Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગાંધીનગર સિવિલ હોસ્‍પિટલની છત પરથી પડતુ મુકી તબીબ વિદ્યાર્થીનીનો આપઘાત

એનઆરઆઇ સ્‍ટુડન્‍ટ તરીકે એમબીબીએસમાં એડમીશન લીધુ હતુઃ જમવાનું આપવા આવેલા દાદાને પેપર નબળુ ગયાની વાત કરી હતી

ગાંધીનગરઃ આજકાલ વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્‍યારે ગાંધીનગર સિવિલ હોસ્‍પિટલની છત પરથી પડતુ મુકી એમબીબીએસના ત્રીજા વર્ષની એનઆરઆઇ વિદ્યાર્થીની આસ્‍થા પંચાસરાએ આપઘાત કરી લેતા પોલીસે સ્‍યુસાઇડ નોટ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

આજકાલ વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યુ છે. નબળા મનના વિદ્યાર્થીઓ આપઘાતનો રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે તબીબી વિદ્યાર્થીઓ પણ તેમા સામેલ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. MBBS થર્ડ યરમાં અભ્યાસ કરી યુવતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની હોસ્ટેલની છત પરથી પડતું મૂકી વિદ્યાર્થીનીએ મોત વ્હાલુ કર્યુ હતું. ત્યારે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આસ્થા પંચાસરા નામની વિદ્યાર્થીની સેકન્ડ યરમાં MBBS માં અભ્યાસ કરતી હતી. તેણે એનઆરઆઈ સ્ટુડન્ટ તરીકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એડમિશન મેળ્યુ હતું. આજે વહેલી સવારે આસ્થા પંચાસરાએ સિવિલ હોસ્પિટલની છત પર જઈને પડતુ મૂકીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાથી તમામ વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતા જ અહી રહેતા તેના દાદા-દાદી અને કાકા-કાકી તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, દીકરીનો મૃતદેહ જોઈ તેઓએ આક્રંદ કર્યુ હતું.

આ વિશે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડીન ડો.શોભનાબેન ગુપ્તાએ જણાવ્યું કે, આસ્થા પંચાસરાનું યુએઈનુ એડમિશન છે અને એનઆરઆઈ સ્ટુડન્ટ તરીકે એડમિશન લીધુ હતું. લોકલ ગાર્ડિયન તરીકે તેના દાદા-દાદી અને કાકા-કાકી અહી રહે છે. તેઓ અવારનવાર તેને અહી મળવા આવતા હતા. તેના દાદા આસ્થા માટે રોજ મળવા અને તેના માટે ખાવાનું લઈને આવતા હતા, ગઈકાલે પણ તેના દાદા તેને મળવા આવ્યા હતા. ત્યારે આસ્થાએ દાદાને પેપર બગડવાની વાત કરી હતી. ત્યારે પણ તેના દાદાએ તેને સાંત્વના આપી હતી કે, ‘ચિંતા ન કરતી. આપણે ફરી પરીક્ષા આપીશું.’ પોલીસે સ્યૂસાઈડ નોટ મેળવીને તપાસ આગળ વધારી છે. આસ્થાની આત્મહત્યા બાદ અમે તેના વાલીને તેનો રૂમ પણ બતાવ્યો હતો.

અન્ય વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, આસ્થાનું પેપર બગડ્યુ હતું. તેથી તેણે આ કારણથી પણ આત્મહત્યા કરી હોઈ શકે છે. ઘટના સ્થળ પરથી ગાંધીનગર પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે, જેને પોલીસે તપાસ માટે મેળવી છે.

(4:30 pm IST)