Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પત્નીના નિધનના ૧૨મા દિવસે સરોગેટ માતાએ પુત્રીને જન્મ આપ્યો

સુરતના યુવકે પત્ની તો ગુમાવી પણ તેને પુત્રી મળી ગઈ : ફ્રોઝન એગ્સનો ઉપયોગ સરોગેટ મધરના માધ્યમથી કરાયો

સુરત, તા.૩૦ : ૨૭મી જૂનના રોજ એક મિકેનિકલ વર્કશોપમાં મજૂરીકામ કરનારા ૪૬ વર્ષીય પ્રમેશ શાહ(નામ બદલવામાં આવ્યું છે)ની ખુશીનો કોઈ પાર નહોતો. તે ખુશ તો હતા જ પરંતુ સાથે સાથે ઘણાં ભાવુક પણ હતા. તેમના બીમાર પત્ની જતા જતા તે અમૂલ્ય ભેટ આપતા ગયા છે તે પ્રમેશ શાહને આજીવન ખુશી આપવા માટે સક્ષમ છે. બુધવારના રોજ પ્રમેશ શાહની આંખોમાં આંસુ હતા અને હાથમાં હતું બે દિવસનું બાળક. દમણના રહેવાસી પ્રમેશ શાહ જણાવે છે કે, હું મારી પત્નીને તો બચાવી નથી શક્યો પણ ઈશ્વરે મને દીકરીના સ્વરુપમાં પત્ની પાછી આપી છે.

પ્રમેશના પત્નીના અવસાનના માત્ર બાર દિવસ પછી સરોગેટ માતાએ આ દીકરીને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓને કારણે ૧૫મી જૂનના રોત પ્રમેશના પત્નીનું નિધન થયુ હતું. પ્રમેશના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. પ્રમેશ શાહના જીવનમાં ખુશીઓ આમ પણ મોડી આવી હતી. પહેલા તો યોગ્ય જીવનસાથી મેળવવા માટે તેમણે લાંબો સમય રાહ જોવી પડી હતી. ત્યારપછી માતા-પિતા બનવા માટે પણ આ કપલે ઘણી રાહ જોવી પડી હતી.

લગ્ન સમયે પ્રમેશની ઉંમર ૪૪ અને તેમના પત્ની ગૌરી(નામ બદલવામાં આવ્યું છે)ની ઉંમર ૪૭ વર્ષ હતી. તેમણે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ગર્ભધારણમાં સમસ્યા આવતી હતી. અનેકવાર ગર્ભપાત થવાને કારણે તેઓ ઘણાં હતાશ થઈ ગયા હતા. તબીબોની મદદ લેવામાં આવી પરંતુ કોઈ પરિણામ નહોતુ મળતું. ત્યારપછી તેમણે એક ફર્ટિલિટી ક્લિનિકની મુલાકાત લીધી હતી, જ્યાં સરોગસીના માધ્યમથી માતા-પિતા બનવાની સલાહ આપવામાં આવી હતી.

અનેકવાર ગર્ભપાત થવાને કારણે ગૌરીનું સ્વાસ્થ્ય કથળી ગયુ હતું. વધારે તપાસ માટે ગૌરીને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા જ્યાં જાણવા મળ્યું કે તેમને ગર્ભાશયનું કેન્સર છે. સ્થિતિ ગંભીર હોવાને કારણે તેમના પ્રજનન અંગો પણ કાઢવા પડ્યા હતા. ગાયનેકોલોજીસ્ટ આ કેસ બાબતે જણાવે છે કે, ગૌરીએ કીમોથેરાપીમાંથી પસાર થવુ પડ્યુ હતું જેના કારણે તેમના પ્રજનન અંગોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું. ત્યારપછી આ દંપત્તીએ મારો સંપર્ક કર્યો હતો. તેઓ માતા-પિતા બનવાની આશા સાથે મારી પાસે આવ્યા હતા.

ડોક્ટરે આગળ જણાવ્યું કે, અમારી પાસે તેમના ફ્રોઝન એગ્સ હતા જેનો ઉપયોગ સરોગેટ મધરના માધ્યમથી કરવામાં આવ્યો. તેઓ માતા-પિતા તો બન્યા પરંતુ બાળકીના જન્મના થોડા દિવસ પહેલા જ માતાનું અવસાન થઈ ગયું. હવે એકલા હાથે દીકરીનો ઉછેર કરવા માટે તૈયાર પિતા જણાવે છે કે, અમે બન્ને પોતાનું બાળક ઈચ્છતા હતા. મેડિકલ ટેક્નોલોજીને કારણે મારી દીકરી હવે મારી સાથે રહેશે. મારી પત્ની મેં ગુમાવી, પણ મારી દીકરીને તો હું જોઈ શકીશ.

 

(8:18 pm IST)