Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન : અત્યાધુનિક શસ્ત્રોનું યોજાશે પ્રદર્શન : આખું વિશ્વ નિહાળશે ભારતીય સેનાની તાકાત

એક્સપોમાં અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, જર્મની, ઈઝરાયલ, ઈટલી, જપાન, સાઉથ કોરિયા જેવા દેશો સામેલ થાય તેવી સંભાવના

અમદાવાદ :  હવે ગુજરાતમાં કેન્દ્ર સરકાર ડિફેન્સ એક્સપો આયોજિત કરવા જઈ રહી છે. માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે. તેમ મનાય છે આ એક્સપોમાં ત્રણેય સેનાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તથા સુરક્ષાને લઈને અત્યાધુનિક શસ્ત્રોનું આ એક્સપોમાં પ્રદર્શન કરવામાં આવશે. ગુજરાતના આંગણે મોટા પાયે આયોજનને લઈને સરકારે તૈયારી શરૂ કરી છે

ડિફેન્સ એક્સપો એટલે હથિયારોના મેળો. વર્ષ 2020માં લખનૌમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. આ એક્સપોમાં ભારતના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય પ્રજાને પણ મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2020નો ડિફેન્સ એક્સપો અત્યાર સુધીનો સૌથી મોટો હતો જેમાં દુનિયાભરના લગભગ 70 દેશોએ ભાગ લીધો હતો, તથા રક્ષા હથિયારો તૈયાર કરતી 1000થી વધારે કંપનીઑ સામેલ થઈ હતી.

  ડિફેન્સ એક્સપોના માધ્યમથી ભારતે પોતાની સૈન્ય તાકાતની સાથે સાથે નવી ટેકનોલોજી સાથે લેસ આધુનિક હથિયારો દુનિયાભરને બતાવ્યા. નોંધનીય છે કે આ એક્સપોનું આયોજન દર બીજા વર્ષે કરવામાં આવે છે.

  છેલ્લા ડિફેન્સ એક્સપોમાં સરકાર દ્વારા આપવામાં આવેલ એક નિવેદન અનુસાર આ એક્સપોની મદદથી ઉત્તર પ્રદેશમાં પચાસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. આ સિવાય યુપીના બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.

  સૈન્ય તાકાત બતાવતા આ એક્સપોમાં અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, જર્મની, ઈઝરાયલ, ઈટલી, જપાન, સાઉથ કોરિયા જેવા દેશો સામેલ થાય છે.

(7:03 pm IST)