Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત:, 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો:હજુ બે દિવસ હીટવેવ રહેશે

ગરમીનું જોર વધતાં અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ : અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું

અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. છેલ્લા કેટલાક દિવસથી સૂર્યદેવનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમરેલી, ગાંધીનગર અને રાજકોટમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીને પાર પહોંચી ગયો. ડીસા અને પાટણમાં 42.7 ડિગ્રી તાપમાન રહ્યું. વડોદરામાં 41.8, ભૂજમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું.

રાજ્યમાં આગ ઝરતી ગરમીના કારણે લોકો પરેશાન છે. અને હજુ પણ આગામી બે દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે આગામી 2 દિવસ હિટવેવ રહેશે. ગરમીનું જોર વધતાં અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ, અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જ્યારે ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં હિટવેવનો કેર વર્તાશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી છે. પવનોની દિશા બદલાતાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. સીધો તાપ પડવા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે ગરમી વધી છે. જોકે 1 મે બાદ ગરમીથી રાહત મળવાની સંભાવના છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તો ગરમી ઘટશે.

(10:25 pm IST)