Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુગલે નવી કન્ટેન્ટ ઇન્ફોર્મેશન પોલિસી લાગુ પડવાની જાહેરાત કરીઃ યુઝર્સ ધારે તો ગુગલ સર્ચમાંથી નામ-નંબર-સરનામાની વિગતો દૂર કરી શકશે

૧૧મી મે થી નવી પોલિસી લાગુ કરાશે

ગૂગલે નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન પૉલિસી લાગુ પાડવાની જાહેરાત કરી છે. તેના કારણે હવે યુઝર્સ ધારે તો ગૂગલ સર્ચમાંથી નામ-નંબર-સરનામાની વિગતો દૂર કરી શકશે. એ માટે ગૂગલને એક રિક્વેસ્ટ કરવાની રહેશે. આ નવી પોલિસી આગામી ૧૧મી મેથી લાગુ પડશે.

સર્ચ એન્જિન ગૂગલના એક સત્તાવાર નિવેદનમાં મહત્વની જાહેરાત કરતા કહેવાયું હતું કે ગૂગલ સર્ચ દરમિયાન યુઝર્સના નામ-નંબર-સરનામાની વિગતો દેખાતી હશે તો તેને નવી પ્રાઈવસી કન્ટેન્ટ પોલિસી અંતર્ગત દૂર કરી શકાશે.

ગૂગલે કહ્યું હતું : હવે જમાના સાથે બહેતર પર્સનલ અને પ્રાઈવસી ઈન્ફોર્મેશન એક્સેસની જરૃરિયાત ઉભી થઈ છે. જો યુઝર્સ નામ-નંબર-ઈમેઈલ આઈડી, સરનામું જેવી વિગતો સર્ચના રીઝલ્ટમાંથી હટાવવા ધારશે તો એક રિક્વેસ્ટથી એ વિગતો દૂર કરી શકશે. જોકે, એ વિગતોનું ગૂગલ પરીક્ષણ કરશે અને ખરેખર સંવેદનશીલ જણાશે તો દૂર કરશે. જો કોઈ સરકારી દસ્તાવેજોમાં એ વિગતો દેખાતી હશે કે કોઈ યુઝર્સની વિગતો સાર્વજનિક થઈ હશે તો તેને હટાવાશે નહીં. હોસ્ટિંગ સાઈટમાં એ વિગતો દેખાતી હશે અને ગૂગલ રિક્વેસ્ટ સ્વીકારીને એ વિગતો સર્ચ એન્જિનમાં આવતી અટકાવે તેમ છતાં અન્ય સર્ચ એન્જિનમાં તો એ દેખાશે. આવી સ્થિતિમાં જે તે હોસ્ટિંગ વેબસાઈટમાંથી જ એ વિગતો હટાવવાનો વિકલ્પ રહેશે.

ઘણાં સમયથી યુઝર્સ ગૂગલને નવી કન્ટેન્ટ પોલિસી માટે રજૂઆત કરતા હતા. લાંબાં સમયની વિચારણા પછી ગૂગલે નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન પૉલિસી લાગુ પાડવાની જાહેરાત કરી છે.

(5:29 pm IST)