Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મહુધાના નવાપુરામાં ધો.10ની પરીક્ષામાં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો આપઘાત

નડિયાદ : મહુધાના નવાપુરામાં રહેતી એક કિશોરીએ ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ઓછા ટકા આવતા સેલફોસની ગોળી ખાઈ જીવન ટુકાવી દીધું હોવાના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે. મહુધાના નવાપુરા વિસ્તારમાં રહેતા ચંન્દ્રકાંત કિરણભાઈ પરમારની દીકરી અનુએ માર્ચ-૨૦૨૩માં લેવાયેલી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા આપી હતી. જે પરીક્ષાનું બે એક દિવસ પૂર્વે પરિણામ જાહેર થયું હતું. જેમાં અનુના ધારણા કરતા ઓછા ટકા આવ્યા હતા. ભણવામાં હોંશિયાર હોવા છતાં ધારણા કરતા ઓછા ટકા આવતા તે પરિણામ પછી આઘાતમાં રહેવા લાગી હતી અને અનુને એમ લાગ્યું હતું કે ઓછા ટકા આવવાથી મનગમતી લાઈનમાં આગળ અભ્યાસ કરી શકાશે નહીં. દરમિયાન ચંદ્રકાંતભાઈ અને પત્ની તા. ૨૬ના રોજ ખેતરમાં ગયા હતા. આ સમયે અનું ઘેર એકલી હતી તે દરમિયાન ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાના ઓછા ટકા આવવાથી આઘાતમાં અનુએ પોતાના ઘરમાં પડેલી અનાજમાં નાખવાની સેલફોસની ગોળી ખાઈ લીધી હતી. ચંદ્રકાંતભાઈ અને પત્ની ખેતરમાંથી ઘેર પરત આવતા તેમણે દીકરીના મોંમાંથી ફીણ નીકળતું હોવાનું જોયું હતું. જેથી તેમણે દીકરી અનુને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી,  જ્યાં ભાનમાં આવેલી અનુએ પરીક્ષામાં ઓછા ટકા આવવાથી સેલફોસની ગોળી ખાધી હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ બેભાન થઈ ગયેલી અનુને વધુ સારવાર અર્થે પ્રથમ નડિયાદ સિવિલ અને ત્યાંથી કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં અનુ (ઉ.વ.૧૬)નું ગતરોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસે અપમૃત્યુનો બનાવ નોંધી તપાસ હાથ ધરી છે.

(6:41 pm IST)