Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પુસ્તકો આપવાના બહાને બાળકોને શાળાએ બોલાવ્યા

વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો : કોરોના કાળમાં બાળકોને શાળામાં બોલાવવા સામે સવાલ

અમદાવાદ,તા.૨૮ : સરકારી શાળાઓ ફરી વિવાદમાં આવી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે શાળાઓ દ્વારા એકમ કસોટી લેવાઈ રહી છે અને તે કસોટીના બહાને બાળકોને કોઈને કોઈ પ્રકારે શાળામાં બોલાવવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને પુસ્તકો આપવાના બહાને શાળા વિદ્યાર્થીઓ અને વાલીઓને બોલાવવી રહી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે આ વાયરલ વીડિયોથી ફરી વિવાદ સર્જાયો છે. જો આ રીતે બાળકોને બોલાવાય અને બાળક કોરોના સંક્રમિત થશે તો જવાબદાર કોણ? તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થયો છે.  કોરોના વાયરસના વધતા જતા કેસને પગલે જ હજુ સુધી શાળાઓ શરૂ કરવી કે નહીં તે નક્કી થઈ શક્યું નથી. આ નક્કી ના થાય ત્યાં સુધી શાળામાં બાળકોને કે વાલીઓને બોલાવવા નહિ તેવો આદેશ પણ થયો છે. પણ શાળાના આચાર્યો અને શિક્ષકો આ આદેશોને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.  બિન્દાસ્ત રીતે શાળાએ બાળકોને બોલાવી પુસ્તક વિતરણ અને એકમ કસોટીના પ્રશ્નપત્રનું  વિતરણ કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં શાળાઓમાં એકમ કસોટી લેવામાં આવી રહી છે અને પુસ્તકો પણ શાળાઓમાં આવી ગયા છે. જે બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી શિક્ષકોને સોપવામાં આવી છે.

            પરતું કેટલીક શાળાના શિક્ષકો આ પ્રકારે બાળકોને શાળાએ બોલાવી પુસ્તકો આપી રહ્યા છે. કોરાના ના આ સંક્રમણમાં બાળકોને શાળાએ બોલાવવાના જ નથી તેમ છતાં કેમ બાળકોને શાળાએ બોલવાઈ રહ્યા છે અને એવામાં બાળકો કોરોના સંક્રમણનો ભોગ બનશે તો તેની જવાબદારી કોણ લેશે તે સવાલો ઉઠી રહ્યા છે. મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોને આ પ્રકારે બોલાવવા બાબતે વાલીઓમાં પણ રોષ છે પરંતુ શિક્ષકના દબાણને કારણે બાળકોને શાળાએ મોકલતા હોય તેવું જોવા મળી રહ્યું છે. મહત્વનું છે, થોડા સમય પહેલા પણ આ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલિસબ્રિજ શાળામાં બાળકોને બોલાવી એકમ કસોટી લેવાઈ રહી હોવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ વિવાદના કારણે શાળાના આચાર્ય અને શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં એ ઘટના બાદ તાત્કાલિક અસરથી નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર કરીને બાળકોને શાળાએ બોલાવવા નહિ તેવું સ્પષ્ટ સૂચના અપાઈ હતી.

(8:52 pm IST)