Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગુજરાતના ૬ દાયકાના ૧૭ મુખ્‍યમંત્રીઓના લેખા જોખા

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા સ્‍વતંત્ર ભારતમાં આઝાદી પછીની સૌથી મોટી બે ચળવળો થયેલી જેમાંની એક હતી સંયુક્‍ત મહારાષ્ટ્ર' અને બીજી હતી મહાગુજરાત આંદોલન.'

આ બે ચળવળો ભલેને બંને અલગ અલગ હતી પરંતુ તેમનો હેતુ એક્‍જ હતો અને તે હતો મરાઠી બોલતા લોકોનું એક અલગ રાજય સ્‍થાપવું અને ગુજરાતી બોલતી પ્રજાને એક નવું રાજય આપવુ.

વર્ષ ૧૯૫૬માં શરૂ થયેલી આ બે અલગ અલગ રાજયો બનાવવાની ચળવળોના પ્રત્‍યાઘાતો એટલા બધા ઘેરા પડ્‍યા કે સંયુક્‍ત મહારાષ્ટ્ર ચળવળમાં સરકાર સાથેના ઘર્ષણમાં ૧૦૬ લોકો જાનથી માર્યા ગયા અને સેંકડો લોકો ઘાયલ થઈને ઈજાઓ પામ્‍યા.

છેવટે એ વખતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્‍ણન અને વડા પ્રધાન જવાહરલાલ નેહરૂએ લાંબા સમય સુધી ચાલેલા આ આંદોલનોને સમાપ્ત કરવા માટે બે નવા ભાષાકીય રાજયોની રચના પર મંજુરીની મહોર મારી દીધી અને બોમ્‍બે પુનઃરચના અધિનિયમ, ૧૯૬૦ના અમલ સાથે નવા ગુજરાત રાજયની સ્‍થાપના કરવા માટે કચ્‍છ અને સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રાજયોને બોમ્‍બે રાજયમાંથી બહાર કાઢી બાકી બચેલા બોમ્‍બે રાજયનું મહારાષ્ટ્ર તરીકે પુનઃનામકરણ કરવામાં આવ્‍યું.

આમ તારીખ ૧ મે ૧૯૬૦ની રોજના એકજ દિવસમાં બે નવા રાજયો ગુજરાત અને મહારાષ્ટ્રની સ્‍થાપનાઓ થઇ. પરંતુ, અહિયાં આપણે ફક્‍ત આપણા ગરવી ગુજરાત રાજયની વાત કરવાની છે.

ગુજરાત એક અલગ રાજય બન્‍યા પછી તેની સ્‍થાપનાના ૬૨ વર્ષોના ૬ દાયકાઓના રોમાંચક ઇતિહાસમાં અત્‍યાર સુધીમાં તેણે ૧૭ મુખ્‍યમંત્રીઓ જોયા છે જેમાંથી રાજકીય પાર્ટી કોંગ્રેસે આઠ, ભાજપે છ, રાજપાયે બે, જનતા પાર્ટી અને જનતા દળ(જી)એ એક એક મુખ્‍ય મંત્રીઓ આપેલા છે.

ગુજરાતની ઉંમરના આ છ દાયકાઓ દરમ્‍યાન રાજયમાં કુલ ચાર વખત રાષ્ટ્રીયપતિ શાસન લાદવામાં આવ્‍યું છે. કુલ નવ વખત એવું બનવા પામેલું છે કે જેમાં મુખ્‍ય પ્રધાનનું પરિવર્તન કરવામાં આવ્‍યું હોય, જેમાં બે વખત એવું બન્‍યું છે કે મુખ્‍યમંત્રીના કાર્યકાળ દરમ્‍યાનજ તેમનું મૃત્‍યુ થયું હોય, ત્રણ વખત એવું બન્‍યું છે કે જેમાં પક્ષના કહેવાથી મુખ્‍યમંત્રીએ સતા પરથી હટી જવું પડ્‍યું હોય અને સાત વખત એવું બન્‍યું છે કે જેમાં મુખ્‍ય પ્રધાનને તેમના શાસનકાળ દરમ્‍યાન અધવચ્‍ચેથીજ તેમના પક્ષ દ્વારા કોઈ ને કોઈ કારણોસર સતા પરથી દુર કરવામાં આવ્‍યા હોય.

ગુજરાતમાં સત્તા ભોગવી ચુકેલા આ ૧૭ મુખ્‍ય મંત્રીઓમાંથી માત્ર ૧૮૮ દિવસની સૌથી ઓછા સમયની સતા રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ના દિલીપભાઈ પરીખે ભોગવેલી છે જયારે સૌથી વધારે ૧૨ વર્ષ અને ૨૨૭ દિવસની સતા ભાજપાના શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભોગવેલી છે જેમણે ૨૦૧૪માં દેશના વડા પ્રધાન બનવા ખાતર રાજયના મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપેલુ હતું.

ગુજરાતના ૬૨ વર્ષના ઇતિહાસમાં નરેન્‍દ્ર મોદીજી સૌથી વધુ  ચાર વખત, માધવસિંહ સોલંકી ત્રણ વખત, હિતેન્‍દ્રભાઈ દેસાઈ, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ બે બે વખત રાજયના મુખ્‍યમંત્રી તરીકે રહ્યા છે.

ગુજરાતે અત્‍યાર સુધીમાં પોતાની ગાદી પર ભલેને ૧૭ મુખ્‍યમંત્રીઓને બદલતા જોયા હોય પરંતુ ગુજરાત સ્‍થાપનાના દિવસેજ તારીખ ૧ મે ૧૯૬૦ના રોજ રાજયના સૌપ્રથમ મુખ્‍ય મંત્રી બનવાનો શ્રેય મેડીકલનો વ્‍યવસાય કરનાર ડોક્‍ટર જીવરાજ નારાયણ મહેતાને પ્રાપ્ત થયેલો.

બોમ્‍બે પ્રેસિડેન્‍સીના અમરેલીની કપોલ વાણિયા જ્ઞાતિમાં તારીખ ૨૯ ઓગસ્‍ટ ૧૮૮૭ના રોજ જન્‍મેલા અને ત્‍યાંનાજ મત વિસ્‍તારમાંથી ચુંટાયેલા ડો. જીવરાજ નારાયણ મહેતા વ્‍યવસાયે ડોક્‍ટર હતા.

તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સક્રિય સદસ્‍ય હોવા ઉપરાંત બરોડા સ્‍ટેટના પ્રથમ દીવાન હતા. તેમણે (UK) યુનાઇટેડ કિંગડમમાંભારતીયહાઈ કમીશનર તરીકે પણ વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરી હતી. રાજયના મુખ્‍યમંત્રી બન્‍યા પછી ડો. જીવરાજ મહેતાએ તેમના પરિચિત રસિકલાલ મહેતાને રાજયના ગૃહ પ્રધાન તરીકે નીમેલા જે વાત કેન્‍દ્રમાં બેઠેલા હાયકમાંન્‍ડ નેતાઓને નહોતી ગમેલી.આ અણગમાના ફળ સ્‍વરૂપે કોંગ્રેસના તત્‍કાલીન રાષ્ટ્રીય પ્રમુખ સંજીવ રેડ્ડી તાત્‍કાલિક ધોરણે ગુજરાત આવેલા અને ડો. જીવરાજ  મહેતાની હાજરીમાં તેમના અન્‍ય ધારાશાસ્ત્રીઓ પાસે તેમનો અભિપ્રાય જાણ્‍યા બાદ તારીખ ૨૫ ફેબ્રુઆરી ૧૯૬૩ના રોજ તેમને સતા પરથી દુર કરીને એજ દિવસે બળવંતરાય મહેતાને તારીખ ૨૫ ફેબ્રુઆરી ૧૯૬૩ના રોજ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે નિમણુંક કરેલા.

ગુજરાતમાં આ સૌપ્રથમ વખત નેતૃત્‍વ પરિવર્તન આવેલું જેમાં ડો. જીવરાજ મહેતાના સ્‍થાને (ગોહિલવાડ) ભાવનગરનો મત વિસ્‍તાર ધરાવતા બળવંતરાય મહેતાને રાજયના મુખ્‍યમંત્રી બનાવાયેલા.

ભાવનગરના એક મધ્‍યમવર્ગીય પરિવારમાં તારીખ ૧૯ ફેબ્રુઆરી ૧૯૦૦ના રોજ જન્‍મેલા બળવંતરાય ગોપાલજી મહેતા ગુજરાતના બીજા મુખ્‍યમંત્રી હતા. તેમણેભારતીય સ્‍વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો અનેલોકશાહી વિકેન્‍દ્રીકરણ તરફના તેમના યોગદાનને કારણે તેમને પંચાયતી રાજનાઆર્કિટેક્‍ટ' તરીકે ગણવામાં આવે છે.

તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકેની તેમની ફરજ દરમ્‍યાનજ  ૬૬ વર્ષની વયે તારીખ ૧૯ સપ્‍ટેમ્‍બર ૧૯૬૫ના રોજ મૃત્‍યુ પામતા એજ દિવસે રાજયના તત્‍કાલીન મુખ્‍યમંત્રી તરીકે હિતેન્‍દ્રભાઈ કનૈયાલાલ દેસાઈની નિમણુંક કરવામાં આવેલી જેઓ ગુજરાતના ત્રીજા મુખ્‍યમંત્રી બનેલા.

સુરતના એક ગુજરાતીબ્રાહમણપરિવારમાં તારીખ ૯ ઓગસ્‍ટ ૧૯૧૫ના રોજ જન્‍મેલા હિતેન્‍દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ત્‍યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા જેઓ સુરત જીલ્લાના ઓલપાડ તાલુકા મત વિસ્‍તારમાંથી ચૂંટાઈ આવ્‍યા હતા.

હિતેન્‍દ્રભાઈ ડો. જીવરાજ નારાયણ મહેતાના નેતૃત્‍વ હેઠળના મંત્રાલયમાં કાયદા મંત્રી હતા.આ ઉપરાંત તેઓ ગૃહ મંત્રી અને ગૃહના ઉપનેતા પણ હતા. તેમણે કોંગ્રેસમાંથીઇન્‍દિરા ગાંધીની હકાલપટ્ટી થયા બાદ સિન્‍ડિકેટનો સાથ લેવાનું નક્કી કર્યું હતું.તેમના શાસનકાળ દરમિયાન ૧૯૬૯માં ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળેલા જેના કારણે દેશના ત્‍યારના રાષ્ટ્રપતિ વી.વી.ગીરી (વરાહગીરી વેંકટ ગીરી) એ ગુજરાત સરકારને સસ્‍પેન્‍ડ કરીને તારીખ ૧૩ મે ૧૯૭૧ થી ગુજરાતમાં રાષ્ટ્રીય પતિ શાસન લાદેલું જે તારીખ ૧૩ માર્ચ ૧૯૭૨ સુધી પુરા ૩૦૯ દિવસ ચાલેલું.

રાષ્ટ્રપતિ શાસન બાદ તારીખ ૧૩ માર્ચ ૧૯૭૨ના રોજ  ઘનશ્‍યામભાઈ છોટાલાલ ઓઝાની ગુજરાતના ચોથા મુખ્‍યમંત્રી તરીકે નિમણુંક કરીને ત્‍યારના વડા પ્રધાન શ્રીમતી ઇન્‍દિરા ગાંધીએ સૌને અચંબામાં નાખી દીધેલા.

ઘનશ્‍યામભાઈ ઓઝા તારીખ ૨૫ ઓક્‍ટોબર ૧૯૧૧ના રોજ બોમ્‍બે પ્રેસિડેન્‍સી બ્રિટીશ ઇન્‍ડિયાના ભાવનગર ખાતે જન્‍મેલા હતા અને ગાંધીનગર જીલ્લાનો દેહગામ તાલુકો તેમનો મત વિસ્‍તાર હતો. તેઓ ગુજરાત વિધાનસભાના સભ્‍ય હતા અને જયારે તેઓ યુએન ઢેબર મંત્રાલયમાં હતા ત્‍યારે ઙ્કયુનાઇટેડ સ્‍ટેટ ઓફ કાઠીયાવાડઙ્ઘની રચના કરવામાં આવી હતી. તેઓ રાજકોટ મત વિસ્‍તારની લોકસભા ચુંટણીમાં સ્‍વતંત્ર પક્ષના મીનું મસાણીને હરાવીને વડા પ્રધાન ઇન્‍દિરા ગાંધીની કેબિનેટમાં મંત્રી બન્‍યા હતા. તેમણે ઇન્‍દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્‍સીનો સખત વિરોધ કરેલો અને ૧૯૭૭ની ચુંટણીમાં મોરારજી દેસાઈના નેતૃત્‍વમાં તત્‍કાલીન જનતા પાર્ટી માટે કામ કર્યું હતું. 

