Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રિઝર્વેશન રોસ્ટરનું પાલન ન કરતા હાઇકોર્ટમાં રિટ :ચૂંટણી પંચ સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

વડોદરા જિલ્લા પંચાયતના તાબા હેઠળ આવતી ધનતેજ બેઠક મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો

વડોદરા જિલ્લા પંચાયતના તાબા હેઠળ આવતી ધનતેજ બેઠક પર રિઝર્વેશન રોસ્ટરનું પાલન ન કરાતા ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ચૂંટણી પંચ સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.

અરજદાર વતી એડવોકેટ ધર્મેશ ગુર્જર તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી પંચ નિયમ 1994 પ્રમાણે ઘણી બેઠકો કે જ્યાં આદિજાતિ અથવા અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોની વસ્તી વધુ હોય ત્યાં રિઝર્વેશન રોસ્ટરનું પાલન કરવું પડે છે પરંતુ વડોદરા જિલ્લા પંચાયતના તાબા હેઠળ આવતી ધનતેજ બેઠક પર તેનું પાલન કરાયું નથી. વર્ષ 2015માં ધનતેજ બેઠક જનરલ હતી ત્યારે હવે 2020માં તેની કેટેગરી બદલાવી જોઈએ પરંતુ ચૂંટણી પંચે ફરીવાર તેને જનરલ બેઠક જાહેર કરી છે.

અરજદાર વતી વધુમાં રજુઆત કરાઈ હતી કે 3 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા પ્રાથમિક ઓર્ડરમાં ધનતેજ બેઠકને અનામત બેઠક જાહેર કરવામાં આવી હતી જોકે 1લી ઓગસ્ટના રોજ ફાઇનલ ઓર્ડરમાં તેને ફરીવાર જનરલ બેઠલ તરીકે જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચનો નિણર્ય ગેરકાયદેસર છે અને તેના માટે અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ધનતેજ બેઠકને જનરલ સીટ જાહેર કરવામાં આવી છે તેના પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે. અરજદાર નારપુરા – દીયાપુરા ગામના સરપંચ છે જે ધનતેજ બેઠકમાં આવેલું છે. આગામી સમયમાં ચૂંટણીની શક્યતાને પગલે ચૂંટણી પંચ દ્વારા મત વિસ્તારનું સીમાંકન, વોટરોના લિસ્ટ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બેઠલ વડોદરાના સાવલી તાલુકા હેઠળ આવેલી છે.

(9:44 pm IST)