Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

શામળાજી પોલીસ પર હુમલો કરી ઇન્સાસ રાયફલ ઝૂંટવી ફરાર થયેલ રાજસ્થાનનો આરોપી જેલહવાલે

પોલીસે જાંબુડી ગામ પાસેથી બાઈક સાથે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો

મોડાસા: શામળાજી પોલીસ પર હુમલો કરી ઇન્સાસ રાયફલ ઝૂંટવી લઈ ફરાર થઇ જનાર રાજસ્થાનના પાલીસોડા ગામના કલ્પેશ હોથા નામના આરોપીને અરવલ્લી પેરોલ ફર્લો ટીમે શામળાજી નજીક રાજસ્થાન સરહદ પરના જાંબુડી ગામ પાસેથી બાઈક સાથે ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અરવલ્લી પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઇ કે એસ.સીસોદીયા અને તેમની ટીમે ૫ વર્ષથી નાસતા ફરતા ખૂંખાર બુટલેગર રમેશ હોથાને દબોચી લીધો હતો રાજસ્થાનના વીંછીવાડા પાલીસોડા (મહુન્દ્રા ફળા) ગામનો કલ્પેશ સિદ્ધરાજ ઉર્ફે શીવરાજ હોથા રાજસ્થાન સરહદ વિસ્તારમાં દારૂનું કટિંગ અને દારૂ ઘુસાડવા માટે સંડોવાયેલ અને ૫ વર્ષ અગાઉ આંતરરાજ્ય સરહદે બોરનાલા તેમજ પાલીસોડા વિસ્તારમાં ડુંગરો પરથી પ્રોહિબિશન રેડ કરનાર શામળાજી પોલીસ પર હુમલો કરી પોલીસકર્મીની ઇન્સાસ રાયફલ ઝૂંટવી લઇ ફરાર થઈ ગયો હતો.

જે અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનાનો વોન્ટેડ આરોપી કલ્પેશ હોથા ૫ વર્ષથી નાસતો ફરતો હતો. અરવલ્લી પેરોલ ફર્લો ટીમે શામળાજી નજીક જાંબુડી ગામ નજીકથી બાઇક લઈ કલ્પેશ હોથા પસાર થવાનો હોવાની બાતમી મળતા જાંબુડી નજીક વોચ ગોઠવી હતી. કલ્પેશ હોથા બાઈક પર આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતાં પેરોલ ફર્લો ટીમે ત્રાટકી ઝડપી લીધો હતો અને શામળાજી પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:28 am IST)