ગુજરાતના મુખ્‍યમંત્રી બનેલા ઘનશ્‍યામભાઈ ઓઝાથી નાખુશ થયેલા ચીમનભાઈ પટેલે પોતાની તરફેણના કોંગ્રેસના ૭૦ અસંતુસ્‍ટ ધારાસભ્‍યોને પંચવટી ફાર્મ ખાતે ભેગા કરીને સરકારની સામે સીધોજ બળવો કરેલો જેના કારણે ગુજરાતના રાજકારણમાં મોટાપાયે રાજકીય ઉથલ પાથલ થયેલી.

આ બળવાને કારણે મુખ્‍યમંત્રી ઘનશ્‍યામભાઈ ઓઝાએ ૧૭ જુલાઈ ૧૯૭૩ના રોજ રાજીનામું આપવું પડેલું અને તેમની જગ્‍યાએ ગુજરાતના પાંચમાં મુખ્‍યમંત્રી તરીકે એજ દિવસે ચીમનભાઈ પટેલ સતારૂદ્ધ થયેલા. આજના રાજકારણમાં રિસોર્ટ યુગનો જે મેચ વિનિંગ દાવ ખેલાય છે તેની શરૂઆત ચીમનભાઈ પટેલના યુગથી થઇ હતી.

તારીખ ૩ જુન ૧૯૨૯ના રોજ વડોદરા જીલ્લાના સંખોડા તાલુકાના ચિખોદ્રા ગામે જન્‍મેલા ચીમનભાઈ પટેલનો મત વિસ્‍તાર  સંખોડા હતો. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી હિતેન્‍દ્રભાઈ દેસાઈના મંત્રી મંડળના સભ્‍ય હતા અને ત્‍યારબાદ તેઓ ઘનશ્‍યામભાઈ ઓઝાના મંત્રીમંડળમાં કેબીનેટ મંત્રી પણ રહી ચુક્‍યા હતા.

તેઓ પ્રથમ વખત ૧૭ જુલાઈ ૧૯૭૩ના રોજ  ગુજરાતના મુખ્‍યમંત્રી બનેલા પરંતુ તેમના શાસનકાળના હજુ તો માંડ ૬ માસનો સમય વીત્‍યો હશે ત્‍યાંજ તારીખ ૨૦ ડીસેમ્‍બર ૧૯૭૩ના રોજ અમદાવાદની એલ.ડી.કોલેજ ઓફ એન્‍જીનીયરીંગના વિદ્યાર્થીઓએ હોસ્‍ટેલના ભોજનની ફીમાં ૨૦% વધારાના વિરોધમાં હડતાલ પાડી.

ગુજરાત યુનિવર્સીટી ખાતે ૩ જાન્‍યુઆરી ૧૯૭૪ના રોજ આજ પ્રકારની હડતાલ થઇ જેના પરિણામે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ઉશ્‍કેરવામાં આવતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્‍ચે અથડામણો થઈ અને શૈક્ષણિક સંસ્‍થાઓમાં તારીખ ૭  જાન્‍યુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળો શરૂ થઈ ગઈ.

દરેકની માંગ ખોરાક અને શિક્ષણને લગતી હતી. ભાવવધારાથી ખીજાયેલા મધ્‍યમ વર્ગના લોકો સાથે કેટલાક ફેક્‍ટરી કામદારો પણસરકાર સામેના વિરોધ પ્રદર્શનમાં જોડાયા. તેમણે અમદાવાદમાં કેટલીક રાશનની દુકાનો પર પણ હુમલો કર્યો હતો.

આ અંદોલનની ફરિયાદોને અવાજ આપવા અને સરકાર સામેના વિરોધને માર્ગદર્શન આપવા માટે વિદ્યાર્થીઓ, વકીલો અને પ્રોફેસરોની એક સમિતિની રચવામાં આવી જેને પછીથી ઙ્કનવનિર્માણ યુવક સમિતિઙ્ઘ એવું નામ આપવામાં આવ્‍યુ હતું.

દેખાવકારોએ મુખ્‍યમંત્રી ચીમનભાઈ પટેલને ભ્રષ્ટ ગણાવી તેમના રાજીનામાની માંગણી સંદર્ભેતારીખ ૨૫મી જાનુઆરી ૧૯૭૪ના રોજ રાજયવ્‍યાપી હડતાળોનુ આયોજન કર્યું જેના પરિણામે ઓછામાં ઓછા ૩૩ નગરોમાં પોલીસ અને લોકો વચ્‍ચે થયેલા ઘર્ષણને કારણે સરકારે ૪૪ નગરોમાં કફર્યુ લાદી દીધેલો અને ઉગ્ર સ્‍વરૂપ પકડતા આ આંદોલન સમગ્ર ગુજરાતમાં ચારેબાજુ ફેલાઈ ચુક્‍યું હતું.

આ આંદોલન દરમિયાન ઓછામાં ઓછા ૧૦૦ લોકો મૃત્‍યુ પામ્‍યા હતા, ૧૦૦૦ થી ૩૦૦૦ લોકો ઘાયલ થયા હતા અને આશરે ૮૦૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આખરે અમદાવાદ શહેરની શાંતિને પુનઃ સ્‍થાપિત કરવા માટે તારીખ ૨૮મી જાન્‍યુઆરી ૧૯૭૪ના રોજલશ્‍કરને બોલાવવું પડ્‍યુ હતું.

નવનિર્માણ યુવક સમિતિ' દ્વારા ફરીથી ચૂંટણીની માંગ કરવામાં આવી અને વિરોધ પક્ષોએ તેમને પુરતું સમર્થન આપ્‍યું. છેવટે મોરારજીભાઈ દેસાઈ પોતાનું સમર્થન દર્શાવવા માટે તારીખ ૬ એપ્રિલ ૧૯૭૫ ના રોજથી અનિતિ ઉપવાસ પર ઉતરી ગયા. 

