Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં વીજચોરીની ઘટનાઓમાં ભરખમ વધારો:19 વીજધારકોને 1.74લાખનો દંડ ફટકારવામાં આવ્યો

આણંદ : આણંદના જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજચોરીની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઈ એમજીવીસીએલ કંપની દ્વારા વિવિધ વિસ્તારોમાં વીજ ચોરી પકડવા વીજીલન્સ ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ ચેકિંગ દરમ્યાન આણંદ, ઉમરેઠ, પેટલાદ અને ખંભાતમાં દરોડા પાડી ૧૯ વીજધારકોને વીજચોરી કરતા રંગેહાથ ઝડપી પાડી રૂ. ૧.૭૪ લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એમજીવીસીએલ કચેરી દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી આણંદના ગ્રામ્ય વિસ્તારો તેમજ વિવિધ તાલુકા વિસ્તારોમાં વીજ ચોરીની ફરીયાદો ઉઠવા પામી હતી. જેના ભાગ રૂપે વીજ તંત્ર દ્વારા પાંચ વીજીલન્સ ટીમો બનાવી વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરી વીજ ચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમ્યાન આણંદ શહેર, ભાલેજ, પેટલાદ, ઉમરેઠ તેમજ ખંભાતના રહેણાંક, ઔદ્યોગિક તેમજ ખેતી હેતુ અંગેના ૭૮ જેટલા વીજમીટરોનું આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ચાલુ લાઈન પર લંગર નાખી અનઅધિકૃત રીતે વીજ પુરવઠો મેળવતા તેમજ મીટરમાં છેડછાડ કરી વીજ ચોરી કરતા ૧૯ જેટલા વીજધારકોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. વીજચોરીના જુદા જુદા કેસોમાં રૂ. ૧,૭૪,૯૨૬ની રકમનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:20 pm IST)