Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટના ધોરણ 6થી 8માં ભણતા વિદ્યાર્થીઓનું ગજબનું ટેલન્ટઃ કાર્ડ સ્વાઇપ કરો અને દવા લઈ જાઓઃ પાલનપુરના વિદ્યાર્થીએ વિકસાવ્યું સ્માર્ટ હેલ્થ ATM

- સ્માર્ટ હેલ્થ ATM ની ખાસીયત એ છે કે દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ આપશે.

પાલનપુરઃ  ATMનું નામ લેતાની સાથે જ તમારા મગજમાં કેશ ઉપાડવાનું મશીન આવી જ ગયું હશે. પરંતુ અમે આજે એવા ATM વિશે જણાવીશું જે દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ આપશે.

આમાં તમારે સામાન્ય ATMની જેમ કાર્ડ સ્વાઇપ કરવાનું રહેશે અને પૈસાની જગ્યાએ તમારે દવા પસંદ કરવાની રહેશે અને ATM મશીનથી ર્દીદીને તે દવા મળી જશે. ત્યારે આ સ્માર્ટ હેલ્થ ATMનો વિચાર કોને આવ્યો અને ક્યા જિલ્લાના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું છે, જુઓ આ વીડિયો..

પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટના ધોરણ 6થી 8માં ભણતા વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓમાં નાની ઉમંરમાં પણ ગજબનું ટેલન્ટ છે. અને તેમનું આ ટેલેન્ટ વડોદરાની MS યુનિવર્સિટીના ટેક્નોલૉજી ફેકલ્ટીના મેદાનમાં આયોજિત મેકર ફેસ્ટમાં ઝળક્યું છે. 5મા મેકર ફેસ્ટમાં અલગ અલગ ઈનોવેટિવ સ્ટાર્ટઅપ્સ અને પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા. અને આ મેકર ફેસ્ટમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓએ બનાવેલું સ્માર્ટ હેલ્થ ATM પણ પ્રદર્શિત કરાયું હતું. જેને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમને એક એવું સ્માર્ટ હેલ્થ ATM વિકસાવ્યું છે જે દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ આપશે.

આ સ્માર્ટ હેલ્થ ATM મશીન ખાસ કરીને રાત્રી સમયે જ્યારે મોટાભાગની દુકાનો બંધ હોય ત્યારે દવાઓ જોઈતી હશે ત્યારે તે સૌથી વધુ ઉપયોગી બનશે. દર્દીઓને RFID કાર્ડ આપવામાં આવે છે જે કાર્ડ સ્વાઇપ કરવાનું રહેશે. અને તેમાં પૈસાની જગ્યાએ, તમારે દવા પસંદ કરવાની રહેશે અને દર્દીને તેમાંથી દવા મળશે. આ ATM દર્દીના મેડિકલ રેકોર્ડની સાથે દર્દીના આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો પણ રાખશે.

આ સ્માર્ટ હેલ્થ ATM મશીન RFID ટેકનોલોજી પર આધારિત છે. તમારે દવા માટે પણ કોઈ રોકડ રકમની જરૂર નથી. દર્દી પાસે જે RFID કાર્ડ છે તે આધાર કાર્ડ સાથે લિંક થયેલું હશે. બેંક ખાતાઓ પણ આધાર કાર્ડ સાથે જોડાયેલા છે જેના કારણે તેના ખાતામાંથી દવાઓનું બિલ કપાઇ જશે. વિદ્યાર્થીઓએ હમણાં ડેમો મોડલ બનાવ્યું છે અને હજુ વધારે સુવિધાઓ વિકસાવામાં આવી રહી છે. જેમાં ડૉક્ટર, વેબ અને મોબાઇલ એપ્લિકેશન સાથે વિડિઓ કૉલિંગ સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવશે.

મશીન બનાવતા વિદ્યાર્થીઓને છ મહિના જેટલો સમય લાગ્યો
મહત્વનું છે ખેલવા કૂદવાની ઉંમરે પાલનપુરના આ 4 વિદ્યાર્થી નિશાંત પંચાલ, યશ પટેલ, અનય જોશી અને આદિત્ય ઠક્કરે હિતેન પટેલના માર્ગદર્શન હેઠળ સ્માર્ટ હેલ્થ ATM મશીન બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ હેલ્થ ATM મશીન બનાવતા વિદ્યાર્થીઓને છ મહિના જેટલો સમય લાગ્યો છે. અને આગામી દોઢ વર્ષમાં લોકો આ હેલ્થ ATM મશીનનો લાભ લઈ શકશે.

(11:36 pm IST)