શ્રીમતી ઇન્‍દિરા ગાંધીએ છેવટે હાર માનવી પડી જેના કારણે ૧૦ જૂનના રોજ ફરીથી નવી ચૂંટણીઓ યોજાઈ હતી જેનું પરિણામ ૧૨ જૂન ૧૯૭૫ ના રોજ જાહેર કરવામાં આવ્‍યું. શ્રીમતી ઈન્‍દિરા ગાંધીનીચૂંટણીમાં ગેરરીતી અંગેનો ચુકાદો તે જ દિવસે જાહેર કરવામાં આવ્‍યો હતો જે પાછળથીઈમરજન્‍સીમાં પરિણમ્‍યો હતો.

આ દરમિયાન ચીમનભાઈ પટેલે (કિમલોપ) કિસાન મઝદૂર લોક પક્ષ નામનો એક નવોજ પક્ષ બનાવ્‍યો અને પોતાના દમ પર ચૂંટણી લડી. વર્ષ ૧૯૭૫ની ચુંટણીમાં જનતા મોરચા, કોંગ્રેસ અને કિમલોપ વચ્‍ચે ત્રિપાંખીયો રાજકીય જંગ ખેલાયો જેના પરિણામે જનતા મોરચાને ૮૫, કોંગ્રેસને ૭૫ અને કિમલોપને ૧૨ બેઠકો પ્રાપ્ત થયેલી જેમાં આઠ અપક્ષો પણ ચુંટાઈ આવેલા.

ચીમનભાઈ પટેલ પોતે જેતપુર બેઠક પરથી ચુંટણી લડ્‍યા અને હારી ગયા પરંતુ તેમની પાર્ટીને ૧૨ સીટો મળી અને તેમણે જનતા મોરચાના બાબુભાઈ પટેલને સરકાર બનાવવામાં મદદ કરી. કોંગ્રેસ માત્ર ૭૫ બેઠકો જીતવા સાથે ચુંટણી હારી ગઈ અને  કોંગ્રેસ(ઓ),જનસંઘ,પીએસપી અને લોકદળનું ગઠબંધનથી બનેલો  જનતા મોરચો ૮૮ બેઠકો જીતી ગયો જેના પરિણામ સ્‍વરૂપે તારીખ ૧૮ જુન ૧૯૭૫ના અમદાવાદના સાબરમતી મત વિસ્‍તારમાંથી ચુંટાઈ આવેલા બાબુભાઈ જશભાઈ પટેલે ગુજરાતની બિન કોંગ્રેસી સરકારના છઠા મુખ્‍યમંત્રી તરીકેના સપથ લીધા. તેમણે ૧૨ માર્ચ ૧૯૭૬ સુધી ૨૬૮ દિવસ રાજ કર્યું.

ચીમનભાઈ પટેલની કિમલોપે બાદમાં તેનો ટેકો પાછો ખેંચતાજ  ૧૨ માર્ચ ૧૯૭૬ના રોજ બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર ભાંગી પડી અને ફરીવાર તારીખ ૧૨ માર્ચ ૧૯૭૬ થી ૨૪ ડીસેમ્‍બર ૧૯૭૬ સુધી રાષ્ટ્ર પતિ શાસન લાદવામાં આવ્‍યું હતું.

તારીખ ૯ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ નડિયાદમાં જન્‍મેલા બાબુભાઈ જશભાઈ પટેલ વ્‍યવસાયે વકીલ હતા. તેમણે જનતા મોરચા તરીકે ઓળખાતા પક્ષોના ગઠબંધનનું નેતૃત્‍વ કર્યું હતું. તેઓ સાલ ૧૯૩૦માં ભારતીય સ્‍વતંત્રતા ચળવળમાં જોડાયા બાદ વર્ષ ૧૯૪૨ સુધીના ૧૨ વર્ષોમાં ૭ વખત જેલમાં ગયા હતા.

તેમણેવર્ષ ૧૯૭૯માં થયેલી મચ્‍છુ ડેમની હોનારતદરમિયાન છ મહિના માટે તેમનું મંત્રીમંડળમોરબીમાં સ્‍થળાંતરિત કર્યું હતું.

વર્ષ ૧૯૭૬ના ડીસેમ્‍બર મહિનામાં ફરીથી ચૂંટણીઓ આવી અને કોંગ્રેસે ચુંટણી જીતીને ગુજરાતના સાતમાં મુખ્‍યમંત્રી તરીકે તારીખ ૧૪ ડીસેમ્‍બર ૧૯૭૬ના રોજ માધવસિંહ સોલંકીને સતારૂદ્ધ કર્યા.

બ્રિટીશ ભારતના બરોડા રાજયના પીલુદરા ગામે તારીખ ૩૦ જુલાઈ ૧૯૨૭ ના રોજ ગુજરાતના એક કોળી પરિવારમાં જન્‍મેલા અને આણંદ જિલ્લાના ભદ્રન તાલુકામાં પોતાનો મતવિસ્‍તાર ધરાવતા માધવસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓ ત્રણ વખત ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે સેવા આપી ચુક્‍યા છે.

વર્ષ ૧૯૮૧માં મુખ્‍યમંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્‍વ હેઠળની રાજય સરકારે બક્ષી કમીશનની ભલામણોના આધારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામતની રજૂઆત કરી જે રાજયભરમાં અનામત વિરોધી આંદોલનમાં પરિણમી અને તેના કારણે થયેલા રમખાણોમાં ૧૦૦ કરતાં વધુ લોકો માર્યા ગયેલા.

 માધવસિંહ  સોલંકીએ ૬ જુલાઈ ૧૯૮૫ના રોજ રાજીનામું આપવું પડેલું અને તેમની જગ્‍યાએ એજ દિવસે તાપી જીલ્લાના વ્‍યારા તાલુકાનો મત વિસ્‍તાર ધરાવતા વ્‍યવસાયે સિવિલ એન્‍જીનીયર અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના આઠમાં મુખ્‍યમંત્રી તરીકે સ્‍થાપિત થયેલા જેઓ આદિવાસી જાતિના પ્રથમ મુખ્‍ય પ્રધાન બનેલા.

