Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

આગામી સમયમાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ દિલ્હીથી ગુજરાત આવશે અને ગુજરાતની શાળાઓ અને હોસ્પિટલોની મુલાકાત લેશે : દિલ્હી ગયેલા ભાજપના પ્રતિનિધિ મંડળે કંઈ શીખવાને બદલે અફવાઓ ફેલાવવાનું કામ કર્યું છે : ભાજપના પ્રતિનિધિમંડળને દિલ્હીની કોઈપણ સરકારી શાળાઓમાં કોઈ ખામી મળી નથી : ભાજપના નેતાઓ IT સેલની મદદથી માત્ર અફવાઓ ફેલાવે છેઃ ભાજપના પ્રતિનિધિમંડળે ભાજપ શાસિત MCDની શાળા પણ જોવી જોઈતી હતી : કેન્દ્રની ભાજપ સરકારના શિક્ષણ વિભાગે દિલ્હીના તમામ 6 જિલ્લાની દરેક શાળાઓને 2018-19, 2019-20માં શ્રેષ્ઠ અને 7 જિલ્લાની શાળાઓને સર્વશ્રેષ્ઠ ગ્રેડ આપીને અભિનંદન પાઠવ્યા છે: દિલ્હીની સરકારી શાળા અને હોસ્પિટલ એટલી શાનદાર છે કે દેશ-વિદેશના નેતાઓ પણ તેની મુલાકાત લે છેઃ ઇસુદાન ગઢવી

પત્રકાર પરિષદમાં નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી , મોરચાના પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની ઉપસ્થિતી

રાજકોટ તા.૩૦

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જ્યારે ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હીની મુલાકાતે ગયું ત્યારે અમને લાગ્યું કે ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાની હાલત ખરાબ છે, જેના કારણે તેઓ દિલ્હીની અત્યાધુનિક શાળા અને હોસ્પિટલમાંથી કંઈક શીખવા ગયા હશે. દિલ્હીમાં એટલી બધી અદ્ભુત શાળાઓ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની પણ તેની મુલાકાત લઈ ચૂકી છે. આ સિવાય અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને શિક્ષણ મંત્રીઓ પણ દિલ્હીની વ્યવસ્થા જોવા પહોંચ્યા છે.

 

જ્યારે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી ગુજરાત આવ્યા હતા અને તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા જોવા માટે આમંત્રણ આપ્યું હતું, તેથી અમને લાગ્યું કે તે આમંત્રણ સ્વીકારીને ભાજપે તેનું પ્રતિનિધિમંડળ દિલ્હી મોકલ્યું છે. જ્યારે બીજેપીનું પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું ત્યારે સતત બે દિવસ સુધી આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ તેમની સાથે સંપર્કમાં કરતુ રહ્યું અને કહ્યું કે તમે જે શાળા કે હોસ્પિટલ જોવા માંગો છો ત્યાં લઈ જવા અમે તૈયાર છીએ. પરંતુ ખોટી નીતિથી ચાલતા ભાજપના નેતાઓને જ્યારે દિલ્હીની એક પણ શાળામાં કોઈ ખામી ન દેખાઈ ત્યારે તેઓએ સ્ટોર રૂમનો વીડિયો બનાવીને ભાજપના આઈટી સેલની મદદથી માત્ર અફવાઓ ફેલાવાનું કામ કર્યું. આ ઉપરાંત NGT એ પર્યાવરણ ને લઈને બંધ કરાયેલ મોહલ્લા ક્લિનિકની તસવીરો લેવામાં આવી હતી. આ શરમજનક છે કે બંધ મોહલ્લા ક્લિનિક સિવાય ભાજપા પ્રતિનિધિમંડળ ને ચાલુ મોહલ્લા ક્લિનિક ના દેખાયા.

 

કેન્દ્ર સરકાર દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બનાવવા માટે દિલ્હી સરકારને જમીન આપી રહી નથી, જેના કારણે આમ આદમી પાર્ટીએ કન્ટેનરની અંદર મોહલ્લા ક્લિનિક બનાવીને જનતાની સેવા કરવાનું કામ કર્યું. ભાજપના પ્રતિનિધિમંડળે ભાજપના શાસિત MCD ની કોઈ શાખા બતાવી ન હતી. કારણ કે ભાજપના શાસનમાં MCDની શાળા ખૂબ જ ખરાબ હાલતમાં છે. ભાજપે વિચાર્યું હતું કે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે કોઈ એવી શાખા શોધી કાઢવામાં આવશે, જેની માહિતી લોકો પ્રેસ કોન્ફરન્સ દ્વારા બતાવશે, પરંતુ ભાજપને ક્યાંય એક પણ સરકારી શાળા એવી ન મળી જેનાથી તે આમ આદમી પાર્ટી પર હુમલો કરી શકે. એટલે તેમણે તેમની પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી. 

 

આ ઉપરાંત કેન્દ્રની ભાજપ સરકારના શિક્ષણ વિભાગે દિલ્હીના તમામ 6 જિલ્લાની દરેક શાળાઓને 2018-19, 2019-20માં શ્રેષ્ઠ અને 7 જિલ્લાની શાળાઓને સર્વશ્રેષ્ઠ ગ્રેડ આપીને અભિનંદન પાઠવ્યા છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યોનું ડેલિગેશન દિલ્હી થી ગુજરાત આવશે અને ગુજરાતની શાળાઓ અને હોસ્પિટલોની  મુલાકાત  લેશે.

 

આ મહત્વની પત્રકાર પરિષદમાં નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી તેમજ મોરચાના પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

(5:13 pm IST)