Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અમદાવાદમાં કિડનીની બિમારીથી પીડાતા બ્રેઇનડેડ દિપીકાબેનના અંગોનું દાનઃ સીપીઆર આપીને હૃદય ફરીથી ધબકતુ કરાયુ

લિવરનું ટ્રાન્‍સ્‍પ્‍લાન્‍ટ સુરતના વ્‍યકિતને કરાયુ

રવિવાર તા.25 જુલાઈ ના રોજ સવારે 9 કલાકે દિપીકાબેનને શ્વાસ લેવાની તકલીફ થયા બાદ તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. ત્યાં તેમનું હૃદય બંધ થઇ જતા CPR આપીને હૃદયને ફરીથી ધબકતું કરવામાં આવ્યું. ત્યારબાદ તેમની તબિયત વધુ બગડતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહી ઓછુ પહોંચવાને કારણે નાના મગજમાં નુકસાન થયું હોવાનું નિદાન થયું હતું.

ગુરુવાર તા.29 જુલાઈના રોજ મેડીકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ન્યુરોલોજીસ્ટ ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.અપેક્ષા પારેખ, નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલે દિપીકાબેનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોવીડ 19 ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બે મહિનામાં સાત બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 3 હૃદય, 2 ફેફસાં, 12 કિડની, 7 લિવર અને 10 ચક્ષુઓ સહીત કુલ 34 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 33 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 394 કિડની, 164 લિવર, 8 પેન્ક્રીઆસ, 34 હૃદય, 14 ફેફસાં અને 296 ચક્ષુઓ કુલ 908 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 836 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

(5:29 pm IST)