Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગાંધીનગરમાં કોર્પોરેશન સહીત જિલ્લાના તંત્ર સચેત: જિલ્લાની 82 કન્સ્ટ્રક્શન સાઈટની તપાસ હાથ ધરવામાં આવી:મચ્છરોના બ્રીડીંગ મળી આવતા માલિકોને નોટિસ

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવા માટે બાંધકામ સાઇટો જવાબદાર હોવાનું અગાઉના અનુભવ ઉપરથી તંત્રએ સાબિત કર્યું છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા અને મચ્છરજન્ય બિમારીઓ માટે સંવેદનશીલ બાંધકામ સાઇટ ઉપર ખાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાની ૮૨ કન્સ્ટ્રક્શન સાઇટની તપાસ આજે કરવામાં આવી હતી. જેમાં નવ સાઇટ ઉપર મચ્છરોનું મોટા પ્રમાણમાં બ્રિડીંગ મળી આવતાં આ સાઇટના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે.

કોરોનાની બીજી લહેર લગભગ પુર્ણ થઇ ગઇ છે અને સંભવિત ત્રીજી લહેર આગામી દિવસોમાં આવી શકે એમ છે. ત્યારે આરોગ્ય તંત્ર આ ત્રીજી લહેર સામે કંઇ રીતે લડવું તેની માટે તૈયારી કરી રહ્યું છે. તો બીજી બાજુ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ગંભીર મચ્છરજન્ય રોગના દર્દીઓ પણ ચાલુ ચોમાસામાં વધી રહ્યાં છે. આ છુટાછવાયેલા મચ્છરજન્ય રોગ ગંભીર અને જીવલેણ રોગચાળામાં પરિવર્તિત થાય નહીં તે માટે ગાંધીનગર કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત મચ્છરજન્ય રોગચાળા માટે સંવેદનશીલ ગણાતી બાંધકામ સાઇટોનું આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્યની ટીમો દ્વારા કુલ ૮૨ કન્સ્ટ્ર્ક્શન સાઇટની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં ૧૭૭૦ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરાઇ હતી. જે પૈકી ૬૮ જગ્યાએથી મચ્છરોના પોરા જોવા મળ્યાં છે. તમામ જગ્યાએ એન્ટીલારવા અને સોર્સ રીડક્શનની કામગીરી કરવામાં આવી છે એટલું જ નહીં જે જગ્યાએથી મચ્છરોના પોળા વધુ પ્રમાણમાં મળી આવ્યા છે તેવી નવ બાંધકામ સાઇટોને સ્થાનિક આરોગ્ય અધિકારી દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આ સાઇટની મુલાકાત દરમિયાન સાઇટના સંચાલકો તથા સુપરવાઇઝરોને મચ્છરોનું બ્રિડીંગ ન થાય તે માટેની જવાબદારી સોંપીને તેમને જરૃરી તાલીમ પણ આપવામાં આવી છે. એટલું જ નહીં આ જગ્યાએ ફરી મચ્છરોનું બ્રિડીંગ જોવા મળશે તો જે તે બાંધકામ સાઇટ સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

(6:09 pm IST)