Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

વિધાનસભામાં માત્ર પાંચ બેઠક જીતનાર આમઆદમી પાર્ટીના નેતા પદે ચૈતર વસાવા અને હેમંત ખાવાને વિધાનસભામાં ઉપનેતા બનાવવામાં આવશે

પાર્ટીના સંગઠન મહાસચિવને પ્રદેશ અધ્‍યક્ષને પત્ર લખ્‍યો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા હશે જ્યારે હેમંત ખાવાને વિધાનસભામાં ઉપનેતા બનાવવામાં આવશે.

પાર્ટીના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે આ અંગે પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પત્ર લખ્યો છે. સંદીપ પાઠકે લખ્યું છે કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પક્ષ વતી ઇસુદાન ગઢવીને આ માહિતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને આપવાનું કહેવામાં આવ્યું છે જેથી કરીને બંને નેતાઓની વિધાનસભા પ્રક્રિયા હેઠળ નિમણૂંક કરી શકાય.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 182માંથી માત્ર પાંચ બેઠકો જીતી હતી. જેમાં જામ જોધપુર, વિસાવદર, ગારિયાધાર, ડેડિયાપાડા અને બોટાદનો સમાવેશ થાય છે. ગુજરાત ચૂંટણીમાં AAPએ તેના તમામ મોટા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી પણ સામેલ હતા. જો કે તેઓ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે ઓછા જાણીતા ચહેરાઓ વિધાનસભામાં પહોંચ્યા હતા.

ભાજપે 182 સભ્યોની વિધાનસભામાં 156 બેઠકો જીતી હતી. જે રાજ્યમાં તેનો અત્યાર સુધીનો સૌથી મોટો વિજયનો આંકડો છે. વિરોધ પક્ષ કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. રાજ્યમાં ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ જ્યારે સમાજવાદી પાર્ટી (SP)એ રાજ્યમાં એક બેઠક જીતી હતી.

(11:30 pm IST)