Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દિવ્‍યાંગ અનાથ બાળકો અને સિનીયર સિટીઝનના મફતમાં વાળ કાપી પ્રશંસનિય કાર્ય કરતી સુરતની જુગનુ આહુજા

જ્‍વેલિન થ્રોમાં સ્‍ટેટ ચેમ્‍પિયન પિતા વ્‍હીલચેર પર આવી જતા પુત્રીએ મદદ કરવાનો સંકલ્‍પ કર્યો, કોઇપણ ભેદભાવ વગર કરે છે સેવા

સુરતઃ પિતાને હેર કટ કરવાનો શોખ હતો પણ વ્‍હીલચેરમાં આવી જતા પુત્રી જુગનુએ પિતાની આ લાગણી જોઇ શહેરના દિવ્‍યાંગ બાળકો અને સિનીયર સિટીઝનોના કોઇપણ ભેદભાવ વિના નિઃશુલ્‍ક વાળ કટીંગ કરી પ્રશંસનિય સેવાકાર્ય કરી રહી છે. જુગનુ આહુજા જણાવે છે કે સુરતના અલગ અલગ વિસ્‍તારોમાંથી તેમણે 300 જેટલા લોકોના વાળ મફતમાં કાપ્‍યા છે.

જ્વેલિન થ્રોમાં સ્ટેટ ચેમ્પિયન પિતાની પુત્રી શહેરના સિનિયર સિટીઝનને અનોખી સેવા આપી રહી છે. પિતાને હેર સેટ કરવાનો શોખ હતો. પરંતુ તેઓ વ્હીલચેરના સહારે આવી ગયા હતા અને હેર સેટ કરાવી શક્તા ન હતા. પરંતુ પિતાની આ સ્થિતિ જોઈ પુત્રી જુગનુએ અનોખી પહેલ શરૂ કરી. તેણે સિનિયર સિટીઝન, સ્પેશિયલ એબ્લડ બાળકો અને અનાથ બાળકોને નિઃશુલ્ક હેરકટિંગ શરૂ કર્યું છે. આ દીકરીએ આજીવન સેવા કરવાનું પણ કહ્યુ છે.

સેવા કરવા ઈચ્છતા વ્યક્તિઓને માત્ર મજબૂત મનોબળની જરૂર પડે છે અને આ વાત શહેરની પાર્લર ચલાવતી મહિલાએ સાબિત કરી છે. આ મહિલાએ 3000 થી વધુ સિનિયર સીટીઝન, સ્પેશિયલ એબ્લડ બાળકો અને અનાથ બાળકોને નિઃશુલ્ક હેરકટિંગ કર્યું છે. વેસુ વિસ્તારમાં સલૂન ચલાવતા જુગનુ આહુજા આજે સિનિયર સિટીઝનના લોકપ્રિય હેર સેન્ટર તરીકે જાણીતા છે. જુગનુ આહુજાના પિતા જ્વેલિન થ્રોમાં સ્ટેટ ચેમ્પિયન હતા. તેમને તેમના હેર સેટ કરવાનો શોખ હતો. જો કે પરિસ્થિતિને કારણે વ્હીલચેરના સહારે આવી ગયા હતા. તેથી તેમના પિતાએ ઘરની બહાર નીકળવાનુ બંધ કરી દીધુ હતું. આ કારણે જુગનુબેને વર્ષ 2018માં સિનિયર સિટીઝનની મદદ કરવાનો સંકલ્પ લીધો હતો.

2018 થી લઈને આજદિન સુધી જુગનુબેન મદદગાર લોકોના હેરકટ નિઃશુલ્ક કરી આપે છે. તેમના પાર્લરમાં અનેક વૃદ્ધો વ્હીલચેર પર આવે છે. હેર કટીંગ કર્યા બાદ જ્યારે તેઓ પોતાનું અલગ રૂપ અરીસામાં જુએ છે ત્યારે તેમના મુખ પર આવતું હાસ્ય ભાવવિભોર કરી દે એવું હોય છે.

જુગનુબેનના પાર્લરમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સેવા કરાય છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી અહીં લોકો હેરકટ કરાવે છે. જુગનુ આહુજા આ વિશે જણાવે છે કે, મેં ક્યારેય ગણતરી કરી નથી. પરંતુ અંદાજે 3000 થી પણ વધુ સિનિયર સિટીઝન, સ્પેશિયલ એબલ્ડ બાળકો અને અનાથ બાળકોને ફ્રીમાં હેરકટ કર્યા છે. તેમના આશીર્વાદ મારા માટે રિવોર્ડ છે. હું મારી આ ઈચ્છા આજીવન ચાલુ રાખીશ.

(4:29 pm IST)