Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

વડોદરાની સ્વીટી પટેલ હત્યા : અમેરિકાની તપાસ એજન્સી FBI પણ ડીએનએ મેળવવામાં નિષ્ફળ રહી

સ્વીટી પટેલની હત્યા મે-2021માં થયેલી: આ કેસમાં તેના લિવ ઈન પાર્ટનર અજય દેસાઈ આરોપી છે અને તે એસઓજીના તત્કાલીન ઈન્સ્પેક્ટર હતા

વડોદરા: સ્વીટી પટેલ હત્યાના કેસમાં મૃતકના મૃતદેહના સળગેલા અવશેષો, હાડકા અને દાંતમાંથી અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ) પણ ડીએનએ મેળવવામાં નિષ્ફળ રહી છે.
જેના લીધે, આ કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાંચને પણ મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનુ છે કે, સ્વીટી પટેલની હત્યા મે-2021માં થયેલી. આ કેસમાં તેના લિવ ઈન પાર્ટનર અજય દેસાઈ આરોપી છે અને તે એસઓજીના તત્કાલીન ઈન્સ્પેક્ટર હતા. અજય દેસાઈ હાલ જેલમાં છે.
આ કેસમાં ડીએનએ સ્વીટી પટેલનો છે, તે પ્રસ્થાપિત થવાથી ક્રાઈમ બ્રાંચને આરોપી દેસાઈ સામે મજબૂત કેસ બનાવવામાં મદદ મળી હોત. દહેજ પાસેના અટાલી ગામ બહાર આવેલી એક હોટલમાંથી સ્વીટીના મૃતદેહના અવશેષો મળેલા. આ કેસમાં સૌ પથમ તપાસ કરનાર વડોદરા ગ્રામ્ય પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળેથી હાડકા અને દાંતના સળગેલા ટુકડા મળેલા. જેમાંથી ડીએનએ મેળવવા માટે તેને ગાંધીનગર એફએસએલ અને પછી હૈદરાબાદ એફએસએલમાં મોકલાયેલ. જો કે, બંને એફએસએલ આ અવશેષોમાંથી ડીએનએના નમુના મેળવવામાં નિષ્ફળ રહેલી. આ પછી, કોર્ટની મંજૂરી બાદ, આ અવશેષોમાંથી ડીએનએ મેળવવા માટે તેને એફબીઆઈમાં મોકલાયેલા.
કેસની તપાસ સમયે, તપાસ અધિકારીને હાડકા અને દાંતના 43 સળગેલા ટુકડાઓ ઉપરાંત પીડિતાની બંગડી અને મંગળસુત્રના ટુકડા પણ મળેલા. તપાસ અધિકારીનુ એવુ અનુમાન છે કે, આરોપી દેસાઈએ કરજણમાં સ્થિત પ્રયોસા સોસાયટીમાં સ્થિત તેના બંગલામાં સ્વીટીની ગળુ દબાવીને હત્યા કરેલી અને પછી કિર્તીસિંહ જાડેજાની મદદથી હોટલના પાછળના ભાગે મૃતદેહને સળગાવેલો.

(1:02 pm IST)