અમરસિંહ ભીલાભાઈ ચૌધરીના મુખ્‍યમંત્રી બન્‍યા બાદ પણ ગુજરાતમાં રમખાણો તો ચાલુજ રહેલા. આ કારણથી ચૌધરી  સામે કોંગ્રેસમાંજ અંદરોઅંદર રાજકીય કાવાદાવાઓ થવા લાગેલા  જેના ફળસ્‍વરૂપે દેશમાં તેવે સમયે યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળેલી અને જનતાદળને ૧૧ તેમજ ભાજપાને ૧૨ બેઠકો પ્રાપ્ત થયેલી. આ જોઈને કોંગ્રેસની અંદર પરાકાષ્ટાએ પહોંચેલી આંતરિક જૂથબંધીને લીધે મોવડી મંડળે ૯ ડીસેમ્‍બર ૧૯૮૯ના રોજ અમરસિંહ ચૌધરીને મુખ્‍યમંત્રીના પદેથી હટાવીને તારીખ ૧૦ ડીસેમ્‍બર ૧૯૮૯ના રોજ ફરીથી માધવસિંહ સોલંકીને ગુજરાતના મુખ્‍ય મંત્રી તરીકે તાજપોશ કરેલા અને તેમણે તારીખ ૩ માર્ચ ૧૯૯૦ના રોજ હજુ તો માંડ ૮૩ દિવસો પુરા કર્યા હતા ત્‍યાંજ ફરીથી ચુંટણી  આવી.

વર્ષ ૧૯૯૦માં તેઓ મહેસાણા જિલ્લાના ઊંજા તાલુકામાંથી જનતા દળના ઉમેદવારતરીકે ગુજરાત વિધાનસભામાં ઉભા રહ્યા અને ચૂંટાયા હતા. તેમની જનતા દળને ૭૦ બેઠકો અને ભાજપાને ૬૭ બેઠકો મળી હતી.

ભાજપ અને જેડીના ગઠબંધનએ જેડીયુનાચીમનભાઈ પટેલને મુખ્‍ય પ્રધાન અને ભાજપના કેશુભાઈ પટેલનેનાયબ મુખ્‍ય પ્રધાનપદ હેઠળ સરકારની રચના કરી હતી.પરંતુ, તારીખ ૨૫ ઓક્‍ટોબર ૧૯૯૦ના રોજ ગઠબંધન તૂટી પડ્‍યું અને તેઓભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(INC) ની ૩૪ ધારાસભાઓની મદદથી તેમનું પદ જાળવી રાખવામાં સફળ રહ્યા.બાદમાં તેઓ INCમાં જોડાયા અને ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ તેમના મૃત્‍યુ સુધી તેમાં કાર્યરત રહ્યા.

ચીમનભાઈ પટેલ એવા પ્રથમ મુખ્‍યમંત્રી હતા કે જેમણે ગુજરાતના ઔદ્યોગિકીકરણ માસ્‍ટર પ્‍લાનના ભાગરૂપે ખાનગી પક્ષો દ્વારા ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને પાવર પ્‍લાન્‍ટના વિકાસની શરૂઆત કરી હતી.તેમના બીજા કાર્યકાળ દરમિયાન, તેઓ હિન્‍દુ અને જૈન તહેવારોના દિવસોમાં ગૌહત્‍યા અને માંસના વેચાણ પર પ્રતિબંધ માટે બિલ પસાર કરનાર ભારતના પ્રથમ મુખ્‍ય પ્રધાન હતા.

ચીમનભાઈ પટેલનું ચાલુ ફરજ દરમ્‍યાન મૃત્‍યુ થતા તેમના સ્‍થાને એજ તારીખે ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ મહુવા, ભાવનગરના  છબીલદાસ મહેતા ગુજરાતના ૯માં મુખ્‍ય પ્રધાન તરીકે પદ પર આવ્‍યા.

છબીલદાસ મહેતા મહુવા નગરપાલિકાના પ્રમુખ બન્‍યા હતા. ત્‍યારબાદ તેઓ બોમ્‍બે લેજીસ્‍લેટીવ કાઉન્‍સિલના સભ્‍ય તરીકે ચૂંટાયા હતા.તેમણેમહાગુજરાત ચળવળમાં ભાગ લીધો હતો જેમાં બોમ્‍બે રાજયથી અલગ ગુજરાત રાજયની માંગણી કરવામાં આવી હતી.તેઓવર્ષ ૧૯૬૨માં મહુવા મત વિસ્‍તારમાંથી ગુજરાત વિધાન સભામાં ચૂંટાયા હતા.

તેમણે સમાજવાદી પાર્ટીમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્‍યારબાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(INC)માં જોડાયા હતા.ચીમનભાઈ પટેલ જયારે નાણામંત્રી હતા ત્‍યારે તેઓ તેમની કેબિનેટના મંત્રી હતાઅને સાલ ૧૯૯૪માં ચીમનભાઈ પટેલના આકસ્‍મિક નિધન બાદ તેઓને તત્‍કાલીક્‍પણે ગુજરાતના મુખ્‍યમંત્રી નીમવામાં આવેલા. તેઓજનતા પાર્ટીમાં જોડાયા બાદ જનતા દળમાં પણ જોડાયા હતા અને ત્‍યારપછી તેઓ ફરીવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયેલા.https://en.wikipedia. org/wiki/Nationalist_ Congress_Party તેમણે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે INCમાંથી રાજીનામું આપ્‍યુંઅને ચૂંટણી લડી પરંતુ હારી ગયા.

છબીલદાસ મહેતાએ પુરા ૧ વર્ષ ૨૪ દિવસ રાજ કર્યું અને તારીખ ૧૩ માર્ચ ૧૯૯૫ના રોજ તેમની ટર્મ પૂરી થતા તેમણે સતા છોડી ત્‍યાંજ ફરીથી ચુંટણી જાહેર થઇ પરંતુ, આ વખતે પ્રથમ વખત વર્ષ ૧૯૯૫માં ૧૨૧ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ બહુમતી મેળવી લીધી અને એ સાથેજ ૨૪ જુલાઈ ૧૯૨૮ના રોજ જુનાગઢના વિસાવદર ખાતે એક લેઉવા પાટીદાર પટેલ પરિવારમાં જન્‍મેલા કેશુભાઈ પટેલ તારીખ ૧૪ માર્ચ ૧૯૯૫ના રોજ ગુજરાતના ૧૦માં મુખ્‍યમંત્રી બનેલા જેના કારણે ઘણા મંત્રીઓ નારાજ થયેલા.

