Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રાજ્યમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવા રજૂઆત કરાઈ

મુખ્યમંત્રી સમક્ષ શિક્ષણ નિષ્ણાતોની રજૂઆત : દિલ્હી જો ઓફલાઈન શિક્ષણ શક્ય તો આપણે વાયરસ નિષ્ણાતોના મત જાણીને તે દિશામાં આગળ વધવું જોઈએ

ભાવનગર, તા.૨૯ : ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ નિષ્ણાંતોની સલાહથી ચાલુ કરવાં મુખ્યમંત્રીને  શિક્ષણવિદો ડો.આરતી કસ્વેકર(અમદાવાદ), ડો.મહેશ ઠાકર(ભરુચ), તખુભાઈ સાંડસુર (ભાવનગર), ડો.વૈશાલી શાહ  (કેળવણી પરિષદ -અમદાવાદ),ડો.વિનુભાઈ પટેલ, સુખદેવ પટેલ (ગણતર), શામજીભાઈ દેસાઈ (પાટણ), નમૅદ ત્રિવેદી (સમન્વય) વગેરેએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે.

તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નિષ્ણાતોના કહેવા મુજબ ત્રીજી લહેર ને પીક પોઈન્ટ ૧૯ જાન્યુઆરી હતો. ત્યાર પછી કેસ ઝડપથી ધટી રહ્યાં છે અને તે સિલસિલો આજે પણ ચાલુ છે તેથી હવે તેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી.તા. ૨૮ -૧-૨૨ ના રોજ સરકારના આંકડા મુજબ કુલ ૧૨૧૦૦ કેસ પૈકીના લગભગ ૮૦૦૦ કેસ મહાનગરોના હતાં.

એટલે કે ગ્રામ્યકક્ષાએ આજે સંક્રમણ ૩૦ ટકા જેટલું પણ નથી. તેથી બધાને શિક્ષણથી વંચિત રાખવા યોગ્ય નથી. એટલું જ નહીં કુલ કેસમાંથી બાળકોને થયેલા સંક્રમણના આંકડાઓ ખૂબ ઓછાં છે.પીક સમયમાં આ આંકડો સંક્રમણના ૨% ભાગ જેટલો હતો જે ઘટીને આજે ખૂબ નિમ્નસ્તરે છે.

ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા સહિતના રાજ્યોએ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો પ્રારંભ કર્યો છે જ્યાં સૌથી વધારે સંક્રમણ હતું એવું શહેર દિલ્હી જો ઓફલાઈન શિક્ષણ શરૂ કરી શકતું હોય તો આપણે વાયરસ નિષ્ણાંતોના મતને જાણીને તે દિશામાં આગળ વધવું જોઈએ.ત્રીજી લહેર બહુ મોટા પ્રમાણમાં ઘાતક સાબિત થઇ નથી.

ગંભીર દર્દીઓની સંખ્યા પણ ફુલ કેસમાંથી ૧૦૭,૦૦૦ માંથી માત્ર ૨૯૮ છે તે ૦.૩૩% છે તે પૈકી બાળકોની સંખ્યા ખૂબ નહિવત હોવાની સંભાવના છે.લગ્ન, સામાજિક મેળાવડાં વગેરે આયોજન પછી પણ બાળકોમાં કોરોના અસર જોવાં મળી નથી. તેથી જલ્દી ઓફલાઈન શિક્ષણ કોરોના ગાઈડ લાઈન સાથે શરું કરવામાં આવે.બોડૅની જાહેર બોડૅ પરીક્ષાઓ ૧૫ દિવસ પાછળ લઈ જઈ અભ્યાસક્રમ સરભર કરવો જોઈએ.

(9:55 pm IST)