Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉપર ૧૪૩ સીસીટીવી કેમેરા-ર ડ્રોન-રપ બોડી ઓન કેમેરા નજર રાખશે

કાલે મંદિરમાં ધ્વજારોહણ, ૧૪૦ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશેઃ આંતરરાષ્ટ્રીય સંત લંકેશબાપુ પ્રસ્થાન કરાવશે

(જયંતભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ર૯ :.. પાટણના આંગણે એક જૂલાઇ શુક્રવારના રોજ યોજાનાર ભગવાન જગન્નાથની ૧૪૦ મી ભવ્ય રથયાત્રાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જગન્નાથ મંદિર પરીસર ખાતે મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિના આગેવાનો દ્વારા યોજાયેલ પત્રકાર પરીષદમાં  મેનેજીંગ ટ્રસ્ટી પીયુષભાઇ આચાર્ય એ રથયાત્રા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે યોજાનાર રથયાત્રામાં પ્રથમ નિશાન ડંકો, બે ગજરાજ, ૩ ઘોડા, ૭ શણગારેલા ઉંટ, પ આઇસર, ૧પ ટ્રેકટર શણગારેલા, ૧પ ટ્રેકટર પ્રસાદ માટે ૮ ટ્રકો, ર૦ શાળાઓની ઝાંખીઓ, ૧૦ સંસ્થાઓની ઝાંખીઓ ૩ બેન્ડ, ૬ ડી. જે., યોગ નિદર્શન, નૃત્ય મળી કુલ ૧૪૦ ઝાંખીઓ, ભજન મંડળીઓ, વાહનો, મળી અન્ય આકર્ષણો રથયાત્રામાં જોડાશે તેમજ શહેરના વિવિધ સ્થળો પર સેવા કેમ્પો શરૃ કરવામાં આવશે.

આ પ્રસંગે રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિ સિંહ વાઘેલા, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, રઘુભાઇ દેસાઇ, હિતુ કનોડીયા ખાસ હાજર રહેવાના છે.

રથયાત્રા અગાઉ તા. ૩૦ મી જુનના રોજ મંદિર પરીસર ખાતે સવારે ૮ વાગે મંદિર શીખર પર ધ્વજા આરોહણની વિધી સંપન્ન કરવામાં આવશે.

ત્યારબાદ ભગવાન જગન્નાથના પરીવારની પરંપરાગત મુજબ રાજયમાંથી આવેલ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ષોકશોપચાર મહાઅભિષેકની પૂજાવિધી યોજાશે. આ પ્રસંગે હર્ષદભાઇ રાવલ, કાન્તીભાઇ પટેલ, પ્રવિણભાઇ બારોટ, વિનોદભાઇ પટેલ, પુજારી કનુભાઇ શુકલ, અશોકભાઇ ત્રિવેદી, અશોકભાઇ મોદી, અચીન દેસાઇ સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.

રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પાટણ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનોનો કેટલો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે ? તે અંગેની પત્રકારોને માહિતી આપવા જીલ્લા એસ. પી. કચેરી ખાતે પોલીસ અધિક્ષક  વિજયકુમાર પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસમીટ યોજાઇ હતી.

આ ઉપરાંત રથયાત્રા પૂર્વે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફુટ અને રૃટ પેટ્રોલીંગ યોજવામાં આવી રહ્યું છે. તો રથયાત્રાના તમામ રૃટ ઉપર કુલ ૧૪૩ જેટલા સીસી ટીવી કેમેરાની બાજનગર ગોઠવવામાં આવી છે. તેમજ ત્રણેય રથો પર ર ડ્રોન વડે રથયાત્રાનું નિરીક્ષ કરવામાં આવશે. અને પાટણની રથયાત્રામાં પ્રથમ વાર રપ બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરી સઘન સર્વેલંશ કરવામાં આવશે.

પ્રેસમીટમાં ડીવાયએસપી સી. એલ. સોલંકી, એલસીબી પીઆઇ આર. કે. અમીન.. એ ડીવીઝન પીઆઇ એ. સી. પરમાર હાજર રહ્યા હતાં.

(4:35 pm IST)