શંકરસિંહ વાઘેલા આ સમયે મુખ્‍યમંત્રી પદના મજબુત દમદાર દાવેદાર હોવા છતાંપણ રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના નાથ તરીકે કેશુભાઈ પટેલને પસંદ કરતા શંકરસિંહ નારાજ થયેલા. ત્‍યારબાદ સરકારમાં કેબીનેટના પ્રધાન મંડળની રચના થઇ અને બોર્ડ અને નિગમોની નિમણુંક થઇ. આ વખતે પણ શંકરસિંહના સમર્થકોને પસંદગીના પદો ના મળતા તેઓ ફરી નારાજ થયા અને તેમને એમ લાગ્‍યું કે તેમની સાથે ફરીવાર અન્‍યાય થયો છે.

કેશુભાઈ પટેલ મુખ્‍યમંત્રી બન્‍યાના થોડાક સમય પછીજ અમેરિકાના પ્રવાસે જવાના હતા અને ત્‍યાં જઈને તેમણે ગુજરાતમાં વિદેશી રોકાણ માટે વાતાવરણ ઊભું કરવાનો માહોલ બનાવવાનો હતો.

આ પ્રવાસને લઈને સ્‍થાનિક મીડિયામાં નકારાત્‍મક સમાચાર પ્રકાશિત થઈ રહ્યા હતા. ત્‍યારે વાઘેલાએ પટેલને કહેલુ કે તમે પાછા ફરશો ત્‍યાં સુધીમાં તમે મુખ્‍યમંત્રીની ખુરશી ગુમાવી ચુક્‍યા હશો.

કેશુભાઈના અમેરિકા ગયા પછી શંકરસિંહ વાઘેલાએ અસંતુષ્ટ ધારાસભ્‍યોને એકત્રિત કર્યા અને ભાજપના કુલ ૧૨૧  ધારાસભ્‍યોમાંથી ૧૦૫એ તેમના ગામમાં યોજાયેલી ગુપ્ત બેઠકમાં હાજરી આપી હતી. જો કે, બળવાના સમર્થન સાથે માત્ર ૪૭ ધારાસભ્‍યો જ હાજર રહ્યા હતા.

હવે આ બધાને બીજા કોઈ ફોડી ના જાય તે માટે તેમને એવી જગ્‍યાએ લઇ જવાના હતા કે તેમના સુધી કોઈપણ હોદાની વ્‍યક્‍તિ આસાનીથી તેમના સુધી પહંચી ના શકે. આ સમયે મધ્‍યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવાથી ત્‍યાં બળવાખોર ધારાસભ્‍યોને સંતાડવા માટેની સૌથી મહેફૂઝ જગ્‍યા હતી.

તારીખ ૨૭ સપ્‍ટેમ્‍બર ૧૯૯૫ની રાત્રે ગુપ્ત રીતે એક ચાર્ટર પ્‍લેન ૪૭ અસંતુષ્ટ ધારાસભ્‍યોને લઈને ખજુરાહો પહોંચ્‍યું. સરકાર સામે બંડ પોકારવામાં આવ્‍યું અને સરકારને જયારે આ બળવાની જાણ થઇ ત્‍યારે આખી સરકાર હચમચી ગઈ અને હાઈ કમાન્‍ડે શંકરસિંહે કરેલી ત્રણેય માંગણીઓને સ્‍વીકારી લીધી.

તેમની પહેલી માંગ મુજબ તેમના સમર્થક ધારાસભ્‍યોમાંથી ઓછામાં ઓછા છને કેબિનેટમાં મંત્રી તરીકે સામેલ કરવા, તેમની બીજી માંગ મુજબ કેશુભાઈ પટેલને મુખ્‍યમંત્રીના પદ પરથી હટાવી દેવાના અને નરેન્‍દ્ર મોદીજીને ગુજરાત રાજયના રાજકારણમાંથી દુર કરીને કેન્‍દ્રમાં મોકલી દેવાની તેમની ત્રીજી માંગ હતી.

શંકરસિંહ વાઘેલાએ કરેલી ત્રણેય માંગણીઓ મુજબ તારીખ ૨૧ ઓક્‍ટોબર ૧૯૯૫ના રોજ કેશુભાઈ પટેલને મુખ્‍યમંત્રી પદેથી દુર કરવામાં આવ્‍યા અને તેમના સ્‍થાને કચ્‍છ, માંડવી ખાતે તારીખ ૫ ઓગસ્‍ટ ૧૯૩૬ના રોજ જન્‍મેલા અને કેશુભાઈ પટેલની સરકારમાં ઉધોગ કેબીનેટ મંત્રી રહી ચુકેલા સુરેશભાઈ મહેતાને રાજયના અગિયારમાં મુખ્‍યમંત્રી તરીકે નીમવામાં આવેલા.

શંકરસિંહ વાઘેલાએ કરેલી બીજી માંગણી મુજબ ખજુરાહો ગયેલા ૪૭માંથી ૬ ધારાસભ્‍યોને સુરેશ મહેતાના નેતૃત્‍વમાં બનેલી નવી સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્‍યું અને તેમની ત્રીજી માંગણી મુજબ નરેન્‍દ્ર મોદીને હિમાચલ અને હરિયાણાનો હવાલો સોંપીને તેમને કેન્‍દ્રની રાજનીતિમાં લાવવામાં આવ્‍યા હતા.

આમ ભાજપ સાથે બળવો કરીને જે ધારાસભ્‍યો ખજુરાહો ગયા હતા તેઓ ખજુરીયા' કહેવાયા, જે લોકો કેશુભાઈની તરફેણમાં હતા તેમને હજુરિયા' કહેવાયા અને જેઓ કોઈપણ બાજુએ ના હતા તેઓને  મજુરીયા' કહીને સંબોધવામાં આવેલા.

