Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર સળગાવનારે અગાઉ પણ બે કાર સળગાવી હોવાનો ઘટસ્ફોટ

આરોપી ઉગ્ર સ્વભાવનો અને ઝનૂની માનસિકતા ધરાવે છે. જેને કારણે આ પ્રકારે ત્રણ જેટલી કાર સળગાવી દીધી: પોલીસ તપાસમાં ખુલાસો

અમદાવાદ :રાજ્ય સરકારમાં પૂર્વ મંત્રી અને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની ઇનોવા કારને માત્ર 2 મિનિટ 27 સેકન્ડમાં સળગાવી ફરાર થનાર આરોપીએ અગાઉ પણ બે કાર સળગાવી હોવાનો ઘટસ્ફોટ વડોદરા ક્રાઇમબ્રાન્ચની તપાસમાં થયો છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઉગ્ર સ્વભાવનો અને ઝનૂની માનસિકતા ધરાવે છે. જેને કારણે આ પ્રકારે ત્રણ જેટલી કાર સળગાવી દીધી છે.

વિજય રૂપાણી સરકારમાં નર્મદા અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂકેલા વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની માલિકીની જ્યુબિલી પાર્કમાં પાર્ક કરેલી ઈનોવા કાર ગત 27મીની મધ્યરાત્રીએ ભડભડ સળગી ગઈ હતી. બનાવની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગને કાબુમાં કરી લીધી હતી, પૂર્વ મંત્રી યોગેશ પટેલના ડ્રાઇવર ગૌરાંગ પટેલને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને બાદમાં રાવપુરા પોલીસને કારમાં આગ લાગી હોવા અંગે જાણવા જોગ અરજી આપી હતી.

રાવપુરા પોલીસે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી દીધી હતી કે આગ અકસ્માતે લાગી હતી કે લગાડવામાં આવી હતી ? જે સ્થળે કારમાં આગ લાગી હતી તેની આસપાસ જેટલા સીસીટીવી લગાડેલા હતા. તે ખાનગી સીસીટીવી ,સ્માર્ટ સીટી અંતર્ગત મ્યુ.કોર્પોરેશન અને શહેર પોલીસ કંટ્રોલરૂમ સાથે સંકળાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા 27મી મધ્યરાત્રીએ 2:00 44 મિનિટ અને 43 સેકંડથી બે વાગ્યા 47 મિનિટ 10 સેકન્ડ દરમિયાન જેકેટ કેપ પહેરેલો એક ઈસમ ત્યાંથી પસાર થતો દેખાયો અને તેની ગતિવિધિ શંકાસ્પદ જણાઇ, જેથી રાવપુરા પોલીસની ટીમે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા શોધી કાઢ્યું. જેકેટ કેપ પહેરીને જઈ રહેલા ઇસમેજ યોગેશ પટેલની ઈનોવા કારને કોઈ જવલનશીલ પદાર્થ દ્વારા આગ લગાડી હોઈ શકે છે.

આસપાસના વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી અને આ ઇસમને શોધતા પગેરું પહોંચ્યું વડોદરાના મોગલવાડામાં. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ મોગલવાડામાં રહેતા મોહમ્મદ અનીશ મોહમ્મદ હનીફ દારૂવાલા નામના 44 વર્ષે કિશનને અટકાયતમાં લઈ તેની પૂછપરછ શરૂ કરતાં તે ભાંગી પડ્યો અને તેને કબૂલાત કરી લીધી કે તેનેજ યોગેશ પટેલની ઇનોવા કારને આગ લગાડી હતી. પૂર્વ મંત્રી અને ભાજપના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલની કારને આગ લગાડી હોવાને કારણે બનાવને ગંભીર ગણી વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા આ બનાવની તપાસ રાવપુરા પોલીસ પાસેથી લઈને વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી.

વડોદરા શહેર સી ડિવિઝન એસીપી મેઘા તેવારે જણાવ્યું કે બનાવની ગંભીરતા જોઈને સિનિયર પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાવની તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.વડોદરા પોલીસ કમિશનરના આદેશથી બર્નિંગ કાર કેસની તપાસ સંભાળી લેનાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ આર.એ. જાડેજાએ જણાવ્યું કે આરોપી મોહમ્મદ અનીશ દારૂવાલા ઉગ્ર મિજાજનો અને ઝનૂની સ્વભાવનો છે. તેને અગાઉ 28 ડિસેમ્બર 2001ના રોજ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ યાસીન ખાન પઠાન માર્ગ પર સાહિલ યાસીન ખાન સાથે કોઈક બાબતે તકરાર થતાં સાહિલની ઇકો કારને તોડી નાખી આગ લગાડી દીધી હતી.બાજુમાં પાર્ક કરેલી સ્વીફ્ટ કાર પણ આ આગની લપેટમાં આવી જતા બંને કારને મોટું નુકસાન થયું હતું.

આરોપી મોહમ્મદ અનીશનો સ્વભાવ ઉગ્ર અને સનકી હોવાને કારણે તેના રહેણાંક વિસ્તારની આસપાસ અવારનવાર અનેક લોકો સાથે ઝઘડા થતા હતા. તેની વિરુદ્ધ પોલીસ વિભાગમાં કેટલાક લોકો દ્વારા અરજી પણ કરવામાં આવી હતી. મોહંમદ અનિસથી કંટાળીને તેના પરિવારજનો દ્વારા ગત 26 જાન્યુઆરીના રોજ દૈનિક પેપરમાં જાહેર નોટિસ આપીને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોહમ્મદ અનિસનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે .તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ ત્રણ કાર સિવાય અન્ય કોઈ કારને પણ તેના દ્વારા આગ લગાડવામાં કે નુકસાન કરવામાં આવ્યું હોય અને અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે કે કેમ તે તમામ બાબતો અંગે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.

(10:40 pm IST)