Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ગાંધીનગર પોલીસે સે-24 પાસેથી ચોરીની રીક્ષા સાથે બે ઈસમની અટકાયત કરી

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં વાહન ચોરી અને અગાઉ બનેલા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે આદીવાડા પાસેથી મહેસાણાના કડીમાંથી ચોરાયેલી રીક્ષા સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમને કડી પોલીસના હવાલે કરવાની તજવીજ શરૂ કરી હતી.

ગાંધીનગર જિલ્લામાં બનતાં વાહનચોરીના ગુનાઓને અટકાવવા માટે એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિતે સ્ટાફના માણસોને પેટ્રોલીંગ કરવા તેમજ બાતમીદારોને સક્રિય કરી અગાઉ બનેલા ગુનાઓ ઉકેલવા તાકીદ કરી હતી ત્યારે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો. રાજેન્દ્રસિંહ જવાનસિંહને બાતમી મળી હતી કે મહેસાણાના કડી શહેરમાં ત્રણ દિવસ અગાઉ ચોરાયેલી રીક્ષા સાથે બે ઈસમો સે-ર૪ પાસેથી પસાર થઈ રહયા છે.

જે બાતમીના આધારે પોલીસે મુઝફ્ફર યુસુફભાઈ મનસુરી રહે.કડી અને ઈરફાન અહેમદભાઈ ઘાંચી રહે.કડીને રીક્ષા નં.જીજે-૧૮-એયુ-૨૯૭૭ સાથે ઝડપી લીધા હતા. આ બન્ને આરોપી અગાઉ કલોલ ખાતે વાહનચોરી તેમજ કડીની મોબાઈલની લૂંટમાં તેમજ અન્ય વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલ તેમને કડી પોલીસના હવાલે કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

(5:11 pm IST)