Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નડિયાદમાં વોર્ડ નં 6માં મરીડા દરવાજાની રીનોવેશનની કામગિરિની ગ્રાન્ટમાંથી 10 લાખની ઉચાપતનો આક્ષેપ થતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ: તાલુકામાં આજે નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. આ સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલર દ્વારા મરીડા ભાગોળ દરવાજાના રીનોવેશનની ગ્રાન્ટ ઉચાપત કરી ગઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વોર્ડ-નં-૬ના કાઉન્સિલર દ્વારા આ બાબતે પ્રમુખને લેખિત રજૂઆત આપવામાં આવી છે.

નડિયાદ નગરપાલિકાના વોર્ડ-નં-૬ના અપક્ષ કાઉન્સિલર માજીદખાન ઐયુબખાન પઠાણ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆત પ્રમાણે નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં આવેલો મરીડા દરવાજો આશરે ૧૦૦ વરસ જૂનો છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. હાલ આ દરવાજો અત્યંત જર્જરિત હાલતમાં છે આ દરવાજાના સમારકામ અને સાચવણી માટે સરકાર દ્વારા ૧૦,૦૦,૦૦૦ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેનો ઉપયોગ કરી આ દરવાજાનું રિનોવેશન કરાવવા માટે તત્કાલીન કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પછી દસ વરસ વીતી જવા છતાં મરીડા દરવાજાનું રિનોવેશન કે કોઈ પ્રકારની જાળવણીની કામગીરી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. સરકારે ફાળવેલી ગ્રાન્ટની ઉચાપત થઈ ગઈ હોવાનો આરોપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.  અપક્ષ કાઉન્સિલર દ્વારા આ અંગે તપાસ સમિતિની રચના કરીને તે ગ્રાન્ટ ક્યાં વપરાઈ તે શોધી જવાબદાર ઈસમો સામે પગલાં લેવા અને તાત્કાલિક આ દરવાજાનું સમારકામ કરાવવા વિનંતી કરવામાં આવી છે.

(6:10 pm IST)