Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

નડિયાદ ટાઉન પોલીસે જુદા જુદા 6 વિસ્તારમાંથી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરનાર મહિલા બુટલેગરને ઝડપી પાડી

નડિયાદ : નડિયાદ ટાઉન પોલીસે આજે ખાંડ દેવીપૂજકવાસ વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતી છ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.પોલીસે છ સ્થળેથી દારૂ ગાળવાનો વોશ સહિત રૂ.૩૩,૨૦૦નો જથ્થો કબજે કર્યો હતો. નડિયાદ ટાઉન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ખાડ દેવીપૂજકવાસમાં ભાથીજી મહારાજ વાળા ફળિયામાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતી મહિલા બુટલેગર જડીબેન ઇન્દુભાઇ તળપદાને દારૂ ગાળવાના વોશ પતરાના પીપ નં. ૪૬માં ૯,૨૦૦ લીટર વોશ રૂ.૧૮,૪૦૦ના જથ્થા સાથે ઝડપી પાડી હતી. આ ઉપરાંત ખાંડ દેવીપૂજકવાસ ભાથીજી ફળિયામાં દેશી દારૂ ગાળતા શારદાબેન હરિભાઈ તળપદાને પતરાના પીપ નંગ ૧૦, ૨,૦૦૦ લિટર વોશ રૂ. ૪,૦૦૦ના મુદ્દામાલ સાથે નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે ત્રીજા બનાવમાં નડિયાદ ખાંડ દેવીપૂજક વાસ, મેલડી માતાજીના મંદિર વાળા ફળિયામાં સુરજબેન અંકિત ભાઈ તળપદા ને પતરાના સાત નંગ પીપ દારૂ ગાળવાનો વોશ ૧,૪૦૦ લી. રૂ.૨,૮૦૦ના જથ્થા સાથે ઝડપી પાડી હતી. આ ઉપરાંત નડિયાદ ટાઉન પોલીસે આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે ખાડ દેવીપૂજકવાસ ભાથીજી મંદિરના ફળિયામાં દેશી દારૂ ગાળતી રૂખીબેન ગોવિંદભાઈ તળપદા ને પતરાના ૬ નંગ પીપ કુલ ૧,૨૦૦ લીટર વોશ કિંમત રૂ.૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. આ ઉપરાંત ટાઉન પોલીસે સંત અન્ના ચોકડી સાઈબાબા નગરમાં દરોડો પાડતા લક્ષ્મીબહેન બુધાભાઇ તળપદાને દારૂ ગાળવાના વોશ પતરાના પાંચ નંગ પીપ લીટર ૧,૦૦૦ કિંમત રૂ.૨,૦૦૦ના મુદ્દામાલ સાથે મળી આવી હતી. જ્યારે દારૂના છઠ્ઠા બનાવમાં સાઈ બાબા નગરમાં રહેતી મહિલા બુટલેગર લલિતા બહેન કાંતિભાઈ તળપદાને પતરાના પીપ નંગ ૯ લીટર ૧,૮૦૦, કિંમત રૂ.૩,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. આમ નડિયાદ શહેર પોલીસે એક જ વિસ્તારમાં જુદાં જુદાં છ સ્થળે દરોડા પાડી છ મહિલાઓને દારૂ ગાળવાના વોશ સાથે ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:58 pm IST)