Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

૨૫ કરોડમાં તો આખા ગુજરાત કોંગ્રેસને ખરીદી શકાયઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

ચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર : સુરેન્દ્રનગરના લિંબડીમાં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએે કોંગ્રેસ-રાહુલ પર નિશાન તાક્યું

ગાંધીનગર, તા. ૨૯ : સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર પેટા ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના ઉમેદવારોના પ્રચાર માટે જરાપણ કચાશ રાખવા માગતા નથી. બુધવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પ્રચાર માટે લીંબડી પહોંચ્યા હતા. અહીં જાહેર સભા સંબોધતી વખતે સીએમ રૂપાણીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.

જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, વર્તમાન સમયમાં કોંગ્રેસમાં મહાત્મા ગાંધીના આદર્શો રહ્યા નથી. ચૂંટણીમાં ભાજપ દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાના કોંગ્રેસના આરોપો પર વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી.

વિજય રૂપાણીએ કહ્યું, આજે કોંગ્રેસ મહાત્મા ગાંધીના સદ્ગુણથી ખૂબ દૂર છે. આજની કોંગ્રેસ મહાત્મા ગાંધીની રહી નથી. આજની કોંગ્રેસ ફક્ત રાહુલ ગાંધીની છે.

કોંગ્રેસના કરજણના પૂર્વ ધારાસભ્યને ૨૫ કરોડ રૂપિયામાં 'ખરીદવાના' અને તેમને ટિકિટ આપવાના કોંગ્રેસના આરોપો પર પ્રતિક્રિયા આપતા રૂપાણીએ કહ્યું, કોંગ્રેસ પક્ષ છોડીને જનારા પોતાના ધારાસભ્યોને માન આપતી નથી, માટે આવા આરોપો લગાવે છે. આખી ગુજરાત કોંગ્રેસને ૨૫ કરોડ રૂપિયામાં ખરીદી શકાય છે.

કોંગ્રેસને નિશાન બનાવીને સીએમ રૂપાણીએ આક્ષેપ કરતાં કહ્યું, 'કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રિત કરવાની બાબતે મહારાષ્ટ્રમાં પાર્ટી (કોંગ્રેસ)ની સરકાર ભગવાન ભરોસે છે. મહારાષ્ટ્રની કોવિડ-૧૯ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે બેડની વ્યવસ્થા નહોતી. કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ ફૂટપાથ પર રઝળતા હતા.' ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેનાના નેતૃત્વવાળી 'મહા વિકાસ અઘાડી' (એમવીએ) સરકારનો ભાગ છે. જેમાં એનસીપી અને અન્ય પાર્ટીઓ પણ છે.

(8:54 pm IST)