Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

બોપલમાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો :100 જેટલા ડ્રગ્સ માફિયાના નામ ખુલ્યા : હવે તપાસમાં FBI ની એન્ટ્રી

એફબીઆઈની ટીમ એનસીબીને સાથે રાખીને તપાસ કરી રહી છે, મોટા વિસ્ફોટકે ખુલાસાની શકયતા

અમદાવાદના બોપલમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. પકડાયેલા ડ્રગ્સ મામલે પુછપરછમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ સામે આવ્યાં છે. તમામ ડ્રગ્સ માફિયાઓના નામ એફબીઆઈને આપી દેવાયા છે અને આ કેસમાં તપાસ માટે એફબીઆઈની પણ એન્ટ્રી થઈ છે. એફબીઆઈની ટીમ એનસીબીને સાથે રાખીને તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું કે અમદાવાદમાં પકડાયેલું ડ્રગ્સ વિદેશથી અમદાવાદ કાર્ગો મારફતે આવ્યું હતુ. બોપલમાંથી ડ્રગ્સના 200થી વધુ ડ્રગ્સના પકેજ સાથે આ કેસમાં 8 આરોપોની ધરપકડ થઈ હતી.

અમદાવાદના બોપલમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપી વંદિત પટેલ ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સ મંગાવતો હતો જે અમદાવાદમાં 20થી વધુ એડ્રેસ ઉપર ડિલિવર કરાતું હતું. જુદા-જુદા એડ્રેસ ઉપર કુરિયરથી ડ્રગ્સ સપ્લાય થતું હતું. જેથી પોલીસે તમામ મકાન માલિકોને નોટિસ ફટકારી જવાબ પણ લીધો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી વંદિત અને તેની ગેંગ બંધ મકાનના એડ્રેસ ઉપર ડ્રગ્સ મંગાવતી હતી અને ત્યાંથી પીક અપ કરી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ડ્રગ સપ્લાય થતું હતું.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે તમામ પાર્સલ કેલિફોર્નિયાથી આવ્યા હતા, જેનું 4 કરોડનું પેમેન્ટ ક્રિપ્ટોકરંસી દ્વારા મોકલવામાં આવ્યું હતું. જે અંગેના પુરાવા સામે આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એફબીઆઈને પત્ર લખવાની તૈયારી શરૂ કરી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાયરો વિરુદ્ધ પગલાં લેવાય તે માટે તમામ જરૂરી દસ્તાવેજો પણ મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.

(12:34 am IST)