Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પેટલાદ તાલુકાના મહેળાવ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી પુત્રવધૂએ ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ

આણંદ : પેટલાદ તાલુકાના મહેળાવ પોલીસ મથકે શારિરીક-માનસિક ત્રાસના કેસમાં સુરતથી આવેલ પરિવારની ફોરવ્હીલર કાર પુત્રવધુ ચોરી કરી લઈ જતા આ મામલે મહેળાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. પોલીસે ફરીયાદના આધારે પુત્રવધુ તથા ડ્રાઈવર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાના આમરોલી કોસાડ ખાતે શિક્ષાપત્રી હાઈટમાં રહેતા કલ્પેશભાઈ બેચરભાઈ મોતીસરીયા ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આશરે છ-એક માસ પૂર્વે તેઓના નાના ભાઈ જિજ્ઞોશભાઈ ગુજરી ગયા હતા. કલ્પેશભાઈએ આજથી એકાદ વર્ષ પૂર્વે નાના ભાઈ જિજ્ઞોશભાઈ પાસેથી રૂા.૪ લાખમાં ફોરવ્હીલર કાર ખરીદી હતી અને તેઓના નામ પર ટ્રાન્સફર કરાવી હતી. જિજ્ઞોશભાઈના  પત્ની વૈશાલીબેને પતિના મૃત્યુ બાદ સાસરીયાઓ ઉપર શારીરિક તથા માનસિક ત્રાસનો કેસ કરેલ હોઈ ગત તા.૧૨મીના રોજ કલ્પેશભાઈ તથા તેઓના પત્ની સોનલબેન, પિતા બેચરભાઈ તથા કાકા ખીમજીભાઈ મહેળાવ પોલીસ મથકે આવ્યા હતા. જ્યાં પોલીસ સ્ટેશનની બહાર ગેટની સામે ખુલ્લામાં કાર પાર્ક કરી પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પાર્ક કરેલ ગાડીમાં જરૂરી દસ્તાવેજો, પેનડ્રાઈવ તથા ગામડેથી સીધા મહેળાવ પોલીસ મથકે આવેલ કાકા ખીમજીભાઈનો મોબાઈલ ફોન અને કાપડનો થેલો ગાડીમાં મુક્યો હતો. પોલીસ સ્ટેશનમાં કામકાજ પતાવ્યા બાદ પરિવાર સુરત જવા માટે બહાર આવતા પાર્ક કરેલ જગ્યાએ કાર જોવા મળી નહતી. જેથી આસપાસમાં શોધખોળ કરતા કરાવતા મળી આવી ન હતી. દરમ્યાન અડધાએક કલાક બાદ બેચરભાઈના મોબાઈલ ફોન ઉપર પુત્ર જિજ્ઞોશભાઈની પત્ની વૈશાલીબેનનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મહેળાવ પોલીસ સ્ટેશન ખાતે આવી કાર મારા ઓળખીતા ડ્રાઈવર સાથે હું લઈ ગઈ છું. આ કાર મારી છે અને તમારે જે થાય તે કરી લેજો તેમ જણાવ્યું હતું. આ અંગે કલ્પેશભાઈ બેચરભાઈ મોતીસરીયાએ મહેળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વૈશાલીબેન તથા તેઓના ઓળખીતા ડ્રાઈવર વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:43 pm IST)