Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ખેડાના મહુધામાં કચરાના ઉકરડામાં તાજી જન્મેલી મૃત બાળકી મળતા ખળભળાટ :સ્થાનિકોમાં અનેકવિધ ચર્ચા

કોઈ નિષ્ઠુર માતાએ પોતાની કુખે જન્મેલ તાજી બાળકીને જન્મ આપ્યા બાદ તરછોડી

ખેડાના મહુધા ખાતે કચરાનાં ઉકરડામાં તાજી જન્મેલી મૃત બાળકી મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. કચરાના ઢગલામાં તરછોડી દીધેલી મૃત બાળકી મળતા સ્થાનિક લોકો ભેગા થયા હતા અને અનેક અટકળો ચાલી હતી. કોઈ નિષ્ઠુર માતાએ પોતાની કુખે જન્મેલ તાજી બાળકીને જન્મ આપ્યા બાદ એવી જગ્યાએ તરછોડી કે જેના કારણે આ બાળકીનો મોત નીપજતું હોય શકે છે.

આ ઘટનામાં મળતી માહિતી મુજબ, મહુધાના ફિણાવ ભાગોળ નજીક કચરાનાં ઉકરડામાં આજે એક તરછોડાયેલી મૃત બાળકી મળતાં ઘટના સ્થળે લોકના ટોળા ઉમટ્યા હતા. બાળકીને કપડામાં લપેટીને કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હકી. જેમાં પોલીસને મહુધા ખાતે તાજી જન્મેલી મૃત બાળકી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટયા હતા. પોલીસે હાલ જનેતા વિશે સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે.

બીજી બાજુ સ્થાનિકો જણાવી રહ્યા છે કે કડકડતી ઠંડીના કારણે ઠુંઠવાઈ જતાં બાળકી મોતને ભેટી પણ હોઈ શકે છે. મૃત બાળકી અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં જોવા ઉમટી પડ્યા હતાં. તાજી જન્મેલી મૃત બાળકીને કોણે ત્યજી દીધી તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે.

(12:17 am IST)