વર્ષ ૧૯૯૬માં અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્‍ટેડીઅમ ખાતે અટલ બિહારી વાજપેયીના સન્‍માન સમારંભમાં હજુરિયા-ખજુરીયા વચ્‍ચે બોલાચાલી થઇ જે મારામારીમાં પરિણમી.

ત્‍યારબાદ વર્ષ ૧૯૯૬માં ગોધરા લોકસભા બેઠક પરથી શંકરસિંહની હાર થયાની સાથેજ તેમણે ભાજપ સાથેનો છેડો ફાડી નાખેલો અને ભાજપના અસંતુષ્ટ અને પોતાના સમર્થક ૪૭ જેટલા ધારાસભ્‍યોને લઈને તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી નામનો એક નવોજ પક્ષ બનાવેલો અને કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવીને તેઓ તારીખ ૨૩ ઓક્‍ટોબર ૧૯૯૬ના રોજ ગુજરાતના ૧૨માં મુખ્‍યમંત્રી બનેલા.

શંકરસિંહ લક્ષ્મણસિંહજી વાઘેલાનો જન્‍મ તારીખ ૨૧ જુલાઈ ૧૯૪૦ના રોજ ગાંધીનગરના વાસણ ખાતે થયો હતો. તેમણે જનસંઘ સાથે શરૂઆત કરી હતી અને ત્‍યારબાદ ૧૯૭૭માં જનતા પાર્ટીમાં ભળી ગયેલા અને પાર્ટીના જૂથોમાં વિભાજન પછી તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ ઉમેદવાર હતા. વર્ષ ૧૯૯૬માં તેમણે ભાજપથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી અને ૧૯૯૬ થી ૧૯૯૭ સુધી ગુજરાતના નાથ તરીકે સેવાઓ આપી હતી અને બાદમાં તેમની પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભળી ગઈ હતી.શંકરસિંહ વાઘેલાએ મુખ્‍યમંત્રી તરીકે હજુ તો માંડ એકાદ વર્ષ રાજ કર્યું હશે ત્‍યાં તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમનું સમર્થન પાછું ખેંચવાની તૈયારી બતાવી પરંતુ એક અઠવાડિયામાં મુખ્‍યમંત્રી બદલવાની શરતે તેમણે સમર્થન ચાલુ રાખેલુ.

આમ શંકરસિંહ વાઘેલાએ મુખ્‍યમંત્રી પદેથી તારીખ ૨૭ ઓક્‍ટોબર ૧૯૯૭ના રોજ રાજીનામું આપ્‍યુ અને તારીખ ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૭ના રોજ મુંબઈમાં જન્‍મેલા અને અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકામાં મત વિસ્‍તાર ધરાવતા દિલીપભાઈ રમણભાઈ પરીખને તારીખ ૨૮ ઓક્‍ટોબર ૧૯૯૭ના રોજ ગુજરાતના ૧૩માં મુખ્‍યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

દિલીપભાઈ રમણભાઈ પરીખ વ્‍યવસાયે ઉદ્યોગપતિ હતા. તેમણે ૧૯૯૦માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં રાજયના અધિકારી તરીકે સેવા આપી હતી. સુરેશભાઈ મેહતાએ ઓક્‍ટોબર ૧૯૯૫માં જયારે મુખ્‍ય મંત્રી તરીકેના શપથ લીધા હતા ત્‍યારે તેમની કેબિનેટમાં દિલીપભાઈ પરીખ ઉદ્યોગ અધિકારી હતા.

વર્ષ ૧૯૯૬માં, જયારે શંકરસિંહ વાઘેલાએ ભાજપને વિભાજીત કરી અને રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરેલી ત્‍યારે સુરશભાઈ મેહતા RJP માં જોડાયેલા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના સહયોગથી લઘુમતી સરકાર બનાવેલ.એક વર્ષ પછી જયારે INC એ ૨૦ ઓક્‍ટોબરના ૧૯૯૭ના રોજ મુખ્‍યમંત્રી બદલવાના વચન સાથે ટેકો ચાલુ રાખવાની શરત રાખેલી ત્‍યાર દિલીપભાઈ પરીખે રાજયના મુખ્‍ય મંત્રી તરીકે રાજયપાલ કૃષ્‍ણ પાલ સિંઘ સામે મુખ્‍યમંત્રી તરીકેના  શપથ ગ્રહણ કરેલા.

 ત્‍યારબાદ આવેલી વર્ષ ૧૯૯૮ની ચુંટણીમાં ભાજપે ૧૧૭ બેઠકોની બહુમતી સાથેની જીત હાંસલ કરતાજ તારીખ ૪ માર્ચ ૧૯૯૮થી કેશુભાઈ ફરીવાર રાજયના મુખ્‍યમંત્રી બનેલા પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી ગયેલા ભૂકંપ બાદ કેશુભાઈની તબિયત સાથે તેમની જાહેર જીવનની છબી પણ બગડતા તારીખ ૭ ઓક્‍ટોબર ૨૦૦૧થી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના નાથનો તાજ ગ્રહણ કરેલો.

૧૭ સપ્‍ટેમ્‍બર ૧૯૫૦ના રોજ મહેસાણા જીલ્લાના વડનગર ખાતે જન્‍મેલા શ્રી નરેન્‍દ્ર દામોદરદાસ મોદીજી મોર્નિંગ કન્‍સલ્‍ટીકલ ઈન્‍ટેલીજન્‍સ દ્વારા બહાર પાડેલા સર્વેક્ષણો મુજબ ૭૧્રુના વૈશ્વિક રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય પ્રતિનિધિ હોવા ઉપરાંત ટ્‍વીટર પર તેઓ સાડા આઠ કરોડ અને ઇન્‍સ્‍ટાગ્રામ પર સાડા પાંચ કરોડ ફોલોઅર્સ ધરાવતા દુનિયાના સૌથી એક્‍ટીવ, લોકપ્રિય અને લોકલાડીલા વડા પ્રધાન છે.

