Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

સુરતના કામરેજ વિસ્તારમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:જિલ્લાના કામરેજ ખાતે રહેતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પાલ વિસ્તારની હોટલમાં શરીરસંબંધ બાંધ્યા બાદ ન્યુડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 6.50 લાખ પડાવી લીધા બાદ પણ વધુ પૈસાની માંગણી કરનાર હવસખોર વિરૂધ્ધ પાલ પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાય છે. જિલ્લાના કામરેજ ખાતે રહેતી 43 વર્ષીય મહિલા અગાઉ રાજકોટના કાલાવાડ રોડ વિસ્તારમાં રહેતી હતી. તે દરમિયાન નજીકમાં રહેતા કટલરીના વેપારી રવિ પ્રવિણ ચાવડા (ઉ.વ. 45 રહે. તરંગ એપાર્ટમેન્ટ, વોકહાર્ટ હોસ્પિટલ સામે, કાલાવડ રોડ, રાજકોટ) ના પરિવાર સાથે પરિચય થયો હતો. મહિલા વર્ષ 2020-21 પરિવાર સાથે કામરેજ ખાતે રહેવા આવી ગઇ હતી. દરમિયાનમાં રવિએ તોરણ બનાવવાના કામના બહાને મહિલાને મળવા કામરેજ આવ્યો હતો અને ત્યાર બાદ બંને જણા નિયમીત રીતે મોબાઇલ અને વ્હોટ્સએપ પર વાતચીત કરતા હતા. રોજબરોજની વાતચીતમાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંનેએ એકબીજાના ફોટા પણ શેર કર્યા હતા. જે અંતર્ગત સાતેક મે 2021 માં રવિ કામના બહાને સુરત આવ્યો હતો અને મહિલાને પાલ નિશાલ આર્કેડ નજીકની હોટલમાં લઇ જઇ શરીરસંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન રવિએ મહિલાનો ન્યુડ વિડીયો અને ફોટો ક્લીક કર્યા હતા. સમય જતા રવિએ ન્યુડ વિડીયો અને ફોટો વાયરલ કરવાની અને મહિલાના ભાઇને મારી નાંખવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતું અને ટુક્ડે-ટુક્ડે રૂ. 6.50 લાખ પડાવી લીધા હતા. જો કે ત્યાર બાદ પણ રવિએ વધુ રૂપિયાની માંગણી કરતા મહિલાએ રાજકોટ ખાતે પિયરમાં આપઘાતનો પ્રયાસ કરતા પારિવારીક મિત્ર રવિ ચાવડાની કરતૂત બહાર આવી હતી અને પાલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે રવિ ચાવડાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

(6:41 pm IST)