Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

વડોદરામાં વાઘોડિયા રોડ આવેલા ડોમીનોઝ પીઝાની ટેકનીકલ ખામીને લીધે લિફ્ટ તુટતા ૪ લોકો ઇજાગ્રસ્તઃ એક વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્‍યુ

આ મામલે લિફ્ટમાં ટેકનીકલ ખામી માટે જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની મીટ મંડાણી

વડોદરાઃ વડોદરામાં ગતરાત્રે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા ડોમીનોઝ પીઝાની લિફ્ટ તુટતા 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટના બની હતી. લિફ્ટ તુટવાની જાણકારી મળતા જ ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાજી સંભાળી લીધી હતી. ઘટનામાં એક વૃદ્ધને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને રેસ્ક્યૂ કરીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હવે આ મામલે લિફ્ટમાં ટેકનીકલ ખામી માટે જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે બે માળનું ડોમીનોઝ પીઝા રેસ્ટોરન્ટ આવેલું છે. વડોદરામાં ગતરાત્રે વાઘોડિયા રોડ પર આવેલા ડોમીનોઝ પીઝામાં લિફ્ટ તુટી પડવાની દુર્ઘટના સર્જાઇ હતી. દુર્ઘટના પહેલા લાલજીભાઇ રામજીભાઇ પાંડે (ઉં.68) (રહે- દેવપ્રયાગમ સોસાયટી, ઓગરો સંગમવાટીકા, છલવા. પ્રયાગરાજ -યુપી) સાંજે સાડા સાત વાગ્યે તેમના પુત્ર અને તેના સંતાનો સાથે લિફ્ટમાં બેસીને ચોથા માળે જઇ રહ્યા હતા. દરમિયાન લિફ્ટમાં ત્રીજા માળે ટેકનીકલ ખામી સર્જાઇ હતી. અને લિફ્ટ ત્રીજા માળેથી સીધી નીચે પટકાઇ હતી. આ ઘટનામાં લાલજીભાઇ પાંડેને બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

લિફ્ટ દુર્ઘટનાની જાણ થતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને લિફ્ટના દરવાજા કાપીને બચાવ કામગીરી હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત લાલજીભાઇ પાંડેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. પાણીગેટ પોલીસ મથકમાં જાણવાજોગ નોંધાયેલી ફરિયાદમાં લિફ્ટ તુટવાનું કારણ ટેકનીકલ ખામી હોવાનો ઉલ્લેખ છે.

(12:22 pm IST)