Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમદાવાદમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ :કાફે પર બેસી યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા ત્રણ પેડલરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ, મોહમ્મદ રહિલ કુરેશી, શક્તિસિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી ક્લબ પાસેથી ધરપકડ કરી: આરોપીઓ પાસેથી 18.96 ગ્રામ ડ્રગ્સ સહિત 9.87 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર  કાફે અને તેની આસપાસ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. કાફે પર બેસીને યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા ત્રણ પેડલરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ ધીરે ધીરે વધી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત ATSની માહિતી આધારે કરોડોનું ડ્રગ્સ પોર્ટ પરથી કબજે કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ, મોહમ્મદ રહિલ કુરેશી, શક્તિસિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી ક્લબ પાસેથી ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણે આરોપી શહેરના SG હાઇવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 18.96 ગ્રામ ડ્રગ્સ સહિત 9.87 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ ત્રણેય ડ્રગ્સ પેડલરો એક ગ્રામ ડ્રગ્સ 1500 થી 1700ના ભાવથી મેળવી 2000 થી 2500 ના ભાવથી છૂટક વેચાણ કરતા હતા અને એસ જી હાઇવે પર આવેલ “બાપનો બગીચો” અને “માહોલ કાફે” પર કાર અને બાઇક લઈને જતા ડ્રગ્સનું સાંજના સમયથી મોડી રાત સુધી એક ગ્રામની છૂટક પડીકીઓ બનાવીને વેચાણ કરતા હતા. એટલું જ નહિ પકડાયેલ ત્રણેય શખ્સો પોતે પણ ડ્રગ્સના આદી બનેલા છે સાથે વેચવા માટે કેફે પર બેઠક બનાવી હતી.

જ્યારે તે સીટી બેઝ ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સ ખરીદવા જાય ત્યારે વજન કાંટો કરીને જ ખરીદતા હતા પણ જ્યારે ડ્રગ્સ વેચાણ કરે ત્યારે તેમના સેવન માટે 1 ગ્રામની પડીકી માંથી કટકી કરીને ગ્રાહકને વેચાણ કરતા હતા. બે અલગ અલગ કાફે પર આવતા યુવાનોને સહેલાઇથી આરોપીઓ ટાર્ગેટ બનાવતા હતા અને કાર અને બુલેટ મા આવી પોતાની ઓળખ ઉભી કરી ડ્રગ્સ નું વેચાણ કરતા.

પોલીસને આરોપીઓના મોબાઈલ તપાસ કરતા કાફે પર બેસતા લોકોનું એક ઇન્સ્ટાગ્રુપ મળી આવ્યું છે. અને આ ગ્રુપ થકી નશાના બંધાણીઓની ઓળખ થતી, વાતચીત અને વ્યક્તિ પર વિશ્વાસ કરી ડ્રગ્સ આપવામાં આવતું

આરોપીઓ પોલીસની પકડમા ના આવે તેના માટે કારની સીટ નીચે તેવો છુપાવી ને ડ્રગ્સ રાખતા હતા. જોકે આ અંગે પોલીસ ઉડાણપૂર્વક તપાસ કરી ડ્રગ્સમાં રવાડે ચડેલા યુવાધન ના પરિવારનો સંપર્ક કરી કાઉન્સિલિંગ કરવાની પણ વિચારણા કરી રહી છે. હાલતો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. ડ્રગસ બે કાફે ઉપરાંત અન્ય ક્યાં ક્યાં વેચાણ કરતા અથવા વધુ કોણ કોણ જોડાયેલું છે સમગ્ર માહિતી પોલીસ મેળવી રહી છે.

 

(8:45 pm IST)