Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગાંધીનગર ફાયર ઓફિસર મહેશ રવિદાન મોડ પાંચ લાખની લાંચ લેતાં એસીબીએ ઝડપી લીધા

કચેરીમાંથી પ્લાન મંજુર કરાવવા તથા પ્રિ-એનઓસી મેળવવા અરજીકર્તા પાસેથી માંગી હતી લાંચ : આરોપી મહેશ મોડને પ્રશંસનીય સેવાઓ માટે પહેલા રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયેલો છે

ગાંધીનગર : રાજયના પાટનગરમાં મોટા લાંચકાંડનો એસીબીએ પર્દાફાશ કર્યો છે,મહેશ રવિદાન મોડ, ફાયર ઓફિસર વર્ગ-2 તથા ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ અને કમલ ઈન્દુભાઈ ગઢવી (ખાનગી વ્યક્તિ) એસીબીની ઝપેટમાં આવી ગયા છે. સ્ટેટ ફાયર એન્ડ સેફટી પ્રિવેન્શન સર્વિસીસની કચેરી, ગાંધીનગરમાં જ 5 લાખ રૂપિયાની લાંચ લેવાઇ હતી

ફરીયાદીએ ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે અંતરીક્ષ- બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગાંધીનગરની કચેરીમાંથી પ્લાન મંજુર કરાવવા તથા પ્રિ-એનઓસી મેળવવા અરજી કરી હતી, જેના અનુસંધાને ફરિયાદીએ આ કામના આરોપી મહેશ રવિદાન મોડની કચેરી ખાતે જઈ રૂબરૂમાં સંપર્ક કરતાં ઝડપી NOC મેળવવી હોય તો વ્યવહારના 5 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતુ.

લાંચની આટલી મોટી રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી સમક્ષ ફરીયાદ આપેલી.આ ફરીયાદને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં ફરિયાદીએ આરોપી મહેશ મોડને કચેરી ખાતે જઈને મળતાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ખાનગી વ્યક્તિની ઓળખાણ કરાવી હતી તથા લાંચની રકમ તેને આપવા કહ્યું હતુ.

જેમાં એસીબીએ આરોપીને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે. ટ્રેપિંગ અધિકારી, એસ.જે.જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર, એસીબી ફિલ્ડ-3, ઈન્ટે.વીંગ, અમદાવાદ અને એમ.વી.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એસીબી ફિલ્ડ-3, અમદાવાદ, એ.પી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, એસીબી ફિલ્ડ-3, અમદાવાદ, સુપર વિઝન અધિકારી એન.ડી.ચૌહાણ, મદદનિશ નિયામક, એસીબી ફિલ્ડ-3, ઈન્ટે.વીંગ,અમદાવાદ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

આરોપી મહેશ મોડને પ્રશંસનીય સેવાઓ માટે પહેલા રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયેલો છે. 1997થી 2002 દરમિયાન મહેશ મોડ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ઓફિસર હતા. પછીથી તેમની નિમણૂંક ગાંધીનગર ફાયર ઓફિસર તરીકે થઈ હતી. ફરજ દરમિયાન ભૂજમાં ધરતીકંપ તેમજ અક્ષરધામ હુમલા સમયે મહેશ મોડે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. તેની નોંધ લઈને 26 જાન્યુઆરી 2013માં તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો છે અને હવે આ ભ્રષ્ટ અધિકારી લાંચ કેસમાં ઝડપાઇ ગયા છે. 

(8:50 pm IST)