Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જુહાપુરામાં ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

બિલ્ડર નઝીર વોરાની ૪૪ દુકાનો જમીનદોસ્ત : થોડા સમય પહેલાં નઝીર વોરાના ગેરકાયદે કરેલી વીજ ચોરી પકડી તેને વીજચોરી માટે દંડ ફટકારવામાં આવ્યો હતો

અમદાવાદ,તા.૨૯ : અમદાવાદમાં જુહાપુરાના માથાભારે ભૂમાફિયા નઝીર વોરાએ રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર  બાંધી દીધેલી ૪૪ પાકી દુકાનો પર મંગળવારે AMC બુલડોઝર ફેરવી દીધું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાથે નઝીર વોરના સામ્રાજ્ય પર હવે તંત્રે કડક હાથે પગલા  ભરવાની શરુઆત કરી છે.નઝીર વોરા ના ગેરકાયદે ગતિવિધિઓ સામે તંત્રે કડક હાથે કામ લેવાનું શરુ કર્યું છે. થોડા સમય પહેલાં તેણે કરેલી વીજ ચોરી પકડી દંડ ફટકારાયો હતો. હવે મંગળવારે સવારથી પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમે મક્તમપુરા જુહાપુરા ખાતેના રિઝર્વેશન પ્લોટમાં પહોંચી ગઇ હતી. ડિમોલિશન ટીમના JCB મશીન, દબાણ ગાડી, ડમ્પર અને ૨૦ મજૂરના કાફલાએ બાંધકામ તોડવાની કાર્યવાહી શરુ કરી દીધી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરામાં આવેલ સોનલ ચાર રસ્તા પાસે વિશાલા સરખેજ હાઇવે પરની ટી.પી. સ્ક્રીમ નં. ૯૩/ ( મક્તમપુરા )માં સમાવિષ્ટ રે. સર્વે નં ૧૪પૈકી ૧૫માંથી મંજુર થયેલા ડ્રાફ્ટ સ્ક્રીમ મુજબ ટી.પી. સ્ક્રીમના ફાયનલ પ્લોટ નં. ૩૨માં ભળતી જગ્યામાં તથા જાહેર રસ્તામાં પરવાગી વિના નઝીર વોરા ૪૪ દુકાનો ધરાવતું કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ઊભુ કરી દીધુ હતુ અને કમાણી શરુ કરી દીધી હતી.

કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસરે જણાવ્યું હતુ કે રિઝર્વેશન પ્લોટમાં ઊભા કરાયેલા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર પર દુકાનો તથા ફર્સ્ટ ફલોર પર દુકાનો મળીને કુલ ૧૮ દુકાનોનું પાકું આર.સી.વાળું બાંધકામ કરી ૧૮૦૦ ચો. ફૂટ તથા બીજી ગ્રાઉન્ડ ફલોરની ૨૩ દુકાનો દૂર કરીને ૨૧૦૦ ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આમ રિઝર્વેશન પ્લોટમાં કુલ ૩૯૦૦ ચો. ફૂટ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. તથા ૧૮.૦૦ મીટર તથા .૫૦ મીટર ટી.પી. રસ્તામાં આવતી દુકાનો દૂર કરીને ૫૦૦ ચો. ફૂટ ટી.પી. રસ્તાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

(9:39 pm IST)