Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

૧ મે ગુજરાત સ્થાપના દિવસની ચામુંડાધામમાં અનોખી ઉજવણી કરાશે : "ગો ચોટીલા ગ્રીન ચોટીલા"ના સંદેશા સાથે કાલે પ્રથમવાર સાયકલોથોન યોજાશે

પંચાળ પ્રેસ કલબ અને જોલી એન્જોય ગૃપ નાવિન્ય પહેલના સહભાગી બન્યા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૩૦ : કાલેતા. ૧ મે ના રોજ માં ચામુંડાધામ ચોટીલામાં પંચાળ પ્રેસ ક્લબ અને જોલી એન્જોય ગૃપ ના સહયોગ થી "ગો ચોટીલા ગ્રીન ચોટીલા" ના સંદેશા સાથે સર્વ પ્રથમવાર સાયકલોથોન યોજી ને  ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.

રાજ્ય ના પવિત્ર યાત્રાધામ ચોટીલા શહેરમાં પ્રથમ વાર સાયકલોથોન અને ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કાર્યક્રમ સકારાત્મક અભિગમ સાથે યોજનાર છે 

ચામુંડાધામમાં આ નાવિન્ય પહેલ રાજ્ય ના જાણીતા ફોટો જર્નાલિસ્ટ જીજ્ઞેશ શાહ અને ગુજરાતના સર્વ પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા કુસ્તી પ્લેયર નયનાબેન રાણા દ્વારા સાયકલોથોન નું આયોજન યોજી ને કરવામાં આવેલ છે. 

આયોજકો એ ચોટીલામાં સર્વ પ્રથમ યોજાતી સાયકલોથોન અંગે વાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કાર્યક્રમ યોજાય રહેલ  છે. આઝાદી ના ૭૫ વર્ષે પવિત્ર યાત્રાધામમાં નાવિન્યતાનો સંચાર થાય, ગો ચોટીલા ગ્રીન ચોટીલાનો જાગૃતિ સંદેશ લોકોમાં ફેલાય તેમજ નાગરીકો નિરોગી આરોગ્ય, સ્વસ્થ સ્વાસ્થ્ય, પર્યાવરણ પ્રત્યે જાગૃત બને , સાયકલીંગ થી શરીર ને થતા અનેક ફાયદાઓ થી માહિતગાર બને તેમજ ચોટીલા તાલુકાના તમામ સાયકલ રાઇડર્સ એક પ્લેટફોર્મ ઉપર ભેગા થાય તેવા ઉમદા હેતુ સાથે રવીવારનાં ૧ મે ના ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણીના ભાગ રૂપે સાયકલોથોન નું પ્રથમવાર આયોજન કરેલ છે. 

       સાયકલોથોન ઇવેન્ટ પાર્ટનર તરીકે જાણીતા વોટરપાર્ક રીસોર્ટ  જોલી એન્જોય ગૃપ અને ચોટીલા થાનગઢ મૂળી તાલુકાના પત્રકારો ની આગવી ઓળખ આપતી પંચાળ પ્રેસ ક્લબ સહભાગી બની ને અમારા સકારાત્મક અભિગમ સાથે ની નાવિન્ય પહેલ ને પ્રોત્સાહક બળ આપેલ છે. 

          આ સાયકલોથોનમાં ફકત ચોટીલા તાલુકામાં રહેતા નાગરીકો ભાઇ ભહેનો જ ભાગ લઈ શકશે. ભાગ લેનાર દરેક વ્યક્તિ એ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, ઇવેન્ટ નો રૂટ જલારામ મંદિર થી ભીમગઢ ગામ અને ભીમગઢ થી પરત જલારામ મંદિર સુધી નો છે. દરેક સાયકલીંગ ના નિયમો નું પાલન કરવાનું રહેશે.  ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ગુગલ ફોર્મ લીંક Chotila Update ફેસબુક પેઇઝ પર મુકવામાં આવેલ છે. તેમજ વોટ્સઅપ નં 87800 60337 પર ગો ચોટીલા ગ્રીન ચોટીલા મેસેજ મુકી ને મેળવી શકાશે. 

         ભાગ લેનાર દરેકે તા. ૧ મે ના રવીવારનાં સવારે ૬:૩૦ કલાકે જલારામ મંદિરે પહોચવાનું રહેશે. 

પ્રથમ વખત યોજાતી સાયકલોથોન ને તાલુકાના મુખ્ય અધિકારીઓ, આગેવાનો વરિષ્ઠ નાગરીકો, ગ્રીન ફ્લેગ સાથે પ્રારંભ કરાવશે. 

      સમગ્ર કાર્યક્રમ અંગે આયોજકોના મિત્ર વર્તુળ અને પંચાળ પ્રેસ કલબ તેમજ સ્થાનિક તમામ પત્રકાર મિત્રો દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી રહેલ છે.

(1:09 pm IST)