Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

નવા વિસ્‍તારોની TP સ્‍કીમમાં ફાઇનલ પ્‍લોટના ક્ષેત્રફળ મુજબ જ સ્‍ટેમ્‍પ ડયૂટી વસૂલવા આદેશ

રાજયમાં નવા વિસ્‍તારોમાં જયાં ટીપી સ્‍કીમો અમલમાં આવી રહી છે ત્‍યાં સબ રજિસ્‍ટ્રારો દ્વારા ફાઈનલ પ્‍લોટને બદલે જમીનના સંપૂર્ણ ક્ષેત્રફળ પર સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો સરકારને મળી હતી : જેથી સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પની ઓફિસ દ્વારા ફાઈનલ પ્‍લોટમાં દર્શાવેલા ક્ષેત્રફળની જ સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી વસુલવા સપ્તાહ પહેલા આદેશ કરવામાં આવ્‍યો છે. : સામાન્‍ય રીતે એફ-ફોર્મમાં દર્શાવાયેલા ફાઈનલ પ્‍લોટના ક્ષેત્રફળને ધ્‍યાને લઈને પ્રીમિયમની ગણતરી થાય છે : એફ-ફોર્મ ન હોય ત્‍યાં સામાન્‍ય રીતે ૪૦ ટકા કપાતનું ધોરણ ધ્‍યાને લેવાય છે : પરંતુ નવા વિસ્‍તારોની ટીપી સ્‍કીમોમાં સંપૂર્ણ જમીન પર સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી વસૂલવામાં આવતી હતી

અમદાવાદ તા. ૨૯ : રાજયમાં સબ રજિસ્‍ટાર, નાયબ કલેક્‍ટરની કચેરીઓ દ્વારા જે વિસ્‍તારમાં નવી ટાઉન પ્‍લાનિંગ (TP) સ્‍કીમો અમલમાં છે, પ્રાથમિક તબક્કામાં છે કે પછી તેનો ઈરાદો જાહેર થયો છે, તેવા વિસ્‍તારોમાં ફાઈનલ પ્‍લોટ (FP)ને બદલે જમીનના સંપૂર્ણ ક્ષેત્રફળના આધારે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વસૂલવામાં આવી રહ્યાની બાબત સરકારના ધ્‍યાનમાં આવી હતી. જેથી સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પની કચેરીએ જુલાઈ-૨૦૧૬ની મૂળ સૂચના ફરીથી પરિપત્રિત કરીને ફાઈનલ પ્‍લોટમાં દર્શાવેલા ક્ષેત્રફળ પુરતી જ સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વસૂલવા આદેશ કર્યો છે.
રાજયના મહાનગરો અને શહેરી વિકાસ સત્તામંડળોમાં પહેલેથી જયાં ટીપી સ્‍કીમનો ઈરાદો જાહેર થયો હોય, ડ્રાફટ ટીપી હોય કે પછી પ્રાથમિક કે અંતિમ સ્‍ટેજ પર હોય, ત્‍યારે ખેતીની જમીન બિનખેતી કરવાના તબક્કે એફ-ફોર્મમાં દર્શાવાયેલા ફાઈનલ પ્‍લોટના ક્ષેત્રફળને ધ્‍યાને લઈને પ્રીમિયમની ગણતરી થાય છે. જયાં એફ ફોર્મ ન હોય ત્‍યાં સામાન્‍ય રીતે ૪૦ ટકા કપાતનું ધોરણ ધ્‍યાને લેવાય છે. મહેસૂલ વિભાગના બીજી ઓગસ્‍ટ ૨૦૧૮ના ઠરાવથી આ જ પ્રેક્‍ટિસ અમલમાં છે.
પરંતુ, કેટલાક નવા ક્ષેત્રો અને જિલ્લાઓમાં જયાં ટીપી સ્‍કીમો અમલમાં આવી રહી છે, ત્‍યાં સબ રજિસ્‍ટારો દ્વારા ફાઈનલ પ્‍લોટનું ક્ષેત્રફળ એટલે કે, કપાત પછી જમીન માલિક કે ડેવલોપર્સના ઉપયોગ માટે બચતી જમીનના ક્ષેત્રફળને ધ્‍યાનમાં લીધા વિના જ ૧૦૦ ટકા સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી વસૂલવાનું શરૂ કરાયું હતું. જેથી ફરિયાદો સુપ્રિડેન્‍ટન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પની કચેરીને મળી હતી. જેથી કચેરી દ્વારા કપાતના ધોરણો મુજબ મૂળ જમીનના ક્ષેત્રફળમાં કપાત બાદના ફાઈનલ પ્‍લોટના ક્ષેત્રફળને ધ્‍યાને લઈને જમીન કે સ્‍થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરવા બે સપ્તાહ પહેલા આદેશ કર્યો છે. જેમાં ૨૦૧૧ની જંત્રીના આધારે જમીનની બજાર કિંમત નક્કી કરતી વખતે ટીપી હેઠળના ફાઈનલ પ્‍લોટના ક્ષેત્રફળની ગણતરી કરવા કહેવાયું છે.

 

(11:00 am IST)