Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વલસાડના ગુંદલાવ નજીક ચાલુ બાઇકમાં અચાનક આગ ભભૂકી : ચાલાકનો આબાદ બચાવ : બાઈક બળીને ખાખ

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો

વલસાડના ગુંદલાવ નજીક ચાલુ બાઈકમાં અચાનક આગ લાગી હતી જેના કારણે થોડા સમય સુધી હાઇવે પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં બાઈક ચાલકને કોઇ ઇજા થઇ ન હતી પરંતુ આગને કારણે બાઈક સળગીને ખાક થઈ ગયું હતું.

બનાવની વિગત મુજબ વલસાડના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક બાઈક સવાર બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. ત્યારે પુરઝડપે પસાર થતા બાઈકમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈ બાઈક ચાલકે તાત્કાલિક બાઈક થોભાવી રોડની સાઈડમાં મુકી અને નીચે ઉતરી ગયો હતો. જોકે એટલામાં જ ક્ષણભરમાં આખી બાઈક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

બાઇકમાં આગ લાગી એ વખતે હાઇવે પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. તેમ છતાં આ સળગતું બાઈક હાઇવે પડી રહ્યું હતું. ઘટનાના દ્રશ્યો જોતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાઈક પર પાણી છાંટી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.

(10:28 pm IST)