Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ગુજરાતમાં ૭.રર% વરસાદ : કાલથી શરૂ થતા અષાઢ પર મીટ

ધણધણ તરસી ધરણી, વરૂણ હવે તું રીઝ, નહિ તો થાશુ નોખા, હવે આવી અષાઢી બીજ : રાજયમાં સરેરાશ રાા ઇંચ વરસાદ : ૧૩૧ તાલુકાઓમાં ર થી પ ઇંચ : ખેતી અને જળસંગ્રહ માટે જુલાઇ મહિનો નિર્ણાયક

રાજકોટ તા. ૨૯ : વરસાદની મોસમના મંડાણના ગણાતા જૂન માસનો હવે એક દિવસ બાકી રહ્યો છે. ગુજરાતી કેલેન્‍ડર મુજબ જેઠ માસ આજે પૂરો થઇ રહ્યો છે. આવતીકાલે ગુરૂવારથી અષાઢ માસનો પ્રારંભ થશે. ગુજરાતમાં હજુ ચોમાસુ બરાબર જામ્‍યું નથી. અષાઢ વરસાદ માટે ખૂબ અગત્‍યનો મહિનો ગણાય છે. સામાન્‍ય રીતે ખેતી અને પીવાના પાણી માટે સંતોષકારક વરસાદ જુલાઇ - ઓગસ્‍ટમાં થતો હોય છે. આ વર્ષે રાજ્‍યમાં મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે પણ સાર્વત્રિક કૃપા વરસી નથી.
રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં સરેરાશ ૬૧.૩૯ મીમી વરસાદ પડયો છે. મોસમના કુલ વરસાદની દૃષ્‍ટિએ તે ૭.૨૨ ટકા જેવો થાય છે. કચ્‍છમાં ૩.૭૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૪.૧૨ ટકા, મધ્‍યમાં ૫.૯૯, સૌરાષ્‍ટ્રમાં ૯.૪૦ અને દક્ષિણ ગુજરાતમાં ૭.૨૩ ટકા વરસાદ થયો છે. અનેક વિસ્‍તારોમાં વરસાદી વાતાવરણ છે. વરસાદ માટે ખૂબ મહત્‍વના ગણાતા અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ થશે તેવી હવામાનશાષાીઓની આગાહી છે. આજે સવારે ૬ વાગ્‍યાથી બપોરના ૧૨ વાગ્‍યા સુધીમાં સુરતના ઓલપાડમાં ૧ ઇંચ અને સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. પારડી, વાપી, અંકલેશ્વર, કામરેજ, ડેડીયાપાળા વગેરેમાં હળવા ઝાપટા પડયા છે. અન્‍યત્ર વરસાદના વાવડ નથી.
જુન મહિનામાં સરેરાશ ૬૧.૩૯ ટકા વરસાદ થયો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકના ૦.૬૯ ટકા વરસાદનો સમાવેશ થાય છે. રાજ્‍યના ૬ તાલુકાઓ એવા છે કે જ્‍યાં મોસમનો બિલકુલ વરસાદ પડયો નથી. ૧૩૧ તાલુકાઓમાં ૨ ઇંચ સુધી વરસાદ થયો છે. ૮૪ ટકાઓમાં ૨ થી ૫ ઇંચ અને ૨૮ તાલુકાઓમાં ૫ થી ૧૦ ઇંચ વરસાદ થયો છે. ૧૦ ઇંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર બે જ તાલુકા છે. અનેક વિસ્‍તારોમાં વાવણી બાકી છે. જ્‍યાં વરસાદ થઇ ગયો છે તેવા વિસ્‍તારોમાં વાવણી પર જરૂરી વરસાદ ન પડે તો આવતા દિવસોમાં વાવણી બળી જવાની ભીતી છે. ખેડૂતો અષાઢની અદકેરી આશા સાથે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

 

(3:32 pm IST)