Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સુરતના વરાછાના અશ્વિનકુમાર રોડ પર ત્રણ માળની બિલ્ડિંગમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરનાવરાછાના અશ્વનિકુમાર રોડ પર ત્રણ માળની એક બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સાડી રોલ પોલીસિંગનું કારખામા મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. આગને કારણે ગ્રાઉન્ડથી લઈને ત્રીજા માળ સુધી ઘુમાડો ફેલાઈ જતા અફડાતફડી મચી ગઈ હતી.જયારે પહેલા અને બીજા માળે આવેલ અન્ય કારખાનામા ફસાઈ ગયેલા 15થી વધુ કારીગરોને ફાયરના લાશ્કરોએ રેસ્ક્યુ કરી લેડર (સીડી ) દ્વારા સહીસલામત નીચે ઉતારવામાં આવ્યા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અશ્વનિકુમાર રોડ ફુલપાડા ખાતે નિર્માણ ઈન્ડસ્ટ્રીઝમા ત્રણ માળની બિલ્ડીંગ આવેલી છે. મોડી રાત્રે ગ્રાઉંડ ફ્લોર ઉપર આવેલા સાડી રોલ પોલીસિંગના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા ફાયર બ્રિગેડને જાણ થતાં આવતા કોસાડ, મુગલીસરા અને કતારગામ ફાયર સ્ટેશનથી ફાયર કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જયારે આગની ઘટનાના પગલે સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી.ફાયરના લાશકરો દ્વારા આગ ઓલાવવાની કામગીરી શરૂ કરવામા આવી હતી.જોકે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રીજા માળ સુધી ઘુમાડો વધુ ફેલાઈ ગયો હતો. ફાયર કર્મીઓ દ્વારા એક બાજુ આગને કંટ્રોલમા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જયારે પહેલા અને બીજા માળે 15 થી 17 જેટલા અન્ય કારખાનાના કારીગરો ફસાયેલા હતા. ત્યારે ફાયરના લાશકરો લેડર દ્વારા ઉપર ફસાયેલા તમામ કર્મચારીઓને સહીસલામત નીચે ઉતાર્યા હતા. જયારે અઢીથી ત્રણ કલાકની સતત જહેમત કરી આગને કંટ્રોલમાં કરવામાં આવી હતી. આગને કારણે સાડી તેમજ રોલ સહિતં વસ્તુઓ બળી જતા નુકશાન થયો હતો જોકે ઘટનામાં કોઈ જાનહાની નહીં થઇ હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

(6:12 pm IST)