Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પીપાવાવ પોર્ટ પરથી 80 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું :આરોપીઓએ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચઢાવ્યો હતો

DRI, કસ્ટમ વિભાગ અને ATS સામે ડ્રગ્સ માફિયાઓની આ યુક્તિ ચાલી નહીં; કંડલા અને પીપાવાવ પોર્ટ સહિતની જગ્યાએથી અઠવાડિયામાં કુલ 480 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું: જેમાંથી 436 કિલો ડ્રગ્સ છેલ્લા ચાર દિવસમાં પકડાયું : 480 કિલોગ્રામ ડ્રગ્સની કુલ કિંમત 2 હજાર 180 કરોડ જેટલી અંકાઈ

અમદાવાદ :ગુજરાતની જળસીમામાંથી ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 80 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. ઉત્તરાયણમાં જેમ પતંગની દોરી પર રંગ ચઢાવાય છે.તેમ ભેજાબાજ આરોપીઓએ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચઢાવ્યો હતો.. જો કે, DRI, કસ્ટમ વિભાગ અને ATS સામે ડ્રગ્સ માફિયાઓની આ યુક્તિ ચાલી નહીં.. પાંચ મહિના પહેલાં આ કન્ટેનર પોર્ટ પર આવી ગયું હોવાની પણ માહિતી મળી છે. આ ઉપરાંત પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલા કન્ટેનરમાંથી નશીલી દવાનો જથ્તો પણ મળ્યો છે..મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાતા હાલ તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર અધિકારીઓએ પીપાવાવ પોર્ટ પર ધામા નાખ્યા છે.આગામી સમયમાં આ મુદ્દે હજુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાંથી કંડલા અને પીપાવાવ પોર્ટ સહિતની જગ્યાએથી છેલ્લા અઠવાડિયામાં કુલ 480 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. જેમાંથી 436 કિલોગ્રામ ડ્રગ્સ છેલ્લા ચાર દિવસમાં ઝડપાયું છે. 480 કિલોગ્રામ ડ્રગ્સની કુલ કિંમત 2 હજાર 180 કરોડ જેટલી આંકવામાં આવી છે..ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મધધરિયે ATSએ એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક પાકિસ્તાની બોટ સાથે કુલ 9 પાકિસ્તાની આરોપીને ઝડપ્યા હતા. ATSની ટીમને જોઈને આરોપીઓએ દરિયામાં બોટને પાકિસ્તાન તરફ લઈ જઈ ભાગવનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે ATSને કુલ 200 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. ફાયરિંગમાં બોટનો ટંડેલ ઈજાગ્રસ્ત થયો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેમની પાસે રહેલો ડ્રગ્સનો જથ્થો ઉત્તરપ્રદેસના મુઝફ્ફરનગર મોકલવાનો હતો. મુઝફ્ફરનગરથી 1-1 કિલોગ્રામના ભાગ પાડી અલગ-અલગ જગ્યાએ ડ્રગ્સ ફરતું કરવાનું હતું..

(10:12 pm IST)