેયરે બોર્ડના કામ મંજૂર કરી સભા આટોપી હતી.

કોંગ્રેસના કોર્પોરેટરો જણાવે છે કે, ” સિધ્ધિ ગ્રૃપ ઓફ કંપનીના ડાયરેક્ટર અને બિલ્ડર મુકેશ પટેલે 2017માં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને નામકરણ પોલીસી હેઠળ એક દરખાસ્ત આપી હતી જેમાં જગતપુર રેલવે ક્રોસિંગ ઉપર ફ્લાયઓવર બનાવવામાં આવે તો તેઓ કોસ્ટ કોન્ટ્રીબ્યુશન પેટે 50 ટકા રકમનો ખર્ચ ઉપાડશે પછી તેઓએ આ રકમ ઘટાડીને 25 ટકા કરી દીધી હતી. બિલ્ડર દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને એવી ખાતરી અપાઇ હતી કે, જગતપુર રેલવે ક્રોસિંગ ફ્લાયઓવર બંધાય અને તેની પાછળ જે કુલ ખર્ચ કરાય તેની 25 ટકા રકમ બિલ્ડર ચૂકવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને 2017થી 2019 સુધી આ સંદર્ભમાં કોઇ નિર્ણય લીધો ન હતો પછી અચાનક નવેમ્બર 2020માં જગતપુર રેલવે ક્રોસિંગ ફ્લાયઓવર બાંધવાની દરખાસ્ત મંજુર કરી હતી તે વેળાએ રૃ.67.66 કરોડનું ટેન્ડર મંજુર કરાયું હતુ પણ સિધ્ધિ ગ્રૃપના બિલ્ડરે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને એક રૃપિયો આપ્યો ન હતો. બિલ્ડરે 25 ટકા કોસ્ટ કોન્ટ્રીબ્યુશન (ખર્ચમાં પોતાનો હિસ્સો) આપવા અંગે પણ કોઇ ચોખવટ કરી ન હતી પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જગતપુર રેલવે ક્રોસિંગ ફ્લાયઓવરની દરખાસ્ત મંજુર કરી હતી.

તા. 28-5-2021ના રોજ અધિકારીઓ અને સિધ્ધિ ગ્રૃપ ઓફ કંપનીના ડાયરેક્ટર મુકેશ પટેલ વચ્ચે નેગોશીએશન બેઠક યોજાઇ હતી જેમાં બિલ્ડરે રજુઆત કરી હતી કે, ઔડામાં સબમીટ કરેલી નવી સ્કીમોના પ્લાન ઝડપથી પાસ થાય, તો તેઓ દ્વારા સદર 25 ટકા ફંડની પ્રપોઝલ અંગે ફરીથી વિચારણા કરવામાં આવશે. બિલ્ડરે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને લાંચ ઓફર કરી હતી છતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ બિલ્ડર સામે એક શબ્દ બોલવાની હિંમત કરી શક્યા ન હતા.

અમારી તો સ્પષ્ટ માગણી છે કે, બિલ્ડરે વાયદો કર્યો હતો કે, જગતપુર રેલવે ક્રોસિંગના ફ્લાયઓવરના કુલ ખર્ચના 25 ટકા રકમ તે ભોગવશે હવે બ્રિજ બનવાનો શરૃ થયો અને એ ફરી જાય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવી જોઇએ. આઇપીસીની કલમ 420 હેઠળ છેતરપીંડી કરવી અને કલમ 406 હેઠળ વિશ્વાસઘાત કરવો તેવી ફરિયાદ નોંધાવવી જોઇએ. આ સિવાય લાંચ ઓફર કરવાના કિસ્સામાં ભ્રષ્ટાચાર નાબુદી અધિનિયમ હેઠળ કેસ નોંધાવવો જોઇએ.”

(7:02 pm IST)