શ્રી મોદી સાહેબ વિષે એક ફકરામાં લખવું એ તેમને અન્‍યાય કર્યા બરાબર ગણાશે. તેમણે દેશ કાજે અને રાજય માટે કરેલા ભગીરથ કાર્યોની સૂચી એટલી બધી લાંબી અને રોચક છે કે જો તેને વિગતવાર ક્રમમાં લખવામાં આવે તો અખબારોના અખબાર ભરાય જાય.

ટૂંકમાં, શ્રી મોદી સાહેબ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે ત્‍યાં સુધી સતત નિયુક્‍ત રહ્યા જયાં સુધી તેમણે દેશના વડાપ્રધાન પદને સંભાળવા માટે તારીખ ૨૨ મે ૨૦૧૪ ના રોજ ગુજરાતના મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપયુ હતુ. તેમના ખાલી પડેલા પદને શોભાવવા માટે એજ દિવસે ગુજરાતના ૧૫માં મુખ્‍ય પ્રધાન તરીકે આનંદીબેન પટેલને નીમવામાં આવ્‍યા જેઓ રાજયના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી હતા. ગુજરાતના મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ખારોડ ગામમાં તારીખ ૨૧ નવેમ્‍બર ૧૯૪૧ના રોજ જન્‍મેલા આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલના કેબિનેટમાં શિક્ષણ પ્રધાન રહી ચુક્‍યા હતા.

પાર્ટીના કહેવાથી તારીખ ૧૬ ઓગસ્‍ટ ૨૦૧૬ના રોજ રાજયના મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપ્‍યા બાદ આનંદીબેન જાન્‍યુઆરી ૨૦૧૮માં મધ્‍ય પ્રદેશના રાજયપાલ બન્‍યા અને ત્‍યારબાદ ઓગસ્‍ટ ૨૦૧૮માં તત્‍કાલીન રાજયપાલ બલરામ દાસ ટંડનના આકસ્‍મિક નિધનને કારણે તેમણે છતીસગઢના રાજયપાલ તરીકેનો વધારાનો ચાર્જ સંભાળેલો. તારીખ ૨૦ જુલાઈ ૨૦૧૯ના રોજ રામ નાયકના કાર્યકાળના અંતે તેઓ ઉત્તર પ્રદેશના રાજયપાલ તરીકે સેવા બજાવી રહ્યા છે.

આનંદીબેન પટેલના રાજીનામાથી સત્તા પર આવેલા બર્માના રંગુન ખાતે તારીખ ૨ ઓગસ્‍ટ ૧૯૫૬ના રોજ જન્‍મેલા અને રાજકોટ પશ્ચિમનો મતવિસ્‍તાર ધરાવતા વિજયભાઈ રૂપાણી વર્ષ ૨૦૧૪ના ઓગસ્‍ટમાં, ગુજરાત વિધાનસભાના તે વખતના સ્‍પીકરવજુભાઈ વાળાએ જયારે રાજકોટ પશ્ચિમના ધારાસભ્‍ય તરીકે રાજીનામું આપેલું ત્‍યારેવિજય રૂપાણીને તેમની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા નામાંકિત કરવામાં આવેલા.

તેમણે ૧૯ ઓક્‍ટોબર ૨૦૧૪ના રોજ પેટાચૂંટણીમાં ભારે માર્જિનથી જીત મેળવેલી અને નવેમ્‍બર ૨૦૧૪માં મુખ્‍યમંત્રીઆનંદીબેન પટેલદ્વારા પ્રથમ કેબિનેટ વિસ્‍તરણમાં તેમને મંત્રી તરીકે સામેલ કરવામાં આવતા તેમણે પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રાલય સંભાળેલું હતું.

વિજયભાઈ રૂપાણી તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ થી ઓગસ્‍ટ ૨૦૧૬ સુધી  આર. સી. ફળદુની જગ્‍યાએ પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ રહ્યા હતા. તારીખ ૭ ઓગસ્‍ટ ૨૦૧૬ના રોજ વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના ૧૬માં મુખ્‍યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્‍યો હતો અને ૫ વર્ષ ૩૭ દિવસ સુધી સફળ રાજ કરેલું.

ફરીવાર ચુંટણી આવી અને ભાજપનો ગઢ બની ગયેલા ગુજરાતમાં ૯૯ બેઠકો સાથે ભાજપનો કેસરિયો ફરી લહેરાયો અને તારીખ ૧૫ જુલાઈ ૧૯૬૨ના રોજ અમદાવાદ ખાતે જન્‍મેલા ભુપેન્‍દ્રભાઈ પટેલને ગુજરાતના ૧૭માં મુખ્‍યમંત્રી બનવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયેલો. 

સિવિલ એન્‍જિનિયરિંગમાં ડિપ્‍લોમા સુધી ભણેલા ભુપેન્‍દ્રભાઈ પટેલ વ્‍યવસાયે બિલ્‍ડર છે અને રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ સાથે સંકળાયેલા છે. તેઓ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્‍દ્રના ટ્રસ્‍ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનની સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષ છે.તેઓ ભગવાન દ્વારા સ્‍થાપિતઅક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી પણ છે.

આમ ગુજરાતે તેના ૬ દાયકાઓની ૬૨ વર્ષની ઉમરમાં અત્‍યાર સુધીમાં ૧૭ મુખ્‍ય મંત્રીઓનો કાર્યકાળ જોયો છે.

ભાજપે ફરીવાર પ્રોમોટ કરેલા ભુપેન્‍દ્રભાઈ પટેલજ ગુજરાતના ૧૮માં મુખ્‍યમંત્રી બનશે કે પછી અન્‍ય કોઈનું નસીબ ચમકશે એ તો આવનારો સમયજ બતાવશે પરંતુ એ હકીકત છે કે સમગ્ર ભારતમાં ગુજરાતજ એવું એકમાત્ર રાજય છે જેણે દેશને ત્રણ વડા પ્રધાનો મોરારજી દેસાઈ, ગુલજારીલાલ નંદા અને નરેન્‍દ્ર દામોદરદાસ મોદીજીના રૂપમાં આપ્‍યા છે. જય જય ગરવી ગુજરાત....

કમલ ફૂલસિંહ જારોલી

એડવોકેટ અને નોટરી - રાજકોટ 

૮૧૬૦૩ ૧૧૦૧૬

kamalfjaroli@gmail.com 

(3:50 pm IST)